Tue Aug 18 2026

Logo

સગીરાને બંધક બનાવી દુષ્કર્મ આચરવાનો કેસ: આરોપીએ પોલીસ લોકઅપમાં નરમ ગાદલું, પિત્ઝાની કરી માગણી

2026-08-06 17:29:24
Author: Yogesh D. Patel
Article Image

નાગપુર: નાગપુરમાં ભાડાના ઘરમાં 16 વર્ષની સગીરાને બંધક બનાવી તેની સાથે દુષ્કર્મ આચરવા બદલ ધરપકડ કરાયેલા થાણેના 19 વર્ષના યુવકે પોલીસ લોકઅપમાં નરમ ગાદલું, પિત્ઝા અને મચ્છર મારવાની દવાની માગણી કરી હતી તેમ જ લોકઅપની સ્થિતિ અંગે ફરિયાદ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આરોપી નિર્મય માધવ પાખરેએ તેના અને સગીરાના મોબાઇલનો પાસવર્ડ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. આરોપીએ સગીરાને ઘરમાં બંધક બનાવી હતી ત્યારે તેનો મોબાઇલ લઇ લીધો હતો અને તેનો પાસવર્ડ બદલી નાખ્યો હતો.

ધરપકડ બાદ આરોપીએ લોકઅપની સ્થિતિ અંગે ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે લોકઅપની દીવાલો ગંદી છે અને ટોઇલેટ અસ્વચ્છ છે, એમ હુડકેશ્ર્વર પોલીસે જણાવ્યું હતું.

આરોપીએ નાસ્તામાં પિત્ઝા, ઉચ્ચ ગુણવત્તાનું ભોજન, નરમ ગાદલું અને મચ્છર મારવાની દવાની માગણી કરી હતી. આરોપીએ શરૂઆતમાં તબીબી તપાસ કરાવવા માટે ઇનકાર કરી દીધો હતો, પણ તેને બાદમાં ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યો હતો. 

નોંધનીય છે કે આરોપી નિર્મયે ગયા વર્ષે ફૅક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું હતું. નિર્મયે ઇન્સ્ટાગ્રામ પર પીડિતા સાથે મિત્રતા કરી હતી અને બંને ચેટિંગ કરવા લાગ્યાં હતાં. પીડિતાએ પોતાના અંગત ફોટા આરોપીને શૅર કર્યા હતા. આરોપી બાદમાં પીડિતાના ફોટા ઓનલાઇન સર્ક્યુલેટ કરવાની ધમકી આપી તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો. તેણે પીડિતા સાથે હોટેલમાં દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ તેને દિઘોરી ખાતે ઘરમાં બોલાવી હતી, જ્યાં તેને 30 કલાક સુધી બંધક બનાવી રાખી હતી અને તેના હાથ-પગ બાંધી વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 

નાગપુરથી 2 ઑગસ્ટે પીડિતા ગુમ થતાં પરિવારજનોએ હુડકેશ્ર્વર પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેક્નિકલ બાબતોને અભ્યાસ કર્યા બાદ પીડિતાનું લોકેશન ટ્રેસ કર્યું હતું. સોમવારે રાતે દિઘોરી વિસ્તારમાં પહોંચેલી પોલીસ ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશી ત્યારે પીડિતા બેડ પર પડેલી હતી અને તેના હાથ-પગ બંધાયેલા હતા. નજીકમાં આરોપી ઊભો હતો અને તેના હાથમાં પટ્ટો હતો. પીડિતાના શરીર પર ઇજાના 20થી વધુ નિશાન હતા.

(પીટીઆઇ)