ભુવનેશ્વર: ઓડિશામાં શિક્ષણ ક્ષેત્રે અનામતને લઈને એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મેડિકલ અને ટેકનિકલ શિક્ષણમાં અનુસૂચિત જનજાતિ (ST) અને અનુસૂચિત જાતિ (SC)ના વિદ્યાર્થીઓ માટે અનામતમાં મોટો વધારો કરવાની સાથે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBC) માટે નવો ક્વોટા દાખલ કર્યો છે. આ નવા સુધારા મુજબ, ST વિદ્યાર્થીઓ માટે અનામત 12% થી વધારીને 22.50% અને SC વિદ્યાર્થીઓ માટે 8% થી વધારીને 16.25% કરવામાં આવી છે, જ્યારે ઓડિશામાં SEBC તરીકે ઓળખાતા OBC વિદ્યાર્થીઓ માટે 11.25% અનામતની જોગવાઈ અમલી બનાવી છે.
રાજ્ય સરકારે આ નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં ST વસ્તી 22 ટકાથી વધુ હોવા છતાં લાંબા સમયથી તેમને માત્ર 12 ટકા અનામત મળતી હતી, જે હવે તેમની વસ્તીના પ્રમાણ મુજબ વધારી દેવામાં આવી છે. આ નવી અનામત વ્યવસ્થા રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, સંલગ્ન કોલેજો, ITI અને પોલિટેકનિક સંસ્થાઓમાં એન્જિનિયરિંગ, મેડિકલ, મેનેજમેન્ટ, ફાર્મસી, એગ્રીકલ્ચર અને આર્કિટેક્ચર જેવા વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં લાગુ થશે. આ ફેરફાર અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ એમ બંને કક્ષાના કોર્સ અને ડિપ્લોમા માટે માન્ય રહેશે.
અનામતમાં કરવામાં આવેલા આ વધારાથી મેડિકલ અને એન્જિનિયરિંગની બેઠકોમાં મોટો ફેરફાર જોવા મળશે. રાજ્યની કુલ 2,421 મેડિકલ બેઠકોમાંથી હવે ST વિદ્યાર્થીઓ માટેની બેઠકો 290 થી વધીને 545 થશે, જ્યારે SC વિદ્યાર્થીઓ માટે આ સંખ્યા 193 થી વધીને 393 થશે. એન્જિનિયરિંગની કુલ 44,579 બેઠકોમાંથી ST વિદ્યાર્થીઓ માટેની બેઠકો 5,349 થી વધીને 10,030 અને SC માટે 3,566 થી વધીને 7,244 થશે. નોંધપાત્ર બાબત એ છે કે અગાઉ શૂન્ય અનામત ધરાવતા SEBC વિદ્યાર્થીઓ માટે પ્રથમ વખત 515 બેઠકો અનામત રાખવામાં આવી છે.