Wed Sep 02 2026

Logo

વડોદરા કોર્ટને 15 દિવસમાં બીજી વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ

2026-03-05 12:02:00
Author: Mayur Patel
વડોદરા કોર્ટને 15 દિવસમાં બીજી વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ

વડોદરાઃ કોર્ટને ફરી 15 દિવસમાં બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દિવાળીપુરા વડોદરાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. બોમ્બની ધમકી મળ્યા બાદ કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

બે દિવસ પહેલા રાજ્યની વિવિધ શાળાઓ અને કોર્ટને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા મુખ્ય સૂત્રધારની પશ્ચિમ બંગાળમાંથી ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.   17 ડિસેમ્બરના રોજ ખાલિસ્તાનના નામે અમિત શાહના લોકસભા મત વિસ્તારની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે 16 ફેબ્રુઆરીએ મેઈલ કરી લખ્યું હતું કે મોદી-શાહ ટાર્ગેટ છે. હિન્દુસ્તાનનાં ટુકડા થશે, ગુજરાત ખાલિસ્તાન બનશે. આટલું લખીને અમદાવાદ-વડોદરાની 40 સ્કૂલને બોમ્બની ધમકી આપી હતી.

આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમનું સંયુક્ત ઓપરેશન પાર પાડીને સૌરવ બિશ્વાસ નામના યુવકની ધરપકડ કરી હતી. ઇ-મેલ કરનાર કોઈ એક આરોપી નથી, બાકીના આરોપીઓની તપાસ ચાલી રહી છે. આરોપી સૌરવ બિશ્વાસ મૂળ બાંગ્લાદેશનો રહેવાસી છે અને ભારતીય નાગરિકતા પર ભારતમાં રહેતો હતો. શાળાઓમાં ધમકી આપવામાં સૌરવ બિશ્વાસનો હાથ હતો.