નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, તેવામાં વિપક્ષ દ્વારા અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા પેપર લીક મામલે સંસદની બહાર અને અંદર હોબાળો કરવામાં આવ્યો હતો. જેને લઈને સરકાર દ્વારા પેપર લીક મામલે કાયદો બનાવવામાં આવ્યો, અને તે બિલ સંસદમાં પાસ પણ થઈ ગયું છે. હવે વિપક્ષ દ્વારા રામ મંદિરમાં થયેલી દાનની ચોરી મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. રામ મંદિર દાન ચોરી મામલે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પપ્પુ યાદવ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો
વિગતે વાત કરવામાં આવે તો, પપ્પુ યાદવ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે. સંસદની બહાર સાધુના વેશમાં આવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિપક્ષના અનેક સાંસદો પણ હાજર રહ્યાં હતાં. વિરોધ પ્રદર્શન માટે સાધુના વેશમાં દાનપેટી લઈને પહોંચ્યાં હતાં. આ દરમિયાન તેઓ સાંકેતિક રીતે દાનની ચોરી કરીને રામ મંદિર દાન ચોરીને વિરોધ કરતા જોવા મળ્યાં હતાં. આ દરમિયાન પાછળથી વિપક્ષી સાંસદો નારા લગાવી રહ્યાં હતાં.
#WATCH | Delhi | Monsoon Session of the Parliament | Opposition MPs stage a protest over the issue of alleged Ayodhya Ram Mandir donations embezzlement pic.twitter.com/W3netnDNPI
— ANI (@ANI) July 31, 2026
નોંધનીય છે કે પેપર લીક વિરોધી બિલ સંસદના બંને ગૃહો દ્વારા પહેલાથી જ પસાર થઈ ગયું છે. હવે તે કાયદો બનવા માટે રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. જોકે, સંસદમાં ચાલી રહેલ હોબાળો શાંત થવાના કોઈ સંકેત દેખાતા નથી. ગૃહ પ્રધાન અમિત શાહને લગતા મુદ્દાને લઈને આજે ફરી ભારે હંગામો થવાની ધારણા છે.
અમિત શાહ વિરુદ્ધ બેનરો લઈને વિરોધ પ્રદર્શન
ખાસ કરીને વાત કરવામાં આવે તો, સતત બીજા દિવસે, વિપક્ષી સાંસદોએ સંસદ સંકુલમાં અમિત શાહ વિરુદ્ધ બેનરો લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષી સાંસદોએ ગૃહમાં તેમની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા છે. 20 જુલાઈના રોજ 'સંસદ માર્ચ' દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા કઠોર કાર્યવાહી બદલ સમગ્ર વિપક્ષ અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યું છે. આ મુદ્દાને કારણે ગઈકાલે લોકસભામાં કોઈ કાયદાકીય કામગીરી થઈ શકી નથી.