Tue Mar 10 2026

Logo

LoC પર પાકિસ્તાનનું વધુ એક ષડયંત્ર: ભારતીય સેનાએ ડ્રોનને ખદેડ્યું

1 week ago
Author: Tejas Rajpara
Article Image

જમ્મુ-કાશ્મીર: LoC પર પાકિસ્તા ફરી એક વખત પોતાના નાપાક ઈરાદા સાથે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. રવિવારે વહેલી સવારે પુંછ જિલ્લાના ડિગવાર સેક્ટરમાં એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં દાખલ થતું જોવા મળ્યું હતું. સરહદ પર તૈનાત ભારતીય સેનાના જવાનોએ સમયસૂચકતા વાપરીને આ ડ્રોન પર આકરો પ્રહાર કર્યો હતો. સેનાની સતર્કતાને કારણે પાકિસ્તાનનો આ કાયરતાપૂર્ણ મનસૂબો નિષ્ફળ રહ્યો છે અને ડ્રોનને પરત ભાગવાની ફરજ પડી છે.

સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે લગભગ 6 વાગ્યાને 10 મિનિટે આકાશમાં એક અજાણ્યું ડ્રોન મંડરાતું જોવા મળ્યું હતું. ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતાની સાથે જ સેનાએ તેના પર એક ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબારથી બચવા માટે ડ્રોન હવામાં જ ફંગોળાયું હતું અને થોડીવાર બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) તરફ પાછું જતું રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે જ્યારે પાકિસ્તાને આ જ વિસ્તારમાં ડ્રોન મોકલવાનો પ્રયાસ કર્યો હોય. આ અગાઉ 27 ફેબ્રુઆરીએ પણ આવી જ ઘટના બની હતી. 

આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ અત્યંત સાવધ બની ગઈ છે. પાકિસ્તાન દ્વારા અવારનવાર ડ્રોનનો ઉપયોગ હથિયારો, વિસ્ફોટકો કે નશીલા પદાર્થોની તસ્કરી માટે કરવામાં આવે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને ભારતીય સુરક્ષા દળોએ પુંછના ડિગવાર અને આસપાસના જંગલ વિસ્તારોમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સેના એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ડ્રોન દ્વારા કોઈ વાંધાજનક સામગ્રી ભારતીય ધરતી પર ફેંકવામાં આવી નથી ને? હાલમાં સમગ્ર સેક્ટરમાં દેખરેખ કડક કરી દેવામાં આવી છે.

વર્તમાન સ્થિતિ જોતા પાકિસ્તાન બે મોરચે મુશ્કેલીમાં હોવાનું જણાય છે. એક તરફ તે અફઘાનિસ્તાન સરહદે યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે, તો બીજી તરફ ભારત સામે ડ્રોન મોકલીને છૂપો જંગ ખેલવાની કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાન સરકાર પોતાના દેશની જનતાની પાયાની જરૂરિયાતો અને આર્થિક પાયમાલી પર ધ્યાન આપવાને બદલે આવી નાપાક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે. જોકે, ભારતીય સેનાની અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા પાકિસ્તાનના દરેક ષડયંત્રને જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે.