નયાગઢ: ઓડિશાના નયાગઢ જિલ્લામાં પર્યટકો લઈ જતી એક બસ પલટાઈ ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શુક્રવારે મોડી રાત્રે નયાગઢ જિલ્લાના દસપલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટાકરાઘાટ પાસે આવેલી હનુમાન ઘાટી પાસે આ દુર્ધટના સર્જાઈ હતી. જેમાં કુલ 5 લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. પાંચ લોકોના મોત સાથે 40થી પણ વધારે લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ દુર્ઘટનામાં અનેક લોકો બસ નીચે ફસાઈ ગયાં હતાં. પ્રાથમિક તપાસ પ્રમામે વાત કરવામાં આવે તો, બસ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ એક મોટા પથ્થર સાથે ટકરાઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. બસની નીચે પણ અનેક લોકો ફસાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.
4 મહિલાઓ સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત
બસમાં મુસાફરી કરતા ઘણા લોકો બસની નીચે દબાઈ પડ્યા હતા, જેના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. આ અકસ્માતમાં કુલ પાંચ લોકોના માતો થયાં છે, જેમાં 4 મહિલાઓ પણ સામેલ છે. અન્ય ઘાયલ થયેલા લોકોને નજીકના હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં કેટલાકની હાલત ગંભીર છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે 15 જણની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેમને જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
ડ્રાઈવરે વાહન પરથી કંટ્રોલ ગુમાવતા અકસ્માત સર્જાયો
આ અકસ્માત અંગે જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ડ્રાઈવરે વાહન પરથી કંટ્રોલ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે. જો કે, અકસ્માતનું સાચુ કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઓડિશા સરકારે મૃતકોના પરિવારોને વળતર જાહેર કર્યું છે અને ઘાયલો માટે મફત સારવારની વ્યવસ્થા કરી છે. આ ઘટના પર મુખ્ય પ્રધાને શોક વ્યક્ત કર્યો છે.
આ બસમાં કુલ 60 લોકો સવાર હતા, જેઓ બ્રહ્મપુરમાં હરિશંકર ફરવા માટે જઈ રહ્યાં હતાં. મૃતકોની વાત કરવામાં આવે તો, હરિ પાત્રા, લક્ષ્મી પાત્રા, સુપ્રભા સાહૂ, સુમતિ સાહૂ અને બસ ડ્રાઈવર પ્રવીણ સાહૂનું આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું છે. બાકીના ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.