Tue Jul 28 2026

Logo

વૉટ્સઍપ ડીપીને મુદ્દે વિવાદ: પત્ની સામે જ પતિની હત્યા

2026-02-27 19:25:00
Author: Yogesh C. Patel
Article Image

પાલઘર: વૉટ્સઍપ ડિસ્પ્લે પિક્ચરને મુદ્દે થયેલા વિવાદમાં પત્નીની નજર સામે જ ચાકુ હુલાવી પતિની કથિત હત્યા કરવામાં આવી હોવાની ઘટના નાલાસોપારામાં બની હતી.
નાલાસોપારા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના શુક્રવારના મળસકે 4.30 વાગ્યાની આસપાસ હનુમાન નગર વિસ્તારમાં બની હતી.

આરોપી મહેંદી હસન શેખે (25) ચાકુથી આફતાબ શેખ (24) પર હુમલો કર્યો હતો. મહેંદીના દીકરાના મોબાઈલ ફોન પરના વૉટ્સઍપ ડીપીને મામલે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો વધી જતાં આરોપીએ ચાકુ હુલાવતાં આફતાબનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો હતો કે મહેંદી બાંગ્લાદેશી નાગરિક હતો અને અગાઉ ગંભીર ગુનામાં તે જેલ પણ ગયો હતો. જોકે દરેક પાસાંની તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આફતાબના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આરોપી મહેંદીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)