Thu Sep 10 2026

Logo

નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા-રાહુલ વિરુદ્ધ ઇડીની અરજી પર ૨૦ એપ્રિલે સુનાવણી

2026-03-09 20:42:05
Author: Mumbai Samachar Team
નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા-રાહુલ વિરુદ્ધ ઇડીની અરજી પર ૨૦ એપ્રિલે સુનાવણી

નવી દિલ્હીઃ દિલ્હી હાઇ કોર્ટે નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્યો સામે ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાનો ઇનકાર કરવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી ઇડીની અરજીની સુનાવણી ૨૦ એપ્રિલ માટે મુલતવી રાખી છે.

ન્યાયાધીશ સ્વરણ કાંતા શર્માએ જણાવ્યું કે કોર્ટ આજે કેસની સુનાવણી કરી શકશે નહીં. ઇડી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુએ કોર્ટને કેસમાં ટૂંકી તારીખ આપવા વિનંતી કરી હતી. ત્યારબાદ કોર્ટે કેસની સુનાવણી ૨૦ એપ્રિલ સુધી મુલતવી રાખી હતી.

૨૨ ડિસેમ્બરના રોજ હાઇ કોર્ટે ગાંધી પરિવાર અને અન્યોને મુખ્ય અરજી સાથે ઇડીની એ અરજી પર પણ નોટિસ જારી કરી હતી કે જેમાં ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે મૂકવાની માંગ કરવામાં આવી હતી. 

આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે આ કેસમાં એજન્સીની ફરિયાદને ધ્યાનમાં લેવી કાયદાના હિસાબે ખોટું છે, કારણ કે તે એફઆઇઆર પર આધારિત નથી. હાઇકોર્ટે ગાંધી પરિવાર ઉપરાંત ઇડીની અરજી પર સુમન દુબે, સામ પિત્રોડા, યંગ ઇન્ડિયન, ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડ અને સુનીલ ભંડારીને પણ નોટિસ ફટકારી હતી.

ઇડીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે દિવંગત કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડિઝ સાથે-સાથે સુમન દુબે, સામ પિત્રોડા અને એક ખાનગી કંપની, યંગ ઇન્ડિયન પર ષડયંત્ર અને મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો છે. 
તેમણે નેશનલ હેરાલ્ડ અખબાર પ્રકાશિત કરતી એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ(એજેએલ)ની લગભગ ૨,૦૦૦ કરોડ રૂપિયાની મિલકતો ખરીદી હોવાનો આરોપ છે.