નાશિક: નાશિકના ઈગતપુરી ખાતે આવેલી મહારાષ્ટ્ર સોશિયલ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ સંચાલિત હોસ્ટેલમાં દસમા ધોરણના સાત વિદ્યાર્થીએ જુનિયર વિદ્યાર્થીઓનું કથિત જાતીય શોષણ કર્યું હોવાની આંચકાજનક ઘટના સામે આવી હતી. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતાં સાતેય વિદ્યાર્થીને રિમાન્ડ હોમમાં મોકલી દેવાયા હતા.
આ પ્રકરણે ઈગતપુરી પોલીસ સ્ટેશનમાં 3 માર્ચે પ્રોટેક્શન ઑપ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ નોંધવામાં આવેલા એફઆઈઆરમાં આરોપી તરીકે હોસ્ટેલના સુપરિન્ટેન્ડેન્ટનું પણ નામ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદે જણાવ્યું હતું કે દસમા ધોરણના સાત વિદ્યાથી અને હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ જ હોસ્ટેલમાં રહેતા પાંચ અને સાતમા ધોરણના વિદ્યાર્થીઓને નશીલા પદાર્થ આપી તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ સાથે કથિત શરમજનક કૃત્ય છેલ્લા સાત મહિનાથી કરવામાં આવતું હતું, પરંતુ ડરના માર્યા કોઈ ફરિયાદ કરવા આગળ આવ્યું નહોતું. જોકે અમારા ધ્યાનમાં આવ્યું હતું કે પીડિત વિદ્યાર્થીઓએ આ અંગે હોસ્ટેલના સુપરિન્ટેન્ડેન્ટ સુશાંત દૂધસાગરેને જાણ કરી હતી, પરંતુ તેમણે આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. પરિણામે ગુનામાં આરોપી તરીકે તેમનું પણ નામ નોંધવામાં આવ્યું હતું, એવું અધિકારીએ જણાવ્યું હતું.
ઘટના પ્રકાશમાં આવ્યા પછી જિલ્લા પરિષદ સોશિયલ વેલ્ફેર ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ ઑફિસર ડૉ. સંજય શિંદે અને તેમની ટીમ હોસ્ટેલ ગઈ હતી. તપાસ કરીને અહેવાલ જિલ્લા પરિષદના સીઈઓને સુપરત કરવામાં આવ્યો હતો અને વધુ તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું.
દરમિયાન પોલીસે ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી સાતેય વિદ્યાર્થીને પકડી પાડ્યા હતા. વિદ્યાર્થીઓને રિમાન્ડ હોમમાં મોકલી દેવાયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)