Mon Sep 14 2026

Logo

તીર્થયાત્રાઃ ભર્તૃહરિજીએ તપશ્ચર્યા કરીને અહીં જ સિદ્ધિ મેળવી હતી

2026-06-22 13:22:00
Author: Bhandev
તીર્થયાત્રાઃ ભર્તૃહરિજીએ તપશ્ચર્યા કરીને અહીં જ સિદ્ધિ મેળવી હતી

ભાણદેવ

ચારધામની યાત્રાની શ્રૃંખલા...
આ પાંચેય તીર્થો હરિદ્વારમાં છે અને તેમાં સ્નાન કરવાનું વિશેષ માહાત્મ્ય છે.

હરિદ્વારના માહાત્મ્ય અંગે કથા એવી છે કે શ્ર્વેતરાજાએ અહીં તપશ્ર્ચર્યા કરી હતી અને બ્રહ્માજીને પ્રસન્ન કરીને એવું વરદાન માગ્યું હતું કે આ સ્થાનમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ નિવાસ કરે અને આ કુંડ બ્રહ્માજીના નામથી પ્રખ્યાત બને તથા આ કુંડમાં સ્નાન કરનાર પરમ પદને પામે. બ્રહ્માજીએ પ્રસન્ન થઈને આ વરદાન આપ્યું. ત્યારથી આ સ્થાન બ્રહ્મકુંડના નામે ઓળખાય છે.

ભર્તૃહરિજીએ તપશ્ચર્યા કરીને અહીં જ સિદ્ધિ મેળવી હતી. તેમની યાદમાં તેમના નાના ભાઈ વિક્રમરાજાએ અહીં કુંડ અને પગથિયાં બંધાવ્યાં હતાં. ત્યારથી આ સ્થાન હર કી પૈડી (પગથિયાં) તરીકે પ્રસિદ્ધ થયૂં છે.

2. ગઉઘાટ:

બ્રહ્મકુંડની દક્ષિણ તરફ આ ઘાટ છે. અહીં સ્નાન કરવાથી ગૌહત્યાના પાપમાંથી મુક્તિ મળે છે એવી પરંપરાગત માન્યતા છે. પહેલાં અહીં ગૌહત્યા કરનારની શુદ્ધિ થતી. આ શુદ્ધિક્રિયાના ભાગરૂપે અહીં ગૌહત્યા કરનારને વાલ્મીકિ પોતાના જોડાથી મારતા, પછી બ્રાહ્મણો મંત્રોચ્ચારપૂર્વક ગંગાજીમાં સ્નાન કરાવતા, ત્યારપછી પ્રાયશ્ચિત્તવિધિ થતી, એટલે તે વ્યક્તિ ગૌહત્યાના પાપથી મુક્ત થઈ તેમ માનવામાં આવતું. આ વિશેષતાને લીધે આ ઘાટને ‘ગઉઘાટ’ કહેવામાં આવે છે.

3. કુશાવર્તઘાટ:
ગઉઘાટની દક્ષિણે આ ઘાટ છે. આ ઘાટને ભગવાન દત્તાત્રેયની તપોભૂમિ ગણવામાં આવે છે. અહીં પિતૃતર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે. મેષ-સંક્રાંતિ વખતે અહીં પિતૃર્પણ માટે ભારે ભીડ થાય છે. (ક્રમશ:)