ડિંડોરી: શુક્રવારે રાત્રે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, એક કાર બેકાબુ થઇને કુવામાંપડી જતાં, છ બાળકો સહિત એક જ પરિવારના નવ સભ્યોના મોત નીપજ્યા છે.
સ્થાનિક પોલીસે આપેલી જાણકારી મુજબ આ અકસ્માત શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ ડિંડોરી શહેરના શિવાજી નગર વિસ્તારમાં થયો હતો. પરિવાર એક પ્રસંગમાં હાજરી આપીને મારુતિ XLS કારમાં બેસીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો અને કાર રસ્તાની નજીકમાં આવેલા કૂવામાં પડી ગઈ.
સ્થાનિકો કુવા પાસે દોડી આવ્યા હતાં અને આ અકસ્માત અંગે અધિકારીઓને જાણ કરી હતી. સ્થાનિક પોલીસની ટીમ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓઓ દોડી આવ્યા હતાં અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
કૂવો પાણીથી ભરેલો હતો, જેના કારણે બચાવ કામગીરી ખુબ મુશ્કેલ હતી. કેટલાક તરવૈયાઓ કુવામાં કુદ્યા હતાં, પરંતુ ત્યાં સુધીમાં તમામ લોકો મોતને ભેટ્યા હતાં. બે ક્રેનની મદદથી કારને કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી.
આઠ મૃતદેહો કારમથી જ મળી આવ્યા. જ્યારે એક યુવતીના મૃત દેહને શોધવા માટે શોધખોળ કરવી પડી, બાદમાં તેનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ડિંડોરીની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી છે.
સ્થાનિક પોલીસે આપેલી જાણકારી મુજબ તમામ મૃતકો ડિંડોરી તાલુકાના ઇન્દોર ગામના રહેવાસી દરગુડે પરિવારના સભ્યો હતા. આ ઘટનાને કારણે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.