Tue Oct 06 2026

Logo

ઝબાન સંભાલ કે: પરથમ પહેલા સમરીએ સ્વામી તમને સૂંઢાળા

2026-09-13 09:55:00
Author: Henry Shashtri
ઝબાન સંભાલ કે: પરથમ પહેલા સમરીએ સ્વામી તમને સૂંઢાળા

 

 

હેન્રી શાસ્ત્રી

 

આવતી કાલે 14 સપ્ટેમ્બર, ભાદરવા સુદ ચોથ. ગણેશ ચતુર્થી. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશના પ્રગટોત્સવ અને સ્થાપનાના પવિત્ર દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ગણપતિ બાપ્પા વિઘ્નનો નાશ કરનાર માનવામાં આવતા હોવાથી સર્વ કાર્યને આરંભે એમનું આરાધન થાય છે. સર્વ દેવોમાં એ પ્રથમ પૂજાય છે. ગણેશજી ભાષામાં પણ સુંદર રીતે વણાઈ ગયા છે. ગણેશ બેસાડવા એટલે સારા કામનો આરંભ કરવો. ગણપતિ બાપ્પા મોરયા, મંગલમૂર્તિ મોરયા બોલાય છે એમાં એક કથા જોડાયેલી છે. મહારાષ્ટ્રના પુણે શહેરથી 15 કિલોમીટરના અંતરે આવેલા ચિંચવડ ગામમાં જન્મેલા મોરયા ગોસાવી પરમ ગણેશ ભક્ત હતા. દર વર્ષે ગણેશ ચતુર્થીએ તેઓ 95 કિ.મી. દૂર આવેલા મોરગામમાં મયૂરેશ્વર મંદિરમાં ગણપતિનાં દર્શન માટે જતા. આ મંદિર મહારાષ્ટ્રના અષ્ટવિનાયક ગણપતિ પૈકી એક છે. જોકે વૃદ્ધાવસ્થાને કારણે મંદિર નહીં જઈ શકવાથી તેમને દુ:ખ થતું હતું. ભક્તની પીડા જોઈ ગણેશજીએ સપનામાં દર્શન આપીને કહ્યું કે `આવતી કાલે તું સ્નાન કરતો હોઈશ ત્યારે હું તને દર્શન દઈશ. સ્નાન કરતી વખતે મોરયા ગોસાવીને એક નાનકડી ગણેશજીની મૂર્તિ હાથ લાગી જેનું તેમણે મંદિરમાં સ્થાપન કર્યું. આમ ગણેશજી સાથે મોરયા ગોસાવીનું નામ જોડાતા લોકો ગણપતિ બાપ્પા મોરયા બોલવા લાગ્યા અને આજે દેશભરમાં એ બોલાય છે.

 

પરથમ પહેલા સમરીએ સ્વામી તમને સૂંઢાળા એ ગુજરાતી લોકસાહિત્ય અને ભક્તિ પરંપરાનું એક અત્યંત લોકપ્રિય ગણેશ ભજન છે. સનાતન ધર્મમાં કોઈપણ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશની આરાધનાથી થાય છે, તેથી જ આ ભજનમાં તેમને સૌથી પહેલા યાદ (સમરણ) કરવાની વાત કરવામાં આવી છે. આ સુંદર ભજનની રચના ભક્ત કવિ રાવત રણશી દ્વારા કરવામાં આવી છે. ગણેશજીનું મુખ હાથીનું હોવાથી તેમની લાંબી સૂંઢને કારણે લોકભાષામાં તેમને આદરપૂર્વક `સૂંઢાળા' કે `સૂંઢાળા સ્વામી' તરીકે સંબોધવામાં આવે છે.

 

શબ્દકોશમાં ગણપતિન્યાય શબ્દ છે. એનો અર્થ યુક્તિથી કોઈ મોટું કામ જલદી થાય એવું દૃષ્ટાંત. એક નાનકડી કથા એવી છે કે એક વારે દેવોમાં વિવાદ ચાલ્યો કે બધામાં પૂજ્ય કોણ ? બ્રહ્માએ કહ્યું કે જે પૃથ્વીની પ્રદક્ષિણા પહેલી કરી આવે તે શ્રેષ્ઠ. આથી બધા દેવો પોતપોતાનાં વાહન ઉપર ચાલ્યા. ગણેશજીએ ઉંદર ઉપર સવારી કરી, પણ બધાની પાછળ રહ્યા. એવામાં તેમને નારદ મળ્યા. તેમણે ગણેશજીને યુક્તિ બતાવી કે રામ નામ લખી તેની પ્રદક્ષિણા કરી જલદી બ્રહ્મા પાસે પહોંચી જાઓ. ગણપતિએ આ પ્રમાણે કર્યું અને દેવોમાં પ્રથમ પૂજ્ય થયા. આ રીતે જ્યાં થોડી યુક્તિથી ઘણું મોટું કામ થાય ત્યાં આ ન્યાયનો પ્રયોગ થાય છે.

 

ગણપતિમૂષકયોગ એટલે સારાનો નરસા સાથે સંબંધ. મોટા શરીરવાળા ગણપતિજીનું વાહન ઉંદર માનવામાં આવ્યું છે. ગણપતિ માટે અલ્પ પરિમાણ ઉંદરની સવારીનો ભાવાર્થ સમજવા જેવો છે. મૂષક (ઉંદર)નો સ્વભાવ કાપવાનો, વેતરી નાખવાનો છે. ઉંદર વસ્તુના મહત્ત્વને જાણતો નથી. ઉંદર એટલે કુતર્ક બુદ્ધિ તથા ગણપતિ એટલે સુબુદ્ધિના દેવતા. કુબુદ્ધિને સુબુદ્ધિ દબાવી દે છે એ પ્રમાણની શિક્ષા આ ગણપતિમૂષકયોગથી મળે છે.

 

ભાષા વૈભવ 

 

પાંચનો મહિમા  

 

ચોથ પછી પાંચમ આવે. પાંચ આંગળીએ પૂજવું એટલે સારી સેવા ભક્તિ કરવી, ઘણી ભક્તિ કરી ઈશ્વરની મહેરબાની મેળવવી, શ્રદ્ધાથી પરમેશ્વરને ભજવા એવા અર્થ છે. પંચ બોલે તે પરમેશ્વર એટલે અનેક લોકો કહે એ સાચું. પાંચ ભાષામાં અલગ અલગ ભાવ પ્રગટ કરે છે. પાંચ પાપ: ચૂલો, ઘંટી, સાવરણી, ખાંડણિયો અને પાણિયારુંં એ પાંચ સાધનમાં જાણે-અજાણે જીવાત મરતી હોવાથી તે પાંચ પાપ ગણાય છે. અમ્લ પંચક એટલે ખાવાની પાંચ ખાટી વસ્તુ જેમાં બોર, દાડમ, કોકમ, ચૂકો અને અમ્લવેતસનો સમાવેશ હોય છે. અમ્લવેતસ આયુર્વેદમાં વર્ણવેલી મહત્ત્વની અને ગુણકારી ઔષધીય વનસ્પતિ છે. સ્વાદમાં ખૂબ જ ખાટી અને પાચનતંત્રના રોગો માટે ગુણકારી ગણાય છે. ચૂકો એટલે એક જાતની વનસ્પતિ. તેની ખાટી ભાજી થાય છે. ક્ષાર પંચક એટલે ખાખરાનો, કમળનો, જવનો, તલસરાંનો ક્ષાર અને સાજીખાર. તલસરાં એટલે તલ ખંખેરી લીધેલા છોડવા. સાજીખાર એટલે સોડા બાય કાર્બ જે રસોઈમાં વપરાય છે. દેવ પંચક એટલે ગણપતિ, ગૌરી, ભાનુ, હરિ અને હર એમ પાંચ દેવનો સમૂહ. મિત્ર પંચક એટલે ઘી, મધ, ગૂગળ, ચણોઠી અને ટંકણખાર. ગૂગળ એટલે બાળતાં સુગંધ આપનારો એક જાતનો ગુંદર. ટંકણખાર એક જાતનો ક્ષાર છે. આ પાંચેય વસ્તુ શરીરને સાથ આપનારી હોવાથી મિત્ર પંચક તરીકે ઓળખાય છે. લવણ પંચક એટલે સિંધાલૂણ, સંચળ, બિડલવણ, વરાગડું અને દરિયાનું મીઠું. બિડલવણ એટલે એક જાતનું બનાવટી મીઠું. લવણની સાથે પ્રસારણીના કલ્કનો સંજોગ કરી તેને અગ્નિ આપવાથી બિડલવણ તૈયાર થાય છે. પ્રસારણી એટલે એક જાતની લતા અને કલ્ક એટલે એ લતાના ફૂલ. વડાગરું એટલે એક પ્રકારનું મીઠું. સુગંધી પંચક એટલે કેસર, અગર, કપૂર, કસ્તૂરી અને ચંદન. અગર એટલે ભુટાન, આસામ, બાંગ્લાદેશ વગેરે સ્થળે થતું સુગંધી લાકડાવાળું વૃક્ષ. જોકે પંચક શુભ નથી માનવામાં આવતું. દર 27 દિવસે કુંભ અને મીન રાશિમાં ચંદ્ર આવે ત્યારે તે પાંચ દિવસ પંચકના કહેવાય છે. આ પંચકમાં શુભ કર્યો કરવાની મનાઈ છે. એવી માન્યતા છે કે પંચક દરમિયાન શરૂ કરેલાં કાર્યોમાં અવરોધો આવે છે અથવા તેનું અશુભ પરિણામ મળી શકે છે.