Tue Sep 08 2026

Logo

મેળાની મજા માતમમાં ફેરવાઈઃ મામાના ઘરે આવેલા ચાર બાળકો ચેકડેમમાં ન્હાવા પડ્યા, ડૂબી જવાથી મોત

2026-09-06 08:36:00
Author: Mumbai Samachar Team
મેળાની મજા માતમમાં ફેરવાઈઃ મામાના ઘરે આવેલા ચાર બાળકો ચેકડેમમાં ન્હાવા પડ્યા, ડૂબી જવાથી મોત

પડધરીઃ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં મામાના ઘરે જન્માષ્ટમી માણવા માટે આવેલા ચાર બાળકોના ચેકડેમમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. એક જ શેરીમાં રહેતા અને દરરોજ સાથે રમતા ત્રણેય મિત્રોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. તહેવારના દિવસો દરમિયાન ત્રણ બાળકો મામાના ઘરે પડધરીમાં આવ્યા હતા, શનિવારે ગામની પાછળ આવેલા ચેકડેમમાં ન્હાવા માટે પડ્યા હતા. જેમાં એક પછી એક એમ ચારેય બાળકો ડૂબવા લાગ્યા હતા. પ્રથમ બે બાળકોના મૃતદેહ મળ્યા બાદ ફાયરની ટીમ બાકીના બે બાળકોને શોધવા માટે ઊંડે સુધી ઊતરી હતી. મોડી રાત્રે ચોથા બાળકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે ચારેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતું ખસેડ્યા હતા. 

મોડી રાત્રે મળ્યા અન્ય બે મૃતદેહ
સતત આઠ કલાકની જહેમત બાદ ફાયર વિભાગની ટીમે ચારેય બાળકોના મૃતદેહને બાહર કાઢ્યા હતા. એક સાથે ચાર બાળકોની નનામી ઊઠતા ગામ આખુ હિબકે ચડ્યું હતું. પડધરી પાસે આવેલા દહીસરડા ગામના દીપ રાજપરા તા.5 સપ્ટેમ્બરના રોજ આજી ગામ ખાતે આવેલા પાટવાળા હનુમાન મંદિર પાસે ત્રણ મિત્રો સાથે મામાના ઘરે ગયો હતો.

ભાણેજ સાથે ચારેય મિત્રો ચેકડેમમાં ન્હાવા માટે પડ્યા હતા. જ્યાં ઊંડા પાણીમાં ગરકાવ થયા ચારેય બાળકોના મોત નીપજ્યા હતા. આ અંગેની જાણ ગ્રામજનોને થતા પોલીસ અને ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી. આ પછી શરૂઆતમાં બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે બાકીના બે બાળકોના મૃતદેહ છેક મોડી રાત્રે મળ્યા હતા. આઠ કલાકની જહેમત બાદ અન્ય બાળકોના મૃતદેહને બાહર કાઢવામાં આવ્યો હતો.  આ પછી પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

ત્રણ દિવસમાં ત્રણ ઘટના
મેળાનો આનંદ માણવા માટે આવેલા પરિવારમાં ચાર બાળકોના મોતથી મામતમનો માહોલ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનામાં જામનગરના ધ્રોલ ગામે રહેતા વર્ષીય વંશિત વિજયભાઈ ખંભાયતા, પડધરી તાલુકાના દહીસરડા આજી ગામના 14 વર્ષીય દીપ ગંગારામભાઈ રાજપરા, 12 વર્ષીય વાસુ યોગેશભાઈ સવસાણી અને 14 વર્ષીય ધ્યેય મનીષભાઈ ધમાસણાનું મોત નીપજ્યું છે.

છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતમાં પાણીમાં ડૂબીને મૃત પામ્યા હોય એવી આ ત્રીજી ઘટના છે. આ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પાસે રાજસ્થાની શ્રમિકની ઘટના સામે આવી હતી. એ પછી મહેસાણાના કડીમાં મેળાનો આનંદ લેવા માટે આવેલા ત્રણ મિત્રો નદીમાં ન્હાવા માટે પડ્યા અને ડૂબી ગયા હતા, દહીસરડા ગામે બનેલી આ ઘટનાએ ફરી એકવાર પાણીના સ્થળોએ બાળકોની સુરક્ષાને લઈને ચિંતા ઉભી કરી છે.