Thu Mar 12 2026

Logo

ક્રિસ્ટિયાનસાન્ડમાં નોર્વેનાં વાદળો વચ્ચે પણ ઉજાસ...

1 week ago
Author: Mumbaisamachar Team
Article Image

અરાઉન્ડ ધ વર્લ્ડઃ પ્રતીક્ષા થાનકી

ઓસ્લો એરપોર્ટ પર સમય એક વાર વીતી ગયો પછી લાગ્યું કે એટલો પણ કંટાળો નહોતો આવ્યો. ખાસ તો મિત્રો આવી ગયાં, તેમની બેગ્સ પણ સહીસલામત પાછી આવી ગઈ અને નોર્વેના આ લાંબા અને હાઇકથી ભરેલા છતાંય રિલેક્સિગ પ્રવાસમાંથી માત્ર ચાર-પાંચ કલાક જ વેસ્ટ થયેલા. આમ જુઓ તો એ વાત પર અકળાઈને વધુ સમય કે એનર્જી વેડફી શકાય તેમ હતું, પણ અમે બધાં એકદમ મોજમાં હતાં. 

આવું વેકેશન મિત્રો સાથે કરવા મળતું હોય તો કંઈક તો આડુંઅવળું થાય, તેના માટે અમે આમ પણ તૈયાર જ રહેતાં. આ વખતે પ્રવાસની શરૂઆતમાં જ બની ગયું એટલે હવે ક્યાંય પણ કોઈ તકલીફ પડશે તો પણ અમે ઘણી અકળામણ જોઈ ચૂક્યાં છીએ એમ વિચારીને હસતાં રહીશું. એમ કોઈ બોલ્યું નહીં, પણ બધાંને મનમાં એમ જ લાગતું હશે એ વિચારે અમે કાર રેન્ટલનાં પાર્કિંગમાં ગયાં. ત્યારે ક્યાં ખબર હતી કે આજની કસોટી હજી પૂરી નથી થઈ. 

કારની ચાવી તો અમે ક્યારની લઈ ચૂક્યાં હતાં. મજાની મોટી એસયુવીમાં બધાંનો સામાન ગોઠવાયો. આનલ એક મોટો પર્પલ થેલો લાવી હતી. તેને જીવની જેમ સાચવીને સૌથી ઉપર મૂક્યો. તેમાં કોઈ પ્રાઇવેટ ચીજો નહીં, દેશી નાસ્તો હતો. આ પહેલાં આર્જેન્ટિનાના બુએનોસ એરેસના એરપોર્ટ પર તેમણે ન્યુ જર્સીથી સાથે લાવેલાં થેપલાં અને અથાણાંએ જમાવટ કરી હતી. 

અમને જર્મનીમાં હજી પ્રમાણમાં મર્યાદિત દેશી નાસ્તો મળે છે એટલે જીગર અને આનલ સાથે ટ્રિપ ગોઠવાય એટલે એ લોકો સાથે મજાનો નાસ્તો લાવશે એ પણ નક્કી જ હોય. અમેરિકા એ લેવલ પર દેશી બની ચૂક્યું છે કે ત્યાંથી ઢગલા મોઢે ગુજરાતી ફરસાણની ઉજાણી કરવા માટે સ્કેન્ડિનેવિયા પણ પર્પલ રંગના એટે્રક્ટિવ અને મોટા થેલા પહોંચી જતાં હતાં. તે પછી તો એ થેલાએ છેલ્લા દિવસ સુધી સાથ આપ્યો. તેમાં અમે થોડા નોર્વેજિયન નાસ્તા પણ ઉમેરતાં જતાં હતાં. 

હવે પહેલાં તો પ્લાન એવો હતો કે બધાં સવારનાં પહોરમાં પહોંચી જઈશું અને સાંજે અંધારું થાય તે પહેલાં છ-સાત કલાકની ડ્રાઇવ પર બ્રેક લઈને જવામાં પણ આરામથી પહોંચી જવાશે એ બરાબર શક્ય લાગતું હતું. હવે વાત એમ હતી કે અમે છેક રાત્રે દસ વાગ્યે સ્ટાવાન્ગર પહોંચીએ એવા ચાન્સ હતા. અને નોર્વે જર્મની નથી, છતાંય ત્યાં પણ સાંજ પડ્યે બધું બંધ થઈ જવાની પૂરેપૂરી શક્યતા હતી જ. 

અમારી સાથે નાસ્તા ભરેલી ગાડી ભલે હોય, ક્યાંક આરામથી જમવા તો બેસવું જ પડશે એ નક્કી થયું. એવામાં રસ્તામાં ચાર કલાકે ક્રિસ્ટિયાનસાન્ડ નામે ગામ આવતું હતું. ત્યાં કોઈ સારી રેસ્ટોરાં જોઈને બ્રેક લઈશું, થોડો ગામમાં આંટો મારીશું અને ગાડી આગળ ચલાવીશું એવું  વિચારેલું. ત્યારે ક્યાં ખબર હતી કે નોર્વેના રોડ્સ પર જર્મનીની જેમ અનલિમિટેડ સ્પીડ સ્ટે્રચ નથી આવતા. વળી ઘણા રસ્તાઓ મુશ્કેલ લેન્ડસ્કેપમાં એવી રીતે બનેલા છે કે ત્યાં ધીમે જ ચલાવવું પડે. તેમાં ઓસ્લોથી થોડું બહાર નીકળતાં જ ઘણો ટ્રાફિક પણ નડ્યો. સાવ જેવો તેવો નહીં, પંદર મિનિટ એકની એક જગ્યાએ પડ્યા રહેવું પડ્યું. 

જીગરે પોતાના એઆઇ એજન્ટને કાર સાથે કનેક્ટ કરી દીધેલો અને તેની પાસે અમે બધાં આ ટ્રિપની આઇટનરરીના પ્રશ્નો પૂછીને મજા લેવા લાગ્યાં હતાં. એ જ એજન્ટે અમને ક્રિસ્ટિયાનસાન્ડ ગામમાં સ્જોહુસેટ નામે એક રેસ્ટોરાં પણ સજેસ્ટ કરેલી. અમે એરપોર્ટ પરથી છૂટ્યાં પછી કોઈને ખાસ ખાવા-પીવાનો મેળ પડ્યો ન હતો. ટ્રાફિકમાંથી ક્યાંય રોડસાઇડ રેસ્ટોરાં જેવું પણ નહોતું આવતું જ્યાં બ્રેક લઈ શકાય. 

આખરે અમે પહેલા જ દિવસે નાસ્તાના પટારાનું ઉદ્ઘાટન કરીને ફરસાણ અને ખાખરાથી કામ ચાલુ ર્ક્યું. તે પછી બે ક્લાકે ક્રિસ્ટિયાનસાન્ડ આવ્યું. એ માંડ માંડ આવ્યું હોય તેવું લાગતું હતું. સાંજે સાત વાગ્યે અમે સ્ટાવાન્ગર પહોંચી જવાનાં હતાં અને અહીં માંડ અડધે રસ્તે પહોંચેલાં. સ્ટાવાન્ગરના એપાર્ટમેન્ટ પર અમે લેટ પહોંચીશું તે ઇન્ફોર્મ પણ કર્યું. હવે જે છે તે આ જ છે. ધીમી ગતિએ ભલે હોય, અમે તે રાતે એપાર્ટમેન્ટ પર સારા બેડ પર સૂવા પામીશું એ તો નક્કી જ હતું. બધાંને રાતનો ઉજાગરો હતો.

ઘણી રેન્ડમ વાતો, પ્લાનનાં રિવિઝન અને બહારનાં દૃશ્યો પર કોમેન્ટ કરતાં કરતાં ક્રિસ્ટિયાનસાન્ડ આવ્યું ત્યારે પવન અને વરસાદમાં ગામને ગાડીમાંથી જ જોવાનું નક્કી કર્યું. પવન એટલો તિવ્ર હતો કે ત્યાં કોઈને આંટો મારવાનું મોટિવેશન નહોતું આવતું. અહીં ગમે ત્યારે વરસાદ પડવાની અને પવન ફૂંકાવાની કોઈ નવાઈ ન હતી. આ જ ટુકડી પહેલાં આસલેન્ડ સાથે ફરી ચૂકી હતી. ઠંડીથી કોઈ અજાણ ન હતું. બસ સમર વેકેશનમાં આ વાતાવરણની કોઈની ખાસ તૈયારી ન હતી. અમે ગાડીમાં જ રહીને નાનકડા ક્રિસ્ટિયાનસાન્ડનો આંટો માર્યો. અહીંનાં પારંપરિક લાકડાંનાં ઘરો, દીવાદાંડી, સ્કેન્ડિનેવિયન રંગીન પ્રોમોનાડ, બધું ઉપરછલ્લું દેખાયું. તે પછી અમે ઝંપલાવ્યું રેસ્ટોરાંમાં.

એક સમયે સોલ્ટ વેરહાઉસ રહી ચૂકેલી આ ઇમારતનો એન્ટ્રન્સ જરા ગેબી હતો. ત્યાંથી જ ગામનો બેસ્ટ વ્યુ પણ દેખાતો હતો. આ રેસ્ટોરાં ટૂરિસ્ટમાં અને સ્થાનિકોમાં બરાબર લોકપ્રિય હતું. ચાલુ દિવસે, ખરાબ મોસમમાં પણ ત્યાં સાંજે ભીડ હતી. અમે કારમાંથી જ બુકિગ કરાવી ચૂકેલાં. અહીં સ્થાનિક સી-ફૂડની ખૂબ મજા લીધી. વેધર જરા પણ સાં હોત તો અમે ત્યાં બહારનાં પેટિયો પર મજાથી બેસીને જમ્યાં હોત. અમે અંદર પણ પૂરતા જલસા કર્યા. 

નોર્વે પહોંચ્યાંને હજી એક દિવસ પણ પૂરો નહોતો થયો. ગાડીની બહાર હવે આખરે શાંતિથી વાતો થઈ. માહોલ ઠંડો ભલે હોય, બધાંનો વેકેશન મોડ હવે સ્પીડ પકડી રહૃાો હતો. ત્યાં ને ત્યાં જ રાતના નવ વાગી ગયેલા. અહીં વાદળો સવારથી હતાં, પણ ગ્રે માહોલમાં પણ અજવાળું તો હતું જ. ફરી સ્ટાવાન્ગરને રસ્તે ચઢ્યાં પછી યાદ આવ્યું કે જુલાઈમાં તો અહીં મિડનાઇટ સનનો ટાઇમ હોય છે. અહીં સૂરજ આથમીને તરત જ ઊગી નીકળવાનો હતો. નોર્વેની સફર હજી શરૂ જ થઈ હતી.