Sun Sep 06 2026

Logo

રાજ્યસભામાં 'વંદે માતરમ બિલ' રજૂ; નીટ મુદ્દે વિપક્ષનો હોબાળો, લોકસભા અને રાજ્યસભા સોમવાર સુધી સ્થગિત

2026-07-24 14:51:26
Author: Vimal Prajapati
રાજ્યસભામાં 'વંદે માતરમ બિલ' રજૂ; નીટ મુદ્દે વિપક્ષનો હોબાળો, લોકસભા અને રાજ્યસભા સોમવાર સુધી સ્થગિત

નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર શરૂઆતથી જ નીટ પેપર લીકના મુદ્દે વિપક્ષના જોરદાર હંગામાનો ભોગ બન્યું છે. શુક્રવારે પણ સત્ર દરમિયાન આ મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીવ્ર ગતિરોધ જોવા મળ્યો હતો. ભારે હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય દ્વારા રાજ્યસભામાં 'વંદે માતરમ બિલ' રજૂ કરવામાં આવ્યું હતું. બિલ રજૂ થતાંની સાથે જ રાજ્યસભા અને લોકસભા બંને ગૃહોની કામગીરી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

વંદે માતરમ બિલમાં કેવી જોગવાઈ છે?

કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન દ્વાકા રાજ્યસભામાં પેશ કરવામાં આવેલા આ બિલ વિશે કેટલીક ખાસ બાબત છે જે જાણવી જરૂરી છે. રિપોર્ટ્સ પ્રમાણે આ બિલ જો કાયદો બને તે આ કાયદા હેઠળ દેશના રાષ્ટ્રીય પ્રતીકો - જેમ કે રાષ્ટ્રધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગીતનું અપમાન કરવું અથવા તેમનો અનાદર કરવો એ એક ગુનાહિત કૃત્ય ગણાશે. એટલું જ નહીં પરંતુ આ ગુનામાં દોષિત ઠરનાર વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલની સજા આપવાની જોગવાઈ આ બિલમાં સામેલ કરવામાં આવી છે.

સંસદમાં સતત હંગામો અને સરકારી પક્ષનો દાવો

સવારના સમયે લોકસભા અને રાજ્યસભાની કામગીરી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ નીટ પેપર લીક મામલે ત્વરિત ચર્ચાની માગ સાથે ગૃહના મધ્યમાં આવીને વિરોધ શરૂ કર્યો હતો. આ વિરોધના કારણે સંસદની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ મામલે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગૃહમાં જણાવ્યું કે, ‘સરકાર નીટ વિવાદ પર ગૃહમાં વિગતવાર ચર્ચા કરવા માટે સંપૂર્ણ તૈયાર છે, પરંતુ વિપક્ષ ચર્ચાથી ભાગવાના બહાના શોધી રહ્યો છે’.

બંને ગૃહોની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી 

અત્ર ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ પણ મોડી રાત્રે વીડિયો સંદેશ દ્વારા સ્પષ્ટ કર્યું હતું કે સરકાર પેપર લીક સામે કડક કાયદાનો મસૌદો કેબિનેટમાં લાવી રહી છે અને આવતા અઠવાડિયે તેને સંસદમાંથી પસાર કરાવવા પ્રયાસ કરશે. આટલી ખાતરીઓ આપવા છતાં વિપક્ષે રાજીનામા અને ત્વરિત ચર્ચાની માંગ પર અડીંગો જમાવી રાખતાં આખરે બંને ગૃહોની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. સરકારનું કહેવું છે કે, વિપક્ષ જાતે કરીને મુદ્દાને ભટકાવીને સંસદમાં ચર્ચા કરવાથી ભાગી રહ્યું છે.