- ગિરિરાજ
નારાયણ સ્વામી
ગુજરાતની પવિત્ર મરૂધરા કચ્છ એ માત્ર ભૌગોલિક વૈવિધ્ય, સરહદની રખેવાળી કે સફેદ રણ માટે જ વિખ્યાત નથી, પરંતુ તે અસંખ્ય સંતો, મહંતો, ભક્તકવિઓ અને સૂર-સાધકોની દિવ્ય તપોભૂમિ છે. આ ધરતીની માટીનો પ્રભાવ અને લોકજીવનનો સ્નેહ કંઈક એવો અનોખો છે કે જે પણ કોઈ સાધક અહીં પોતાના સૂર રેલાવવા આવે છે, તે આ જ ધરતીના રંગમાં રંગાઈને કચ્છી બની જાય છે. આવી જ એક વિરલ, વૈશ્વિક અને સનાતન વિભૂતિ એટલે ભજન ડાયરાની અસ્મિતાને લોકજીવનમાંથી ઉઠાવીને શાસ્ત્રીય ગરિમા આપનારા પૂજ્ય નારાયણ સ્વામી. તાજેતરમાં જ 29 જૂન 1938ના રોજ જન્મેલા નારાયણ સ્વામીની ભવ્ય જન્મજયંતી ગઈ, ત્યારે આ સવાયા કચ્છી ભજનિકના જીવન, તેમની અખંડ સંગીત સાધના અને કચ્છ પ્રત્યેના તેમના અગાધ પ્રેમને યાદ કરવા પણ એક લહાવો છે.
કચ્છ પ્રદેશમાં સંતવાણી, ભજન અને ડાયરા સંસ્કૃતિ સદીઓ જૂની અને સશક્ત છે. રાજા-મહારાજાઓના આશ્રયથી લઈને રણ અને સીમ-વગડામાં વસતા સામાન્ય માલધારી સુધી ભજન એ જીવનનો અનિવાર્ય હિસ્સો રહ્યા છે. ડાયરો એટલે માત્ર ગીતો ગાવાની કે વાહ-વાહ મેળવવાની કોઈ મહેફિલ નથી, પણ આધ્યાત્મિક જ્ઞાન, વેદાંતના ગૂઢ રહસ્યો અને લોકશિક્ષણને સંગીતના સથવારે સામાન્ય માણસના હૃદય સુધી ખૂબ જ સરળતાથી પહોંચાડવાનું એક ભગીરથ માધ્યમ છે. કચ્છની આ આગવી લોકપરંપરામાં નારાયણ સ્વામીએ પોતાના બુલંદ અવાજથી જે પ્રાણ પૂર્યા, તેણે ભજન સંસ્કૃતિને અમરત્વ પ્રદાન કર્યું છે.
મૂળ સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાના આંકડીયા ગામે ગઢવી કુળમાં જન્મેલા આ બાળકનું મૂળ નામ તો શક્તિદાન મહીદાન લાંગાવદરા. તેમનું બાળપણ મોસાળ ભેલા-ભીલડીમાં વીત્યું જ્યાં પ્રકૃતિ અને સંસ્કારોનો અદ્ભુત સમન્વય થયો. તેમના આધ્યાત્મિક જીવનના બીજ ત્યારે રોપાયા જ્યારે તેઓ આંકડીયાના પરમ વંદનીય સંત રામદાસબાપુ ગોદડિયાના આશ્રિત બન્યા. ત્યારબાદ ગુરુ હરિહરંતબાપુના દિવ્ય સાનિધ્યે તેમના જીવનને ભક્તિના અખંડ રંગે રંગી દીધું. તેમણે શારીરિક પીડાનો સામનો કર્યો અને મોહ-માયા ત્યજીને તેમણે પૂર્ણપણે પ્રભુ ભક્તિ અને સૂર સાધનાનો માર્ગ પકડી લીધો. કર મન ભજનનો વેપાર, ધણી! તારા નામનો આધાર, કર મન ભજનનો વેપાર જી.... આ પંક્તિઓ જાણે નારાયણ સ્વામી માટે તાદૃશ થાય છે. દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમણે સૌરાષ્ટ્રના રાજકોટ, મવડી રોડ પર આવેલા ફલિયા હનુમાન અને વેરાવળ જેવા સ્થાનો પર ભ્રમણ કરીને કલા અને ભક્તિને અખંડ રાખી, વિધાતાએ તેમના ભાગ્યમાં કચ્છની પવિત્ર ધરાની સેવાનું પ્રારબ્ધ લખી રાખ્યું હતું એટલે સૌપ્રથમ તેઓ બિદડા અને ત્યારબાદ માંડવીના રમણીય દરિયાકિનારે આવેલા ચંપલેશ્વર મહાદેવના પવિત્ર સ્થાને તેમણે આસન જમાવ્યું. અને મંદિરની નાનકડી દેરીમાંથી ભક્તિ-તરંગો વહેવડાવી સુંદર આશ્રમમાં પરિવર્તિત કરી દીધું. તે જન્મથી ભલે કાઠિયાવાડી હતા, પણ કર્મોથી, તેમના વહેવારથી અને વાણીથી કચ્છીઓએ તેમને ખૂબ પસંદ કર્યા અને ‘સવાયા કચ્છી’ બનાવીને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું.
તેમના મુખેથી વહેતી અસ્ખલિત સંતવાણી સાંભળવા લાખો ભક્તો ઊમટી પડતા. તેની સામે નહિ ગર્વથી, નહિ અન્ય સર્વમાં તરી આવવાની વૃત્તિથી કે નહિ કશી તોછડાઈથી,પણ પોતાના જીવનમાં જે વાત સાચોસાચ વસી, જે જીવને તત્ત્વ આપ્યું, તે સરળ ભાવ તેમના કંઠે સરી નીકળતા અને લોકો તેમની દાદ પોકારી ઉઠતા. જ્યારે ડાયરામાં તેમના કંઠે ગવાયેલું કૈલાશ કે નિવાસી..., ઓધાજી મારા વાલાને..., મેં ગોવાલણ તેરી કાનુડા... કે માનવ નડે છે માનવીને... ગુંજતું, ત્યારે શ્રોતાઓ તન-મનનું ભાન ભૂલીને આધ્યાત્મિક સમાધિ અવસ્થામાં સરી પડતા. તેમની પ્રસ્તુતિમાં માત્ર મનોરંજન નહીં, પણ જીવ અને શિવના મિલનનો વૈરાગ્યભાવ છલકાતો.
સમયનો ચરખો નિરંતર ચાલતો રહ્યો અને 16 નવેમ્બર 2000ના રોજ ભજન જગતનો આ ઝળહળતો સૂર્ય શારીરિક રીતે બ્રહ્મલીન થઈ ગયો. પરંતુ સંગીત, સંસ્કૃતિ અને ભક્તિના સંસારમાં તેમનું નામ હંમેશાં ગુંજતું રહેશે. આજે ભલે સ્વામીજી આપણી વચ્ચે સદેહે હાજર નથી, પણ તેમનો રેકોર્ડ થયેલો અવાજ, તેમના ભજનો અને તેમણે સ્થાપેલી ભક્તિની પરંપરા આજે પણ અકબંધ છે. જ્યારે પણ કચ્છની કોઈ શીતળ રાત્રે કોઈ મંચ પરથી ભજનના સૂરો રેલાય છે, ત્યારે શ્રોતાઓના મુખે નારાયણ સ્વામીની દિવ્ય ઉપસ્થિતિનો અહેસાસ અચૂક થાય છે.