Fri Sep 11 2026

Logo

‘ખાન સર’ ધરપકડના ડરથી ફરાર? SIT એક્શનમાં, કોચિંગ સેન્ટર સીલ થવાની તૈયારી!

2026-06-08 15:19:39
Author: Vimal Prajapati
‘ખાન સર’ ધરપકડના ડરથી ફરાર? SIT એક્શનમાં, કોચિંગ સેન્ટર સીલ થવાની તૈયારી!

પટના: બિહારની રાજધાની પટનામાં છેલ્લા કેટલાક દિવસોથી કોચિંગ જગત સાથે જોડાયેલો એક મોટો વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. દેશભરના વિદ્યાર્થીઓમાં પોતાની અનોખી શૈલી માટે લોકપ્રિય 'ખાન ગ્લોબલ સ્ટડીઝ'ના સંચાલક ફૈઝલ ખાન ઉર્ફે 'ખાન સર' હાલ પટનાથી ફરાર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે SIT તેમની ધરપકડ કરવા માટે પટના અને તેની આસપાસના જિલ્લાઓમાં સતત દરોડા પાડી રહી છે. આ દરમિયાન ખાન સર સાર્વજનિક રૂપે ક્યાંય જોવા મળ્યા નથી, જેથી તપાસ ચાલી રહી છે. 

વિવાદ પ્રતિષ્ઠાની લડાઈમાં ફેરવાઈ ગયો

આ સમગ્ર વિવાદની શરૂઆત બિહાર પોલીસ ભરતી પરીક્ષાના પરિણામોથી થઈ હતી. તારીખ 27 મેના પરિણામ જાહેર થયા બાદ ખાન ગ્લોબલ સ્ટડીઝ અને 'જ્ઞાન બિંદુ કોચિંગ' બંનેએ પોતાના મહત્તમ વિદ્યાર્થીઓ પાસ થયા હોવાનો દાવો કરીને મોટા પાયે પ્રચાર શરૂ કર્યો હતો. આરોપ એવો છે કે ખાન ગ્લોબલ સ્ટડીઝના કેટલાક કર્મચારીઓએ જ્ઞાન બિંદુ કોચિંગના સત્તાવાર બોર્ડ પર પોતાનું પ્રચાર બેનર લગાવી દીધું હતું, જ્યાંથી આ વિવાદ શરૂ થયો હતો. સ્થાનિક સ્તરે શરૂ થયેલો આ વિવાદ ધીમે-ધીમે બંને સંસ્થાઓ વચ્ચે અહમ અને પ્રતિષ્ઠાની લડાઈમાં ફેરવાઈ ગયો હતો.

વાયરલ વીડિયોએ તપાસના સમીકરણો બદલાયા

બીજી અને ત્રીજી જૂનની રાત્રે બંને પક્ષો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો, જેમાં પથ્થરમારો, તોડફોડ અને ખુલ્લેઆમ ફાયરિંગની ઘટનાઓ બની હતી. શરૂઆતમાં ખાન સરની સંસ્થા પર હુમલો થયો હોવાના દાવા સાથે પોલીસે જ્ઞાન બિંદુ કોચિંગના ડાયરેક્ટર રૌશન આનંદની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા ત્યાર બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ખાન સરની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સિક્યોરિટી ગાર્ડ્સ જ હથિયારોથી ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા.

રૌશન આનંદની ધરપકડના વિરોધમાં અને નિષ્પક્ષ તપાસની માંગ સાથે પટનામાં હજારો વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું, જેના કારણે પોલીસ પર દબાણ વધ્યું હતું. આ વીડિયો સામે આવ્યા બાદ પટના પોલીસે તપાસની દિશા બદલી હતી. પોલીસે કોચિંગ સેન્ટર પર દરોડો પાડીને બે ગાર્ડની ધરપકડ કરી, હથિયારો જપ્ત કર્યા અને ખાન સર વિરૂદ્ધ પણ ગુનો દાખલ કર્યો હતો. 

કોચિંગ બંધ થવાનું સંકટ

ફાયરિંગના વિવાદ વચ્ચે જિલ્લા અગ્નિશમન વિભાગની ટીમે મુસલ્લહપુર હાટ સ્થિત ખાન સરના મુખ્ય કોચિંગ સેન્ટર પર સરપ્રાઈઝ ફાયર ઓડિટ કર્યું હતું, જેમાં ચોંકાવનારી બેદરકારી સામે આવી છે.  સંસ્થાએ આ બિલ્ડિંગને G+4 (ગ્રાઉન્ડ પ્લસ 4 માળ) બતાવી હતી, પરંતુ તપાસમાં તે G+5ની હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે નિયમ મુજબ જ્યાં 25,000 લીટરની ઓવરહેડ પાણીની ટાંકી હોવી જોઈએ, ત્યાં માત્ર 5,000 લીટરની ટાંકી જ મળી આવી હતી. એટલું જ નહીં પરંતુ બિલ્ડિંગમાં ડાઉન કોમર સિસ્ટમ, ઈમરજન્સી ફાયર એલાર્મ, પૂરતી સંખ્યામાં અગ્નિશામક સિલિન્ડરો, વૈકલ્પિક સીડીઓ અને રબર મેટ જેવી અત્યંત જરૂરી સુવિધાઓ ગાયબ હોવાનું તપાસમાં પ્રકાશમાં આવ્યું છે. 

જિલ્લા ફાયર વિભાગે સાતથી 10 દિવસનું અલ્ટીમેટમ

જિલ્લા ફાયર વિભાગે ખાન સરની સંસ્થાને આ તમામ ખામીઓ સુધારવા માટે એક અઠવાડિયાની મહોલત આપી છે. પટના પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, જો નિર્ધારિત સમયમાં નિયમોનું પાલન નહીં થાય, તો પહેલા કારણદર્શક નોટિસ અપાશે અને ત્યારબાદ કોચિંગ સેન્ટરને કાયદાકીય રીતે સીલ કરી દેવામાં આવશે.