Sat Mar 14 2026

Logo

અમેરિકી ટૅરિફમાં ફેરફારની અસરો અંગે કંઈ કહેવુ વહેલાસરનુંઃ સીતારમણ

2 weeks ago
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ અમેરિકી ટૅરિફમાં થયેલા ફેરફાર અંગે અત્યારે કોઈપણ ટિપ્પણી આપવી વહેલાસરનું ગણાશે અને હાલમાં વાણિજ્ય મંત્રાલય પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યું હોવાનું નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલી વેપારી ભાગીદાર દેશો તરફથી થતી આયાત સામેની ટૅરિફને ગેરકાયદે હોવાનો ચુકાદો આપ્યો હતો. ત્યાર બાદ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ભારત સહિતના વિશ્વભરના તમામ દેશો પર 24મી ફેબ્રુઆરીથી 150 દિવસ સુધી 10 ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ શનિવારે આ ટૅરિફ વધારીને 15 ટકા કરી હોવાની જાહેરાત કરી હતી. 

અમેરિકી ટૅરિફમાં થયેલા ફેરફારની ભારતીય અર્થતંત્ર પર કેવી અસર થશે, એવા એક પ્રશ્નના ઉત્તરમાં નાણાં પ્રધાને કહ્યું હતું આ અંગે કોઈપણ ટીકા-ટિપ્પણી કરવી વહેલાસરની ગણાશે. પરંતુ ખાસ કરીને વેપાર પર, સામાન્ય રીતે ભારતીય અર્થતંત્ર સિવાય વાણિજ્ય મંત્રાલય પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે. ભવિષ્યમાં વાટાઘાટો ક્યારે કરવી તે અંગે પ્રતિનિધિમંડળે નિર્ણય લેવો પડશે તેથી મારા માટે આ અંગે ટિપ્પણી કરવી થોડું વહેલું ગણાશે, એમ તેમણે ઉમેર્યું હતું. 

ભારત અને અમેરિકા વચ્ચે થયેલી વચગાળાના કરારની સમજૂતીને લેખિત સ્વરૂપ આપવા માટે આજે (સોમવારે) બન્ને પક્ષોના મુખ્ય વાટાઘાટકારોની બેઠક યોજાનાર હતી, પરંતુ આ બેઠકનું રીશિડ્યુઅલ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ વેપાર કરાર માટે ભારત તરફથી વાણિજ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ દર્પણ જૈન મુખ્ય વાટાઘાટકર્તા છે. 

અત્રે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડને સંબોધિત કર્યા બાદ પત્રકાર વર્તુળો સાથે વાતચીત કરતાં સીતારમણે જણાવ્યું હતું કે ભારત ટ્રેડ ડીલ કરવા માટે ખૂબજ સ્પષ્ટ માર્ગ ધરાવે છે અને ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કતાર, ઓમાન અને ઈયુ તથા યુકે સાથે પહેલાથી જ કરાર કરી ચૂક્યું છે. આમ અન્ય દેશો સાથે વેપાર કરાર કરવાના અમારા પ્રયાસ ચાલુ રહેશે, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ભારત ઈચ્છે છે કે અર્થતંત્રને વૈશ્વિક સ્તરે વેપાર કરવાનો અને વૈશ્વિક બજાર સુધી પહોંચવાનો લાભ મળે.