ભરત ભારદ્વાજ
ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે ને ઈરાન-અમેરિકા યુદ્ધમાં આ કહેવત સાચી પડી રહી હોય એવું લાગી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને આખી દુનિયાએ ઈરાન પર હુમલો નહીં કરવા બહુ વારેલા પણ ટ્રમ્પ હાથ નહોતા મૂકવા દેતા. હવે ઈરાન પરના હુમલાના મહિના પછી ટ્રમ્પ ઢીલા પડી રહ્યા છે ને ઈરાન સાથે સમાધાન માટે ફાંફાં મારી રહ્યા છે. આ ફાંફાંના ભાગરૂપે ટ્રમ્પે પહેલાં પાંચ દિવસ માટે ઈરાનના ક્રૂડ ભંડારો પર હુમલા નહીં કરવાનું એસાન કરેલું.
હવે ટ્રમ્પે આ મુદત 10 દિવસ માટે વધારીને 6 એપ્રિલ સુધીની કરી છે. ટ્રમ્પ ઢીલા પડ્યા છે તેનું કારણ એ છે કે, ઈરાન મચક નથી આપી રહ્યું. જો કે ટ્રમ્પે પડ્યા પછીય ટંગડી ઊંચી રાખતાં કહ્યું છે કે, પોતે ઈરાનની વિનંતીથી આ નિર્ણય લીધો છે. ઈરાન આ વાતને નકારે છે, બલકે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટોને પણ નકારે છે પણ ટ્રમ્પ આ વાજુ વગાડ્યા કરે છે. આપણને તેની સામે વાંધો નથી કેમ કે યુદ્ધ રોકાય એ દુનિયાના ફાયદામાં જ છે.
અમેરિકા ઢીલ મૂકે એ દુનિયાના ફાયદામાં છે ને તેનું ટ્રેલર ટ્રમ્પે ઈરાનના ક્રૂડ ઓઈલના ભંડારો પર હુમલા નહીં કરવાની સમયમર્યાદા 10 દિવસ લંબાવી કે તરત જોવા મળી ગયું. ટ્રમ્પની જાહેરાત થઈ કે તરત વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં ઘટાડો થઈ ગયો. બ્રેન્ટ ક્રૂડની કિમત લગભગ 1.5 ટકા ઘટીને પ્રતિ બેરલ 93 ડૉલરની નજીક પહોંચી ગઈ જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડની કિમત 1.8 ટકા ઘટીને પ્રતિ બેરલ 106 ડૉલરની આસપાસ થઈ ગઈ. ભારત પોતાની પેટ્રોલ-ડીઝલની જરૂરીયાત માટે બ્રેન્ટ ક્રૂડ ખરીદે છે તેથી આ ઘટાડો ભારત માટે ફાયદાકારક છે. ટ્રમ્પનો યુદ્ધવિરામ હજુ 10 દિવસ રહેવાનો છે એ જોતાં હજુ પણ ક્રૂડના ભાવ ઘટી શકે છે.
અમેરિકા-ઈઝરાયલે ભેગા મળીને ઈરાન પર હુમલો કર્યો પછી ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળી રહ્યા છે. અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા પછી બ્રેન્ટ ક્રૂડની કિમત લગભગ 50 ટકા વધી ગઈ છે જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડની કિમતમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. અત્યારે જે ઘટાડો થયો છે એ ભાવવધારાની સરખામણીમાં કંઈ ના કહેવાય પણ વાત હકારાત્મક સંકેતની છે. અત્યારે થયેલો નાનો ઘટાડો એ વાતનો સંકેત છે કે, યુધ્ધ અટકી જાય તો બધું સમુસુતરું થઈ શકે છે. ક્રૂડના ભાવ પણ કાબૂમાં આવી જાય ને ક્રૂડ ઓઈલની અછત પણ ના રહે. તેના કારણે કોઈને કોઈ તકલીફ ના રહે.
તકલીફ એ છે કે, આ વાત ડોનલ્ડ ટ્રમ્પને સમજાતી નથી ને કોઈ આ વાત તેને સમજાવી શકતું નથી. દુનિયામાં શાંતિ જાળવી રાખવા માટે યુનાઈટેડ નેશન્સ (યુએન) સહિતની સંસ્થાઓ કામ કરે છે પણ યુએન કશું નથી કરી રહી. યુએન અમેરિકાની આંગળિયાત સંસ્થા છે ને અમેરિકાના પીઠ્ઠુ તેમાં હોય છે તેથી એ કશું કરે એવી આશા હતી જ નહીં પણ માનો કે યુએન કશું કરવાની પહેલ કરે તો પણ ટ્રમ્પ તેની વાત માને એ વાતમાં માલ નહોતો. ઈરાનને પાઠ ભણાવવાની સનક ટ્રમ્પના માથા પર ઝનૂનની હદે સવાર થઈ ગઈ છે તેથી ટ્રમ્પ કોઈનું સાંભળતા જ નહોતા પણ યુદ્ધ લંબાયું તેમાં ટ્રમ્પની ફેં ફાટી ગઈ ને એ બહાર નિકળવાનાં બહાનાં શોધે છે એ સારી વાત છે.
દુનિયાના દેશોએ આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને ટ્રમ્પ પર દબાણ વધારવાની જરૂર છે. ટ્રમ્પે ઈરાન પર હુમલો પોતાનો અહમ સંતોષવા માટે કર્યો છે ને ઈરાન ટ્રમ્પની શરતો માની લે તો ટ્રમ્પનો અહમ સંતોષાઈ જાય. ઈરાન બધી શરતો માની જાય એ શક્ય જ નથી પણ ઈરાન પોતે પરમાણુ શસ્ત્રો બનાવતું નથી તેની ખાતરી કરાવવા માટે ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઈએઈએ) મારફતે નિરીક્ષણ કરાવવા સહિતની શરતો પણ સ્વીકારી લે ને બદલામાં અમેરિકા ઈરાન પરનાં નિયંત્રણો હટાવી લે તો સમાધાન થઈ શકે તેમ છે.
નરેન્દ્ર મોદી ભારતને વિશ્વગુરુ કહેવડાવે છે ને મોદી માટે અત્યારે સુવર્ણ તક છે. ટ્રમ્પ મોદીના મિત્ર છે ને ઈરાન ભારતનું મિત્ર રાષ્ટ્ર છે તેથી ભારતની વાત બંને સાંભળશે. ઈરાને ભારતનાં જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપીને સત્તાવાર રીતે મિત્ર દેશ તરીકે સ્વીકાર કર્યો છે તેથી ઈરાન ભારતની વાત પર વિચાર કરી શકે. ડીયર ફ્રેન્ડ ટ્રમ્પની મોદીની વાતો સાંભળી સાંભળીને તો આ દેશની એક આખી પેઢી મોટી થઈ ગઈ એ જોતાં મોદી ટ્રમ્પ પર પણ દબાણ લાવી શકે છે.
ટૂંકમાં ભારત અને નરેન્દ્ર મોદી બંને માટે અત્યારે દોડવું તુ ને ઢાળ મળ્યો એવો ઘાટ છે. બંનેએ એકબીજા સામે મૂકેલી ઢગલો શરતોમાંથી વાજબી શરતો માનવા બંને પર દબાણ લાવીને અમેરિકા ને ઈરાન વચ્ચે સમાધાન કરાવીને મોદીએ ભારત સાચા અર્થમાં વિશ્વગુરુ બની ગયું છે એ સાબિત કરવું જોઈએ. વિપક્ષો કટાક્ષ કરે છે કે, મોદી ભારતને વિશ્વગુરુ ગણાવે છે પણ ચેલા કોણ છે ? મોદીએ સાબિત કરવું જોઈએ કે, ભારત પાસે ચેલા પણ છે ને ભારત વિશ્વગુરુ પણ છે.
મોદી સમાધાન કરાવીને એક કાંકરે બે પક્ષી મારી શકે છે કેમ કે અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાન કરાવીને પોતાનો સિક્કો જમાવવા માટે પાકિસ્તાન પણ દોડાદોડી કરી રહ્યું છે. શાહબાઝ શરીફે તો પાકિસ્તાનમાં જ મંત્રણા કરાવવાની ઓફર પણ કરી છે. ટ્રમ્પે પોતે પાકિસ્તાનની મધ્યસ્થી પર મંજૂરીની મહોર મારી છે. પાકિસ્તાન આ સમાધાન કરાવીને જશ ખાટી જાય એ ભારતના ફાયદામાં નથી કેમ કે તેના કારણે પાકિસ્તાન અમેરિકા અને ઈરાન બંનેની નજીક આવી જશે.
ભારતના આર્થિક હિતો ઈરાન અને અમેરિકા બંને સાથે સંકળાયેલાં છે એ જોતાં પાકિસ્તાનની આ બંને દેશો સાથેની અતિ નિકટતા ભારતના ફાયદામાં નથી. મોદીએ પાકિસ્તાન સમાધાન કરાવી જાય એ પહેલાં ખેલ પાડીને પાકિસ્તાનની આબરૂનો ધજાગરો કરી દેવાની જરૂર છે.
મોદી આ સમાધાન કરાવી શકે તો ભારતનો દબદબો તો વધશે જ પણ વ્યક્તિગત રીતે મોદીનો પ્રભાવ પણ વધશે. મોદી શાંતિ માટેના નોબલ પ્રાઈઝના હકદાર બની જશે કેમ કે અમેરિકા વર્સીસ ઈરાનનું યુદ્ધ અત્યારે દુનિયાની શાંતિ માટે સૌથી મોટો ખતરો છે. હજુ યુધ્ધ ઉગ્ર બન્યું નથી ત્યાં જ દુનિયાની શાંતિ ડહોળાઈ ગઈ છે તો હવે પછી શું થાય તેની કલ્પના જ કરી શકાય તેમ નથી. આવું યુધ્ધ મોદી રોકી શકે તેનાથી મોટી કોઈ સિદ્ધી જ ના હોય એ જોતાં મોદીએ દમ લગાવીને હઈસા કરીને ભારતને વિશ્વગુરુ સાબિત કરી જ દેવું જોઈએ.