નવી દિલ્હી: ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને કેટલું નુકસાન થયું હતું તે અંગેની મહત્વની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં રક્ષા મંત્રાલયના વર્ષ 2025-26ના વાર્ષિક અહેવાલમાં ઇન્ડિયન એરફોર્સની કામગીરી દર્શાવવામાં આવી છે.
વાયુસેનાએ ઓપરેશન સિંદૂરમાં મુખ્ય ભૂમિકા ભજવી
ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂરમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે નૂર ખાન અને રહીમ યાર ખાન એર બેઝ જેવા સ્થળો પર ચોક્કસ હુમલા કર્યા. તેણે ભારતના એરસ્પેસની સુરક્ષામાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. જ્યારે પાકિસ્તાને જવાબી ડ્રોન અને UAV હુમલાઓ શરૂ કર્યા ત્યારે વાયુસેનાએ તેમને એર ડિફેન્સ ગ્રીડ દ્વારા નિષ્ફળ બનાવ્યા.
ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાનું અદભૂત સાહસ
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય રડાર સિસ્ટમે અત્યંત ચોકસાઈ સાથે જોખમને ટ્રેક કર્યું અને S-400ની લાંબા અંતરની મિસાઇલને સફળતાપૂર્વક લક્ષ્ય સુધી પહોંચાડવામાં આવી.
S-400 એર ડિફેન્સ સિસ્ટમે 314 કિલોમીટર દૂર ટાર્ગેટને નિશાન બનાવ્યું
જેમાં ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમે 314 કિલોમીટરના અંતરેથી પાકિસ્તાનના એક 'સ્પેશિયલ મિશન' વિમાનને સફળતાપૂર્વક નિશાન બનાવીને તોડી પાડ્યું હતું. જે સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનો ઉપયોગ કરીને કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી લાંબા અંતરની કાર્યવાહી છે.
ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી એર વોરિયર્સને મળ્યા
ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 મે 2025 ના રોજ એરફોર્સ સ્ટેશન આદમપુરની મુલાકાત લીધી. આ દરમિયાન તેઓ ત્યાં તૈનાત એર વોરિયર્સને મળ્યા અને ઓપરેશનમાં તેમની ભૂમિકાની વ્યક્તિગત પ્રશંસા કરી. વડાપ્રધાને ઓપરેશન દરમિયાન ભારતીય વાયુસેનાના જવાનોની હિંમત અને મનોબળને બિરદાવ્યું હતું.