Sat Sep 05 2026

Logo

પાકિસ્તાનમાં ગરીબીનો 'આતંક': છ વર્ષમાં દર વધીને ૨૮.૮ ટકા થયો

Islamabad   2026-02-20 20:45:12
Author: Mumbai Samachar Team
પાકિસ્તાનમાં ગરીબીનો 'આતંક': છ વર્ષમાં દર વધીને ૨૮.૮ ટકા થયો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં છેલ્લા છ વર્ષમાં ગરીબાઇ વધી હોવાના અહેવાલ છે. એક નવા અંદાજ મુજબ ૨૮.૮ ટકા વસ્તી ગરીબીના ભરડામાં પીસાઇ રહી છે. આ માહિતી શુક્રવારે એક મીડિયા અહેવાલમાં સામે આવી હતી.

આ વાત પાકિસ્તાન ઇન્સ્ટિટ્યુટ ઓફ ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ(પીઆઇડીઇ)ના ભૂતપૂર્વ સંયુક્ત નિર્દેશક ડો. જી. એમ. આરિફની આગેવાની હેઠળની સરકારી સમિતિના તારણોમાં કહેવામાં આવી હતી. જેણે દેશમાં ગરીબીના અંદાજોનો અભ્યાસ કર્યો હતો. જો કે પરિણામોને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ એક અંગ્રેજી અખબારે સૂત્રોને ટાંકીને જણાવ્યું કે છેલ્લા છ વર્ષમાં ગરીબી વધી છે. 

રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૧૮-૧૯માં ગરીબી દર ૨૧.૯ ટકા હતો. જે ૨૦૨૪-૨૫માં લગભગ ૬.૯ ટકા વધીને ૨૮.૮ ટકા થવા પામ્યો છે. જે તમામ પ્રાંતોમાં વૃદ્ધિ દર્શાવે છે.

અખબારે એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવ્યું કે છેલ્લા છ વર્ષમાં આઇએમએફના ત્રણ સ્ટેબિલાઇઝેશન પ્રોગ્રામ, કોવિડ-૧૯ની અસર, કોમોડિટી સુપર-સાઇકલ, વધતી મોંઘવારી, નીચો જીડીપી વૃદ્ધિ દર, બે સુપર ફ્લડ અને ઘઉંના ટેકાના ભાવનો ત્યાગ જેવા વિવિધ કારણોસર પાકિસ્તાનમાં ગરીબીનું સ્તર વધ્યું છે.

અખબારે જણાવ્યું કે બલુચિસ્તાનની સરખામણીએ પંજાબ, સિંધ અને ખૈબર-પખ્તુનખ્વામાં આ વૃદ્ધિ વધુ સ્પષ્ટ જોવા મળી હતી. પરંતુ પ્રાંત હિસાબે ગરીબીમાં થયેલી વૃદ્ધિ અંગે કોઇ માહિતી આપવામાં આવી નથી. ગરીબી અનુમાન સમિતિના અધ્યક્ષ આરિફે સમિતિએ તેમની ભલામણો અને રિપોર્ટ સરકારને સોંપી દીધા હોવાની પુષ્ટિ કરી હતી.