ઉનાળામાં ફળોના રાજા 'કેરી'નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. સામાન્ય રીતે આપણે હાફુસ, કેસર, લંગડો કે દશેરી જેવી કેરીઓ વિશે સાંભળ્યું છે, જેનું વજન 200થી 500 ગ્રામ સુધીનું હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવી મહાકાય કેરી વિશે સાંભળ્યું છે, જેની એક જ સિંગલ કેરીનું વજન આશરે ચાર કિલોગ્રામ સુધીનું હોય છે અને તેની એક નંગની કિંમત રૂપિયા 2000 સુધી બોલાય છે? ચાલો આજે તમને આ અનોખી કેરી વિશે જણાવીએ...
નૂરજહાં કેરીનું મૂળ વતન અફઘાનિસ્તાન માનવામાં આવે છે, પરંતુ ભારતમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ઠીવાડા વિસ્તારમાં આ કેરીની ખેતી ખાસ પ્રકારે થાય છે. આ આખી દુનિયામાં માત્ર આ એક જ જગ્યાએ જોવા મળતી અતિ રેર અને કિંમતી વેરાયટી છે. નૂરજહાં કેરીની લંબાઈ આશરે એક ફૂટ સુધીની હોઈ શકે છે. ભૂતકાળમાં તેની એક જ કેરીનું વજન સાડાચાર કિલોગ્રામ સુધી નોંધાયું છે, જ્યારે સામાન્ય રીતે તેનું સરેરાશ વજન સાડાત્રણથી ચાર કિલોની આસપાસ રહે છે. તેનો ગોટલો જ આશરે બસો ગ્રામનો હોય છે!
નૂરજહાં કેરીના ઝાડ પર જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં મોર આવવાના શરૂ થાય છે અને જૂન મહિનાની શરૂઆતમાં આ કેરી સંપૂર્ણ પાકીને તૈયાર થઈ જાય છે. ભારે વજનના કારણે વાવાઝોડા કે પવનમાં આ કેરી ઝાડ પરથી નીચે ન પડી જાય તે માટે ખેડૂતો તેને ખાસ દોરીઓ અને નેટથી બાંધીને રાખે છે. આ કેરી કિલોના ભાવે નહીં, પણ નંગના ભાવે વેચાય છે. તેની દુર્લભતા અને અદભુત સ્વાદના કારણે માર્કેટમાં એક જ કેરીની કિંમત રૂપિયા 1000થી 2000 સુધી પહોંચી જાય છે.

વાત કરીએ નૂરજહાં કેરીની સૌથી ક્રેઝી બાબત એ છે કે આ કેરી પાકીને બજારમાં આવે તે પહેલાં જ, એટલે કે જ્યારે તે ઝાડ પર નાની ખાટી કેરીના સ્વરૂપમાં હોય છે, ત્યારથી જ દેશ-વિદેશના અમીર શોખીનો અને વીઆઈપી લોકો તેનું 'એડવાન્સ બુકિંગ' કરાવી લે છે. આ કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો કે બજારમાં મંદી નડવાનો કોઈ ડર રહેતો નથી. જો કોઈ ખેડૂત પોતાના બગીચામાં આના થોડાક ઝાડ પણ વાવી દે, તો સીઝન દરમિયાન લાખો રૂપિયાનો ચોખ્ખો નફો કમાઈ શકે છે.