મુંબઈ: મહારાષ્ટ્રના નાંદેડમાં દુકાળની સ્થિતિની સમીક્ષા માટે યોજાયેલી સરકારી બેઠકમાં નેતાઓ અને અધિકારીઓ માટે કાજુ-બદામની વ્યવસ્થા કરવામાં આવતા વિવાદ થયો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ખેડૂતોની સ્થિતિ વચ્ચે આવી વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા હતા.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે કહ્યું કે સરકારી બેઠકોમાં વહીવટીતંત્ર દ્વારા સામાન્ય રીતે ડ્રાયફ્રૂટ રાખવાની પ્રથા છે, પરંતુ દુકાળ જેવી સ્થિતિમાં આવી બાબતો ટાળવી જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે આ વ્યવસ્થા જાણીજોઈને દુકાળને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનું કહેવું યોગ્ય નથી, પરંતુ અધિકારીઓએ સંવેદનશીલતા દાખવવી જોઈએ.
ફડણવીસે જણાવ્યું હતું કે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદના અભાવે પાકને નુકસાન થયું છે અને ઉત્પાદન ઘટવાની શક્યતા છે. આગામી સપ્તાહમાં પ્રાથમિક સમીક્ષા અને પંચનામા કરીને ખેડૂતોને મદદ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. સરકાર તરફથી પીવાનું પાણી, ચારો અને ખેતી માટે વધારાની વીજળીની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે મોટા ડેમોમાં હાલ સારો જળસંગ્રહ છે, પરંતુ મરાઠવાડાના નાના ડેમોમાં પાણી ઓછું છે. તેથી પીવાના પાણીનું સંકટ ઊભું ન થાય તે માટે પાણીનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો પડશે. દુકાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને શક્ય તેટલી તાત્કાલિક મદદ અને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવશે.