Sat Sep 12 2026

Logo

ઓમાનમાં ભારતીયોના મોત અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘે અમેરિકાની ઝાટકણી કાઢી, કરાવ્યું કાયદાનું ભાન...

2026-06-12 18:06:19
Author: Devayat Khatana
ઓમાનમાં ભારતીયોના મોત અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘે અમેરિકાની ઝાટકણી કાઢી, કરાવ્યું કાયદાનું ભાન...

નવી દિલ્હી: ઓમાનના દરિયાકાંઠે કોમર્શિયલ જહાજો પર અમેરિકી સેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં ત્રણ ભારતીયોના મોત મામલે  ભારતે આકરું રાજદ્વારી વલણ અપનાવ્યું છે. ભારત સરકારે આ હુમલાઓ સામે સખત વાંધો વ્યક્ત કરતા યુએસના ડેપ્યુટી એમ્બેસેડર જેસન મીક્સને ફરીથી સમન્સ પાઠવીને આકરો વિરોધ નોંધાવ્યો છે. તાજેતરના દિવસોમાં આ બીજી વખત છે જ્યારે ભારતે અમેરિકી રાજદૂતને બોલાવીને લાલ આંખ કરી હોય. ગુરુવારે 20 ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા વધુ એક જહાજ પર યુએસ નૌસેનાએ હુમલો કરતા ભારતે આ મામલે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે.

આ રાજદ્વારી સંઘર્ષ વચ્ચે ભારતે અમેરિકાને આંતરરાષ્ટ્રીય નિયમો અને દરિયાઈ કાયદાઓનું સખતપણે પાલન કરવાની યાદ અપાવી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે કોમર્શિયલ જહાજો પરના આવા હુમલાઓ વૈશ્વિક દરિયાઈ કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન છે. ભારતે આ આખી ઘટનાને "ખૂબજ ચિંતાજનક" ગણાવીને વોશિંગ્ટન સમક્ષ આકરા શબ્દોમાં રજૂઆત કરી છે કે મુક્ત અને સુરક્ષિત નેવિગેશનના વૈશ્વિક સિદ્ધાંતોને કોઈપણ ભોગે નુકસાન પહોંચાડી શકાય નહીં, અને કોઈપણ સૈન્ય કાર્યવાહી આંતરરાષ્ટ્રીય નિયમોની મર્યાદામાં જ હોવી જોઈએ.

મળતી વિગતો અનુસાર, છેલ્લા ચાર દિવસમાં ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા ત્રણ કોમર્શિયલ જહાજોને અમેરિકી સેનાએ નિશાન બનાવ્યા છે. બુધવારે પલાઉના ધ્વજવાળા ઓઈલ ટેન્કર પર અમેરિકી નૌસેનાએ મિસાઈલથી ભીષણ હુમલો કર્યો હતો. હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) નજીક થયેલા આ હુમલામાં જહાજ પર પ્રોજેક્ટાઈલ વાગવાને કારણે ભયાનક આગ લાગી ગઈ હતી, જેમાં ત્રણ નિર્દોષ ભારતીય નાવિકોના કરુણ મોત નીપજ્યા હતા. આ જાનહાનિને પગલે ભારતે અમેરિકા સમક્ષ પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો છે.

અમેરિકાની આ જોહુકમી સામે સંયુક્ત રાષ્ટ્ર (UN) અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન (IMO) એ પણ ભારતની વાત અને નિયમોની વાતને સમર્થન આપ્યું છે. IMO ના સેક્રેટરી-જનરલ આર્સેનિયો ડોમિંગ્વેઝે આ હુમલાની આકરી નિંદા કરતા જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય શિપિંગ પર અસર કરતી તમામ પ્રવૃત્તિઓમાં વૈશ્વિક કાયદાઓ અને સમુદ્રમાં માનવ જીવનની સુરક્ષાનું સંપૂર્ણ સન્માન થવું અનિવાર્ય છે. સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી-જનરલના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે પણ IMO ના આ વલણને સંપૂર્ણ ટેકો આપીને અમેરિકી સૈન્ય કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડી કાઢી છે.