Sun Sep 06 2026

Logo

મહારાષ્ટ્રમાં MVAમાં ભંગાણ? બેઠકમાં શરદ પવાર જૂથ ગેરહાજર, ઠાકરે જૂથના નેતાએ શું કહ્યું?

2026-02-22 18:53:32
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં MVAમાં ભંગાણ? બેઠકમાં શરદ પવાર જૂથ ગેરહાજર, ઠાકરે જૂથના નેતાએ શું કહ્યું?

મુંબઈઃ રાજ્યમાં મહા વિકાસ આઘાડીના ભવિષ્ય પર ફરી પ્રશ્નાર્થ સર્જાયો છે. આજે મુંબઈમાં 'શિવાલય' ખાતે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં વિપક્ષી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના નેતાઓએ ગુટલી મારતાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. શરદ પવાર જૂથ કેમ ગેરહાજર રહ્યું તે બાબત શિવસેના ઠાકરે જૂથના નેતા ભાસ્કર જાધવે સીધી ટિપ્પણી કરી છે.

સોમવારથી શરૂ થઈ રહેલા વિધાનસભાના બજેટ સત્ર પહેલા રણનીતિ બનાવવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શિવસેના ઠાકરે જૂથ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આમાં ભાસ્કર જાધવ, અજય ચૌધરી, સતેજ પાટિલ, અનિલ પરબ, વિજય વડેટ્ટીવાર અને અમીન પટેલનો સમાવેશ થાય છે. 

જોકે, બેઠકમાં રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથના કોઈ મોટા નેતા હાજર ન હોવાથી અનેક લોકો આશ્ચર્યચકિત થયા છે. રાષ્ટ્રવાદી પક્ષના બંને જૂથોના વિલીનીકરણ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે એનસીપી નેતાઓની ગેરહાજરી એ પ્રશ્ન ઉઠાવી રહી છે કે, "શું રાજ્યમાં એમવીએ ખતમ થઈ ગયું છે?"

ઠાકરે જૂથના કાર્યાલય 'શિવાલય' ખાતે બેઠક બાદ, મહાવિકાસ આઘાડીની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભાસ્કર જાધવે રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથની ગેરહાજરી પર ટિપ્પણી કરી હતી. ભાસ્કર જાધવે કહ્યું કે તમને આશ્ચર્ય થયું હશે કે મહાવિકાસ આઘાડીના સાથીઓ ક્યાં છે. જોકે, તેમણે કહ્યું કે સંદેશાના આપ-લેમાં 'ગડબડ'ને કારણે એનસીપી હાજર નહોતું. જાધવે કહ્યું કે શરદ પવાર જૂથના નેતાઓ પ્રેસ કોન્ફરન્સની અંત સુધીમાં પહોંચી જશે.

વિધાનસભા સત્રમાં શાસક મહાયુતિને ઘેરવા માટે અને  વિધાનસભામાં વિવિધ મુદ્દાઓ ઉઠાવવા માટે આજની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યમાં મહાયુતિ સરકારનો સામૂહિક રીતે વિરોધ કેવી રીતે કરવો તે અંગે ચર્ચા થવાની અપેક્ષા હતી. 

જોકે, ઠાકરેના નેતાએ આડકતરી રીતે સ્વીકાર્યું કે એનસીપી સાથે કોઈ સંકલન નથી, ત્યાર બાદ અંદર શું ચાલી રહ્યું છે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.  હવે એ વાત પર પણ અટકળો લગાવાઈ રહી છે કે એનસીપીમાં વિલીનીકરણ પ્રસ્તાવ પર મતભેદ છે કે કોઈ અન્ય રાજકીય સમીકરણ રચાઈ રહ્યું છે.