Mon Jul 06 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડઃ આલેસુન્ડની ટેકરી પરનો એ યાદગાર ગ્રે ને યલો વ્યુ...

2026-07-04 08:53:00
Author: Pratiksha Thanki
Article Image

 

પ્રતીક્ષા થાનકી

શુહોલ્ટનો વિલા તો છોડવાની ઇચ્છા જ નહોતી થતી, પણ જેવી ખબર પડી કે આલેસુન્ડમાં વરસાદ નથી અને અહીં તો ઘરમાં જ બેસી રહેવું પડે તેવું છે, એવાં જ અમે પાંચેય વાતો કર્યા વિના સમજીને એકસાથે તૈયાર થવા જતાં રહૃાાં. એકદમ સિન્કમાં હોય તેવાં ટ્રાવેલ પાર્ટનર સાથે લેશર ટ્રિપ માટે નીકળવાનો ફાયદો અમે બધાં જાણે દરરોજ અનુભવતાં હતાં. ટ્રાવેલ કોમ્પેટિબિલિટી અત્યંત મહત્ત્વની હોય છે. 

ભૂતકાળમાં ઘણાં મિત્રો સાથે ફર્યા પછી પણ શક્ય હોય તો દર વર્ષે આ નાનકડું ગ્રૂપ દુનિયાનાં કોઈ ને કોઈ ખૂણે ભેગું થયા કરે છે તેની અલગ મજા છે. અને હવે એ જ ગ્રૂપ આલેસુન્ડ જવા બિલકુલ શિસ્ત સાથે ગાડીમાં ગોઠવાઈ ચૂક્યું હતું. ત્યારે એવો વરસાદ પડી રહૃાો હતો કે થોડીવાર માટે લાગ્યું કે ક્યાંય ફ્યોર્ડમાં પૂર ન આવી જાય અને બરાબર અનિશ્ચિત સ્કેન્ડિનેવિયન વેધરની રેપ્યુટેશનને જાળવવા, માંડ પંદર મિનિટમાં આકાશે એવી પલટી મારી કે ફરી સમરનો સૂરજ બહાર આવી ગયો. 

આલેસુન્ડને આમ તો ફ્યોર્ડનું ગેટ-વે કહે છે, પણ એમ જોવા જાઓ તો નોર્વેનું દરેક મોટું ગામ ફ્યોર્ડને કિનારે છે અને તેની શરૂઆત અને અંત ફ્યોર્ડથી જ આવે છે. થોડા દિવસો પછી તો દરેક ફ્યોર્ડનાં સાઇઝ અને શેપ એકસરખાં લાગવા માંડ્યાં હતાં. હવે ત્યાંનાં ગામડાં પણ એકસરખાં લાગવા માંડેલાં. 

જોકે તેમાં જ હવે કમ્ફર્ટ પણ લાગવા માંડેલું. આમ પણ કહેવાય છે ને કે વેકેશનનાં ત્રીજા-ચોથા દિવસ પછી રૂટિન સાથે એવો ઘરોબો બંધાઈ જાય છે કે કશું નવું ન લાગે. એટલે જ અમે એવાં હાઇક અને મનોરંજનની વ્યવસ્થા રાખેલી કે ક્યાંય ફ્યોર્ડ સિવાય કશું રિપિટ થતું હોય તેવું લાગ્યું નહીં. બસ નોર્વે પોતાના અલગ ચહેરા બતાવતું રહૃુાં. 

હજી અમે ટ્રોલ ટુન્ગાના વાંકાચૂંકા રસ્તા પર હાઈક કરવાનાં હતાં, ટ્રોન્ડહાઇમમાં જઈને સિટીમાં બાઈક રાઈડ કરવાનાં હતાં. હજી તો ઓસ્લોનું એડવર્ડ મન્ક મ્યુઝિયમ બાકી હતું. અરે હજી ફ્યોર્ડમાં ડૂબકી મારવાની પણ બાકી હતી. અહીં રાત્રે બાર વાગ્યા સુધી રખડી તો શકાતું હતું, પણ સમય થાય એટલે દુકાનો અને રેસ્ટોરાં જરૂર બંધ થઈ જતાં. એવામાં આલેસુન્ડ પહેલી વાર પહોંચતાં બપોર પડી ચૂકી હતી. 

પહેલો પ્લાન હતો ફ્યેલ્ટુઆ પોઈન્ટ પર અક્સલા ટેકરીની હાઇક કરવાનો. અમારી નાનકડી ટોળકી એટલી ઉત્સાહમાં હતી કે અમને ચઢતી વખતે ધ્યાનમાં ન રહૃુાં કે આટલું જ પાછું ઊતરવું પણ પડશે. તે સમયે તો આલેસુન્ડનું પેનોરમા દૃશ્ય જોવા માટે અમને એક પરફેક્ટ વ્યુવાળી બેન્ચ પણ મળી ગઈ. ત્યાંથી આલેસુન્ડનું ગ્રે આર્કિટેક્ચર વચ્ચે વચ્ચે પીળા રંગની ઇમારતો જરા અણધાર્યો આર્ટિસ્ટિક વાન્ટેજ પોઈન્ટ બનાવતી હતી. 

આ પહેલાં ગ્રે રંગનું સ્કોટિશ શહેર એબરડીન જોઈને મગજ ઇમ્પ્રેસ થઈ ગયું હતું. અહીં ગ્રે તો ભરપૂર હતો, પણ પીળો જાણે ખાસ શહેરને અલગ બનાવવા માટે ગોઠવવામાં આવ્યો હોય તેવું લાગતું હતું. ફ્યેલ્ટુઆ અહીં સો વર્ષથી ધમધમતાં રેસ્ટોરાંનું નામ છે. હવે જાણે તે વ્યુ પોઇન્ટ અને ટેકરીનું નામ પણ બની ગયું છે. છેક 1903માં તે રેસ્ટોરાં એક નાનકડા લાકડાના કાફે તરીકે ખૂલ્યું હતું, હવે ત્યાં ભવ્ય હોટલ બની ચૂકી છે. 

મજાની વાત છે એ જ પોઇન્ટ પરથી હવે અમારે આલેસુન્ડને રાતની લાઇટમાં જોવું હતું. ત્યાં સાવ અંધાં તો થવાનું ન હતું, પણ રાતના અગિયાર-બાર વાગ્યે સંધ્યાકાળ જેવું જરૂર થવાનું હતું. તે સમયે આખું શહેર ઝગારા મારતું જોવાનું રેકમેન્ડ કરવામાં આવેલું. તે પહેલાં અમે નીચે કાર સુધી માંડ માંડ પહોંચ્યાં. જો કે અમે એ જોઈ ચૂક્યાં હતાં કે ઉપર હોટલનાં પાર્કિંગ અને વ્યુ સુધી ડ્રાઇવ કરીને પણ પહોંચી શકાય છે. ત્યાં પહેલાં પણ થાકવાની કોઈ જરૂર ન હતી. ત્યાં ગાડી સાથે ન હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ લઈને પણ ઉપર સુધી જઈ શકાય છે. 

નોર્વેમાં આમ પણ ઘણા પહાડો ચઢવા પડે છે, એવામાં આ ટેકરી ચઢવાનું પ્રમાણમાં બિનજરૂરી લાગેલું. જોકે માત્ર આલેસુન્ડ જવાનું હોય તો એ ટેકરી જરૂર ચઢીને જવું. નીચે પોર્ટ પર આવીને જુનવાણી મકાનો અને બોટ્સ વચ્ચે ફરી થોડા ફોટા પાડ્યા. લાકડા અને ટિનનાં મકાનોનાં વ્યુ સાથે આ હાર્બર પણ એવું મજેદાર નીકળ્યું, થોડી વાર માટે ત્યાં રાત રોકાવાના પ્લાન બનવા માંડેલાં. પછી યાદ આવ્યું કે અહીંથી અડધા કલાકના અંતરે અમારો વિલા રાહ જોઈ રહૃાો હતો. 

ક્યારેક સીધી આલેસુન્ડની ફ્લાઇટ લઈને પહોંચો તો સીધું હાર્બર જઈને ત્યાંની હોટલમાં રહેવાનું પણ કરવું જોઈએ. આલેસુન્ડની વાઈબ બાકીના નોર્વે કરતાં પણ વધુ સ્કેન્ડી લાગી રહી હતી. આ સ્કેન્ડી-વાઇબ સાથે એવો ગળાડૂબ પ્રેમ થઈ ગયો છે કે ત્યાંથી પાછાં આવ્યાં પછી ક્યાંય પણ જતા પહેલાં એકવાર તો નોર્વે જવાની ઇચ્છા થઈ જ આવતી હતી. એમ લાગતું હતું કે એ ફ્યોર્ડ રોજેરોજ જોવા મળે તો લાઇફમાં સતત વેકેશન જેવી ફીલિંગ આવી જાય એ તો નક્કી હતું. ત્યાં હાર્બરની નજીક જ એક કલ્ચરલ માર્કેટ અને ગ્લાસ ફેક્ટરી પણ જોવાલાયક છે, પણ તે સમયે સાંજ પડતાં જ તે બંધ થઈ ચૂક્યાં હતાં. તેના માટે બીજા દિવસે સવારે વહેલું આવવાનું હતું.

આલેસુન્ડથી એક દિવસ હજી ટ્રોલસ્ટિગનને આપવાનો હતો. ત્યાં વળી એક હાઈક હતી. ત્યાં જ્યાં સુધી કાર જાય ત્યાં સુધી લઈ જવી એ નક્કી કરેલું. હવે આલેસુન્ડ પાસે જ નોર્વેની સૌથી લાંબી ટનલ પણ છે. નોર્વે એક પછી એક સુંદર જગ્યા બતાવતું જતું હતું, પણ ત્યાં કોઈ ટે્રડિશનલ સાઇટસીઇંગનાં સ્થળો ન હતાં. ત્યાં પહાડો ખોદીને બનાવેલી ટનલને ઘણી જગ્યાએ લાઇટિગ સાથે જોવાલાયક બનાવેલી. ત્યાં ઊભા રહીને ફોટો પાડવાનું પણ શક્ય હતું અને અલગ સાઇકલ લેનની અલગ ટનલ પણ હતી. આલેસુન્ડ નજીક નોર્વેનું સૌથી સુંદર લાઇટહાઉસ જોવા જવાનું હતું.