નવી દિલ્હીઃ મિડલ-ઈસ્ટ (મધ્ય-પૂર્વ)માં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતમાં સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે. શનિવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં લિટર દીઠ 87 પૈસા અને ડીઝલની કિંમતમાં લિટર દીઠ 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
છેલ્લા 10 દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. આ પહેલા 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3-3 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારપછી 19 મેના રોજ પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું હતું. આ રીતે જોતાં, છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ આશરે 5 રૂપિયા મોંઘું થઈ ગયું છે.
અમદાવાદમાં આટલો થયો ભાવ
અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં લીટરે 86 પૈસા જ્યારે ડીઝલમાં લીટરે 94 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલનો ભાવ વધીને લીટરે રૂ.99.07 થઇ ગયો છે. જ્યારે ડીઝલ વધીને રુ.94.99એ પહોંચી ગયું છે.
દેશના 4 મુખ્ય શહેરોના પેટ્રોલના ભાવ
દિલ્હી: ₹99.51 પ્રતિ લીટર (87 પૈસાનો વધારો)
કોલકાતા: ₹110.64 પ્રતિ લીટર (94 પૈસાનો વધારો)
મુંબઈ: ₹108.49 પ્રતિ લીટર (90 પૈસાનો વધારો)
ચેન્નઈ: ₹105.31 પ્રતિ લીટર (82 પૈસાનો વધારો)
દેશના 4 મુખ્ય શહેરોમાં ડીઝલના ભાવ
દિલ્હી: ₹92.49 પ્રતિ લીટર (91 પૈસાનો વધારો)
કોલકાતા: ₹97.02 પ્રતિ લીટર (95 પૈસાનો વધારો)
મુંબઈ: ₹95.02 પ્રતિ લીટર (94 પૈસાનો વધારો)
ચેન્નઈ: ₹96.98 પ્રતિ લીટર (87 પૈસાનો વધારો)
પેટ્રોલિય અને કુદરતી ગેસ મંત્રાલયે આપ્યું હતું આશ્વાસન
નવાઈની વાત એ છે કે તાજેતરમાં જ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સામાન્ય જનતાને ભરોસો આપ્યો હતો કે દેશમાં ઇંધણની કોઈ અછત નથી. મંત્રાલયે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'આખા દેશમાં પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને સપ્લાય સંપૂર્ણપણે સ્થિર છે. અમે તમામ નાગરિકોને સલાહ આપીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને ગભરાટમાં આવીને ખરીદી (પૅનિક બાઇંગ) કરવાનું ટાળે. નાગરિકો માત્ર પોતાની જરૂરિયાત મુજબ જ ઇંધણ ખરીદે.'
મંત્રાલયે આગળ જણાવ્યું હતું કે, 'કેટલાક પસંદગીના પેટ્રોલ પંપો પર જે અસ્થાયી દબાણ અથવા ભીડ જોવા મળી રહી છે, તેને દૂર કરવામાં આવી રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સતત સપ્લાય પર નજર રાખી રહી છે અને ઇંધણની વહેંચણી સુનિશ્ચિત કરી રહી છે.'