Tue Oct 06 2026

Logo

મુસ્લિમ મહિલા મસ્જીદમાં નમાઝ અદા કરી શકે છે: સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડની રજૂઆત

2026-04-24 14:51:07
Author: Savan Zalariya
મુસ્લિમ મહિલા મસ્જીદમાં નમાઝ અદા કરી શકે છે: સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડની રજૂઆત

નવી દિલ્હી: કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે, ત્યારે મહિલાઓને મસ્જીદમાં નમાઝ પઢવાની મંજૂરી અંગેની એક અરજી પર સુનાવણી દરમિયાન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ કોર્ટને જણાવ્યું હતું કે મુસ્લિમ મહિલાઓને નમાઝ પઢવા માટે મસ્જિદોમાં પ્રવેશવા પર કોઈ પ્રતિબંધ નથી.

નવ ન્યાયાધીશોની બંધારણીય બેંચ સમક્ષ AIMPLB વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એમ.આર. શમશાદે જણાવ્યું હતું કે ઇસ્લામ એક સંપૂર્ણ રીતે લખાયેલો ધર્મ છે, શું પ્રતિબંધિત છે, ફરજિયાત છે અને શું ભલામણ કરવામાં આવે છે તેના પર સ્પષ્ટ અને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. 

મહિલાઓ પ્રવેશી શકે પણ...:

મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશના મુદ્દે એમ.આર. શમશાદે કહ્યું કે મુસ્લિમ મહિલાઓને મસ્જિદોમાં પ્રવેશવાની અને નમાઝ પઢવાની મંજુરી છે, ઇસ્લામના કોઈ પણ સંપ્રદાયોમાં આનો વિરોધ નથી. તેમણે કહ્યું, “ચોક્કસ શિસ્તનું પાલન કરવું જરૂરી છે.” 

તેમણે કહ્યું કે મહિલાઓને મસ્જિદોના મુખ્ય દરવાજામાંથી પ્રવેશવાનો આગ્રહ રાખી શકે નહીં. મસ્જિદોની અંદર પુરુષો અને સ્ત્રીઓને અલગ પાડતા બેરીયર્સને દૂર કરવાની માંગ કરી શકાય નહીં. 

એમ.આર. શમશાદે એમ પણ કહ્યું કે  સ્ત્રીઓને ઘરે નમાઝ પઢવાણી સલાહ આપવામાં આવે છે, જ્યાં તેમને સમાન ધાર્મિક ફળ મળે છે. જો કોઈ સ્ત્રી મસ્જિદમાં જવા ઈચ્છે, તો તેને સ્વતંત્રતા હોવી જોઈએ.

મહિલાઓને મસ્જિદોમાં નમાઝ પઢવાની મંજૂરી આપવી જોઈએ એવા આદેશની માંગ કરતી રિટ પીટીશનના સંદર્ભમાં આ રજૂઆતો કરવામાં આવી હતી.