Thu Jul 23 2026

Logo

યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પહેલીવાર બોલ્યા PM મોદી

2026-07-21 14:44:38
Author: Mumbai Samachar Team
Article Image

કોકરોચ જનતા પાર્ટીના સંસદ માર્ચ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નીટ પેપર લીક પર પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. PM મોદીએ NDA સંસદીય દળની બેઠકમાં કહ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ. પેપર લીકના દોષીઓને કડકમાં કડક સજા અપાવીશું. PM મોદીએ કહ્યું, "પેપર લીક એ રાજકારણનો વિષય નથી. તેમના (વિદ્યાર્થીઓના) ભવિષ્યને નુકસાન ન થાય, એટલા માટે ફરીથી પરીક્ષા (રી-એક્ઝામ) લેવામાં આવી અને તેને સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી." તેમણે ઉમેર્યું કે પેપર લીકના મામલે સરકાર તરફથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને સરકાર વિદ્યાર્થીઓને લઈને સંવેદનશીલ છે.

CJP ના સંસદ માર્ચ પછી PM મોદીનું નિવેદન

PM મોદીનું આ નિવેદન કૉકરોચ જનતા પાર્ટીના સંસદ માર્ચ પછી આવ્યું છે, જેમાં વિપક્ષના પણ ઘણા સાંસદો સામેલ થયા હતા. આ માર્ચ દરમિયાન હિંસાની ઘટનાઓ પણ સામે આવી હતી, ત્યાર બાદ દિલ્હી પોલીસ અને RAF એ તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. જ્યારે પ્રદર્શનકારીઓ સંસદ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા અને તેમને ત્યાંથી ખદેડી મૂકવામાં આવ્યા હતા.

CJP એ જે.પી. નડ્ડાને સોંપી માંગણીઓ

કૉકરોચ જનતા પાર્ટી તરફથી CJP ના સૌરવ દાસ અને આશુતોષ રાકાંએ સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વચ્ચે બે તબક્કાની વાતચીત થઈ હતી, પરંતુ સરકાર તરફથી પ્રદર્શનકારીઓની કોઈ પણ માંગ પર આશ્વાસન આપવામાં આવ્યું નથી. જોકે, નડ્ડાએ તેમને ધરણા સમાપ્ત કરી સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં વહીવટીતંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી.

‘પેપર લીક ફરીથી ન થવું જોઈએ’

કિરેન રિજિજૂના જણાવ્યા અનુસાર, PM મોદીએ પેપર લીકના મુદ્દા પર વિસ્તારથી વાત કરી. PM મોદીએ સાંસદોને સંબોધિત કરતા કહ્યું કે પેપર લીક ફરીથી ન થવું જોઈએ. સાથે જ કોઈ પણ વિદ્યાર્થીનું ભવિષ્ય પ્રભાવિત ન થવું જોઈએ. PM મોદીએ પેપર લીકમાં સામેલ આરોપીઓને સખતમાં સખત સજા અપાવવાની વાત પણ કરી છે. કિરેન રિજિજૂએ આગળ કહ્યું કે પ્રધાનમંત્રીએ NDA સાંસદોને જણાવ્યું કે Re-NEET પરીક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી અને પરિણામ વિલંબ કર્યા વગર જાહેર કરવામાં આવ્યા જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય પ્રભાવિત ન થાય.

5 મિનિટ સુધી નીટ પેપર લીક પર બોલ્યા PM મોદી

PM મોદીએ મંગલ મિલન બેઠકમાં સાંસદોને સંબોધિત કરતા નીટ પેપર લીક પર લગભગ 5 મિનિટ સુધી પોતાની વાત રજૂ કરી. આ દરમિયાન તેમણે સાંસદોને કહ્યું કે આરોપીઓ સામે ખૂબ જ કડક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પેપર લીકના કેસો સાથે જોડાયેલા આરોપીઓને છોડવામાં નહીં આવે. નોંધનીય છે કે PM મોદીનું આ નિવેદન વિદ્યાર્થીઓના સંસદ માર્ચના એક દિવસ પછી આવ્યું છે.