Sat May 23 2026

Logo

સૂર્યની છાતી ચીરીને નીકળ્યું પેસેન્જર પ્લેન! 17 લાખ ક્લિક્સ અને 6 દિવસની મહેનત બાદ સામે આવ્યો અદ્ભૂત અને સૌથી રેર ફોટો

2026-05-22 18:14:38
Author: Darshana Visaria
Article Image

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને આ સોશિયલ મીડિયા પર એક અવિશ્વસનીય ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટો અમેરિકાના પ્રખ્યાત એસ્ટ્રોફોટોગ્રાફર એન્ડ્રુ મેકકાર્થિએ ક્લિક કર્યો છે, જેને જોઈને સામાન્ય લોકો જ નહીં પણ દુનિયાભરના વૈજ્ઞાનિકો અને એક્સપર્ટ્સ પણ દંગ રહી ગયા છે. એન્ડ્રુએ ધગધગતા સૂર્યની બિલકુલ સામેથી પસાર થઈ રહેલા એક પેસેન્જર પ્લેનનો અત્યંત દુર્લભ અને અદભુત ફોટોગ્રાફ લીધો છે.

એસ્ટ્રોફોટોગ્રાફીની દુનિયામાં એન્ડ્રુ મેકકાર્થિ એક ખૂબ જ મોટું નામ છે. સૂર્ય, ચંદ્ર અને અંતરિક્ષના અદભુત ફોટો લેવા માટે જાણીતા એન્ડ્રુએ આ એક સિંગલ પરફેક્ટ શૉટ લેવા માટે સતત 6 દિવસ સુધી મહેનત કરી હતી અને આશરે 17 લાખ  જેટલા ફોટો ક્લિક કર્યા હતા. જ્યારે પ્લેન અને સૂર્ય એક જ સ્ટ્રેઈટ લાઈનમાં આવ્યા હતા ત્યારે આ હિસ્ટોરિકલ ફોટો ક્લિક કરાયો હતો. 

આ ફોટો લેવો એ લોઢાના ચણા ચાવવા સમાન હતો. એન્ડ્રુએ જણાવ્યું હતું કે આ માટે તેમણે સૌપ્રથમ પેસેન્જર વિમાનના ફ્લાઇટ પાથનો અભ્યાસ કર્યો, ત્યારબાદ સૂર્યની ચોક્કસ પોઝિશનની ગણતરી કરી અને આકાશ બિલકુલ સાફ થાય તેની રાહ જોઈ. સૌથી મોટો પડકાર એ હતો કે વિમાન સૂર્યની સામેથી માત્ર એક સેકન્ડ કરતાં પણ ઓછા સમય માટે પસાર થવાનું હતું. કેમેરાના સેટઅપ કે ટાઈમિંગમાં એક મિલિસેકન્ડની પણ ભૂલ આખી મહેનત પર પાણી ફેરવી શકતી હતી.

એન્ડ્રુએ આ અદભુત ક્ષણને કેદ કરવા માટે અલગ-અલગ ફોકલ લેન્થ ધરાવતા બે પાવરફુલ કેમેરા સેટઅપ ગોઠવ્યા હતા. પહેલો કેમેરો 10 ફ્રેમ પ્રતિ સેકન્ડની સ્પીડથી હાઈ-ક્વોલિટી વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. બીજો કેમેરો સૂર્યની સપાટીના અતિશય નજીકના ફોટોઝ 85 ફ્રેમ પ્રતિ સેકન્ડની સુપરફાસ્ટ સ્પીડથી કેદ કરી રહ્યો હતો. આ તમામ ફૂટેજને સ્લો-મોશનમાં પ્રોસેસ કરીને એક એવી હાઈ-ડેફિનેશન તસવીર તૈયાર કરવામાં આવી, જેમાં વિમાનની સાથે-સાથે સૂર્યની સપાટી પર થતી હલચલ પણ સ્પષ્ટ જોઈ શકાય છે.

એન્ડ્રુએ આ ફોટોને પોતાના જીવનની 'સૌથી નસીબદાર ક્ષણ' ગણાવી છે. આ ફોટોમાં વિમાનના કાળા પડછાયાની પાછળ સૂર્યની સપાટી પરથી ઉઠતી બે પ્રચંડ અને ચમકતી 'સૌર જ્વાળાઓ' (Solar Prominences) સ્પષ્ટ દેખાય છે. આ જ્વાળાઓ અતિશય ગરમ પ્લાઝ્માથી બનેલા આગના વિશાળ વલયો હોય છે. સૂર્યની આવી દુર્લભ પ્રવૃત્તિ સાથે પેસેન્જર પ્લેનનો આવો અદભુત તાલમેલ ઇતિહાસમાં કદાચ પહેલી વખત કેદ થયો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં એન્ડ્રુએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) અને સૂર્યની સપાટી નજીકથી પસાર થતાં એક સ્કાયડાઇવરનો ફોટો પાડીને પણ દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી હતી.