Sat Jun 06 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડઃ નોર્વેજિયન ગ્લેસિયર મ્યુઝિયમ ને અનોખા વ્યૂપોઇન્ટ્સની ભરમાર...

2026-06-06 09:34:00
Author: Pratiksha Thanki
Article Image

પ્રતીક્ષા થાનકી

પારંપરિક સ્ટેવ ચર્ચથી નીકળીને ગાડીમાં પેટ્રોલ માટે એક યોર્ડના કિનારે રોકાયાં. નોર્વેની મજા એ છે કે ત્યાંનો પેટ્રોલ પંપ પણ કોઈ બાળકની કલ્પનાના કુદરતી દૃશ્યની વચ્ચે કોઈએ ગોઠવ્યો હોય તેવો લાગતો હતો. યોર્ડ કિનારે પેટ્રોલ પુરાવીને જોયું તો બાજુમાં જ એક સ્થાનિક મ્યુઝિયમ હતું. એક સુવિનિયરની દુકાન અને પેટ્રોલપંપ પાસે જ થોડા રૂમ ક્રિસ્ચિયનહુસ મોટર મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યા હતા. 

નોર્વેમાં જ્યાં પણ જાઓ, અહીં ઇંધણે કઈ રીતે દેશની કાયા પલટ કરી દીધી છે તે વાત કોઈ ને કોઈ સ્વરૂપે જોવા મળી જાય છે અને કેમ ન હોય, અહીં તેલ મળી આવ્યું એમાં જ તો દેશની કાયા પલટ થઈ છે. બાકી વીસમી સદીના મધ્ય સુધી નોર્વે બાકીના સ્કેન્ડિનેવિયન કંટ્રીના પ્રમાણમાં ખેતી અને માછલીના ઉદ્યોગથી મોડરેડ રેપ્યુટેશનથી કામ ચલાવતું હતું. એક વાર ઓઇલ નીકળી આવ્યું એવું સીધું નોર્વેની ઇકોનોમી અને ક્વોલિટી ઓફ લાઇફ યુરોપભરમાં ટોપ પર પહોંચી ગયાં. જે સ્ટાવાન્ગરના ઓઇલ મ્યુઝિયમમાં જોયું હતું, તેનું જ જરા વધુ સ્થાનિક વર્ઝન આ ટચૂકડા મ્યુઝિયમમાં હાજર હતું. 

બીજી તરફ એક ટૂરિસ્ટ વ્યૂપોઈન્ટ પણ હતો. ત્યાંથી નોર્વેની ક્રૂઝ, યોટ્સ, પહાડો અને યોર્ડનાં પાણીને ધીરજથી જોવા માટેની જગ્યા હતી. તે વ્યુપોઇન્ટથી ક્રૂઝ હાર્બર જોવામાં સિઝનમાં સારો ટાઇમપાસ થઈ જાય એવું હતું. અહીં કોઈ ખાસ ટૂરિસ્ટ આવતાં હોય તેવું તો લાગ્યું નહીં. નોર્વેમાં ટૂરિસ્ટનું કોન્સન્ટ્રેશન ત્યાંનાં ખ્યાતનામ હાઇક રૂટ્સ અને નોર્ધર્ન લાઇટ્સ બાજુ જ જતું રહે છે. 

સમરમાં નોર્વેમાં ટૂરિસ્ટ ઘણાં હોવા છતાં, એકવાર બર્ગનથી બહાર નીકળો પછી ભાગ્યે જ રસ્તા પર ટ્રાફિક કે ભીડ દેખાતા હતા. બાકીની ટ્રિપ દરમિયાન માંડ ટ્રોન્ડહાઇમમાં થોડા લોકો દેખાયા, બાકી લોકો જોવા માટે તો છેલ્લે ઓસલો જ જવું પડ્યું. તે સમયે હોપરસ્ટાટ પાસે અમને આટલી મજા આવી જશે એ નહોતું વિચાર્યું. ત્યાં સામે એક કન્વિનિયન્ટ સ્ટોર પર થોડો નાસ્તો પણ કરી લીધો. હવે અમે ટ્રોન્ડહાઇમની દિશામાં આગળ વધવા તૈયાર હતાં અને રસ્તામાં પહેલું આવ્યું ગ્લેસિયર મ્યુઝિયમ.

એ મ્યુઝિયમ પહોંચતા પહેલાં બે વાર તો ગાડી ફેરીમાં ચઢાવવી પડી. હવે મેઇનલેન્ડ નોર્વે જેવું કશું હતું જ નહીં. બધે ગાડીઓ એક ટાપુથી બીજા ટાપુ, ફયોર્ડ પર ફેરીમાં જ સફર કરી લેતાં હતાં. અહીં અમે ગાઇરેન્ગર પાસે બોટ રાઇડ તો લેવાનાં જ હતાં, પણ આખીય ટ્રિપમાં બધે દિવસમાં ઘણીવાર ફેરી લેવી પડી હતી. ફયોર્ડ પર ઢગલાબંધ ગાડીઓ સાથે પાણી પર સરકવાની આદત પડી ગઈ હતી. વળી બધે ગાડી આપોઆપ સ્કેન થઈ જતી અને ટ્રિપના અંતે એક સાથે ટોલ રેન્ટલ કંપનીને ભરવાનો હતો. ક્યાંય ટોલબૂથની માથાકૂટમાં પણ નથી પડવું પડ્યું. મોટાભાગની ફેરી પણ આમ જોવા જાઓ તો કોમન પબ્લિક ટ્રાન્સપોર્ટ કહેવાય, તો પણ ત્યાં માહોલ અને વ્યવસ્થા કોઈ ક્રૂઝ શિપ જેવી રહેતી. 

ગ્લેસિયર મ્યુઝિયમ ચારે તરફ ગ્લેસિયર રૂટ્સથી ઘેરાયેલું હતું. આ પહાડો તે સમયે તો લીલાછમ હતા. જુલાઈમાં બરાબર ઉનાળા વચ્ચે મોટાભાગના પર્વતો પરથી સ્નો તો ઓગળી ગયો હતો, પણ ગ્લેસિયર હજી પણ અકબંધ હતા. એ સમયે પણ ગ્લેસિયર વોક પર નીકળવાનું તો શક્ય હતું જ. અમે હજી બે વર્ષ પહેલાં જ પાટાગોનિયામાં ગ્લેસિયર વોક કરેલું. હવે ઉનાળામાં નોર્વેમાં ગ્લેસિયર પર ચાલવાને બદલે અમે હૂંફાળા પ્રવાસને ઠરવા તરફ ન લઈ ગયાં. 

ગ્લેસિયર મ્યુઝિયમની ઇમારત અત્યંત આકર્ષક હતી. એટલું જ નહીં ત્યાં બહાર એક મોટા મેમથ એટલે કે આઇસએજના હાથીના આખા પરિવારનું મોટું સ્ટેચ્યૂ હતું. ત્યાં આખરે થોડાં લોકો દેખાયા. ત્યાં ફોટા પડાવવા માટે નાનકડું ગ્રૂપ એક પછી એક લાઈન લગાવીને ઊભું હતું. ગ્લેસિયર મ્યુઝિયમ આસપાસના વિસ્તારની ભૌગોલિક માહિતીથી ભરપૂર હતું. 

મ્યુઝિયમમાં અંદર નોર્વેનાં વેધર અને ત્યાંનાં ગ્લેસિયરની આસપાસનું માનવજીવન કઈ રીતે સદીઓથી સરવાઈવ કરતું આવ્યું છે તે બધું ડાયોરામા સાથે જોવા મળ્યું. બધે ફેરલાન્ડ્સફ્યોર્ડ અને ગ્લેસિયર વિસ્તારમાં અહીં 1000 વર્ષ જૂનો આઇસ સ્લેબ જોવા મળ્યો અને સાથે આઇસની ઉંમર કઈ રીતે નક્કી થાય છે તે પણ જાણ્યું. અહીં તો રેડિયોમેટ્રિક ટેકનિક વાપરવામાં આવેલી. ત્યાં ગ્લેસિયર અને પ્રુથ્વીના ઇતિહાસ પર એક મજેદાર પેનોરામિક ફિલ્મ પણ હતી. અમે ઘણા કલાકોથી ગાડીમાં અને ફેરીમાં બેસીને થાકેલાં, એટલે તે ફિલ્મની સામે બેઠાં. તે મ્યુઝિયમની ઇમારત પણ આર્કિટેક્ચર અવૉર્ડની વિજેતા રહી ચૂકી છે અને ખરેખર તે ઇમારતની અનોખી ડિઝાઈનની નોંધ લીધા વિના ચાલે તેવું જ ન હતું. 

અમે થોડી વાર છત પર પણ જઈ આવ્યાં. અહીંથી દરેક દિશામાં અલગ અલગ ગ્લેસિયર તરફ સાઇન પોસ્ટ હતી. ક્યો ગ્લેસિયર કેવડો છે, તેની ઉંમર શું છે, તે સહિત બાકીની રસ પડે તેવી વિગતો સાથે છત પર જ ઘણો સમય વિતાવી શકાય તેવું હતું. જોસ્ટેડાલબ્રીન નેશનલ પાર્ક જવાનું મેઇન ઇન્ફો સેન્ટર પણ ત્યાં જ હતું. થોડી વાર માટે અમે જોસ્ટેડાલબ્રીન ગ્લેસિયર પર હાઇક કરવા માટે લલચાઈ ગયેલાં. જોકે અંતે નક્કી થયું કે ગ્લેસિયર સુધી ડ્રાઇવ કરીને પહોંચી જઈશું અને તેને પેરેલલ રસ્તા પર ગ્લેસિયરની મજા લઈશું. 

ગ્લેસિયર પાસે જરા અલગ પ્રકારનો ટ્રાફિક હતો. ઘણાં ઇન્ફલુઅન્સરની કેમ્પર વેન્સ ત્યાં પાર્ક થઈને ફોટા પાડવા, વીડિયો લેવા કે રાત રોકાવા માટે ગોઠવાયેલી હતી. અમે તેમની જાણે વચ્ચે આવતાં હોઈએ એવું લાગતું હતું. ગ્લેસિયરથી નજીક પહોંચીને લાગ્યું કે દુનિયાભરનાં ગ્લેસિયર પણ કેવાં અલગ હોતાં હોય છે. નોર્થમાં આઇસલેન્ડનાં હોય કે સાઉથમાં આર્જેન્ટિનાનાં, ગ્લેસિયરની પણ જાણે પોતાની ઓળખ હોય તેવું લાગતું હતું. હવે નોર્વેનાં ખરા નોર્થ તરફ પ્રવેશ થઈ રહૃાો હતો.