Sun Jul 26 2026

Logo

કર્ણાટકમાં ગેરકાયદે રહેતી પાકિસ્તાની મહિલાની તેના પુત્ર સાથે ધરપકડ, ભારતીય દસ્તાવેજો મળી આવ્યાં

2026-07-11 16:32:32
Author: Vimal Prajapati
Article Image

બેંગલુરુઃ કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લામાંથી એક સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અહીં ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરી રહેલા એક પાકિસ્તાની મહિલા અને તેના પુત્રની પોલીસે ધરપકડ કરી લીધી છે. વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં આ બંને દાસાગરેપલ્લી ગામમાં છુપાઈને રહેતા હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલા પાકિસ્તાની નાગરિકો પાસેથી કેટલાક ભારતીય ઓળખપત્રો અને દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જેની ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

ગામના યુવક સાથે લગ્ન કરી રહેતી હતી મહિલા

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા પાકિસ્તાની નાગરિકોની ઓળખ ફરહાનાઝ અને તેના પુત્ર મોહમ્મદ ફરદીન ખાન તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પાકિસ્તાની નાગરિક ફરહાનાઝે દાસાગરેપલ્લી ગામના રહેવાસી અયુબ ખાન નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને બે બાળકો છે.

વિદેશી નાગરિક હોવા છતાં ભારતીય દસ્તાવેજો મળી આવ્યાં

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, વિદેશી નાગરિક હોવા છતાં આ આરોપીઓ પાસે કથિત રીતે ભારતીય રાશન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, બેંક એકાઉન્ટ અને અન્ય સ્થાનિક દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ હાલમાં આ દસ્તાવેજો કેવી રીતે અને કોની મદદથી બનાવવામાં આવ્યા તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

મહારાષ્ટ્રમાં પાકિસ્તાની ગેંગસ્ટરના નેટવર્ક પર ATSનો સકંજો

પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ પાકિસ્તાની કનેક્શનને લઈને એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એક્શન મોડમાં આવી ગઈ છે. પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી સાથે જોડાયેલા ઓનલાઈન નેટવર્કનો પર્દાફાશ કરવા માટે કેન્દ્રીય એજન્સી NIA બાદ હવે મહારાષ્ટ્ર ATSએ પણ રાજ્યવ્યાપી ઓપરેશન શરૂ કર્યું છે.

શનિવારે વહેલી સવારે 7 વાગ્યાથી જ ATSની 14 અલગ-અલગ યુનિટોએ મુંબઈ, ઠાણે, કુર્લા, બાંદ્રા, જોગેશ્વરી, નવી મુંબઈ, મીરા રોડ, ભાયંદર સહિત સાંગલી, સાતારા અને છત્રપતિ સંભાજી નગરમાં એકસાથે દરોડા પાડ્યા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીના સંપર્કમાં રહેલા આશરે 150થી વધુ લોકો એજન્સીના રાડાર પર છે. અત્યાર સુધીમાં એટીએસની ટીમોએ કુલ 112 લોકોને શોધી કાઢીને તેમની અટકાયત કરી છે અને દેશવિરોધી ગતિવિધિઓ કે અન્ડરવર્લ્ડ કનેક્શન અંગે સઘન પૂછપરછ હાથ ધરી છે.