Wed Jun 17 2026

Logo

મુસ્લિમ મહિલા શિવ ભક્ત બની કાવડ લઈને કેમ નીકળી? તમન્ના મલિકે જણાવ્યું કારણ

2026-02-14 18:57:59
Author: Vimal Prajapati
Article Image

સંભલ: ઉત્તર પ્રદેશનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મુસ્લિમ મહિલા કાવડ લઈને જઈ રહી છે. મહાશિવરાત્રિ પર ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની મુસ્લિમ મહિલા તમન્ના મલિક બુરખો પહેરીને હરિદ્વારથી કાંવડ લઈને આવી રહી છે. તેમની આ ભક્તિ અને શ્રદ્ધાએ સોશિયલ મીડિયા ચર્ચા શરૂ કરી છે. આ મુસ્લિમ મહિલા કાવડ લઈને જઈ રહી છે તે દરમિયાન હિંદુ લોકો ફૂલોનો વરસાદ કરીને તેનું સ્વાગત કરતા જોવા મળી રહ્યાં છે. 

આ મુસ્લિમ મહિલા મહાદેવની ભક્ત કેવી રીતે બની?

મુસ્લિમ મહિલા તમન્ના મલિક અને તેમના પતિ અમન ત્યાગી સંભલના અસમોલી વિસ્તારના બદનપુર બસેઈ ગામના રહેવાસી છે. ત્રણ-ત્રણ વર્ષ પહેલાં તેમના પ્રેમલગ્ન થયા હતા અને ત્યારથી તમન્ના તુલસી તરીકે પણ ઓળખાય છે. તમન્નાએ અમન ત્યાગી સાથે લગ્ન કરવા માટે ભગવાન શિવને પ્રાર્થના કરી હતી. પ્રાર્થના એવી હતી કે, જો અમન સાથે લગ્ન થાય તો હરિદ્વારથી કાંવડ  લઈને આવશે. હવે તેની મન્નત પૂરી થયા પછી તે 10 ફેબ્રુઆરીએ ‘હર કી પૌડી’થી ગંગાજળ ભરીને કાંવડ લઈને સંભલ જઈ રહી છે. 

હિંદુ સંગઠનોએ તમન્નાનું આદરપૂર્વક સ્વાગત કર્યું

આ કાંવડ યાત્રા દરમિયાન તમન્ના બુરખામાં ‘બમ બમ ભોળે’ના નારા લગાવે છે. વધુમાં તમન્નાએ કહ્યું કે, ભગવાન શિવના આશીર્વાદથી તેને આર્યન અને દક્ષ નામના બે પુત્રો છે. તમન્ના સંભલના ક્ષેમનાથ ધામ પર જલાભિષેક કરશે. તે કાવડ લઈને જઈ રહી હતી ત્યારે રસ્તામાં અમરોહા, નુરપુર જેવા વિસ્તારોમાં હિંદુ લોકો તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને વહીવટ કડક સુરક્ષા આપી રહ્યા છે. હિંદુ સંગઠનોએ કાવડયાત્રી તમન્નાનું આદરપૂર્વક સ્વાગત કર્યું હતું. મહાશિવરાત્રિના અવસર પર તમન્ના મલિક શ્રદ્ધા અને સંવાદિતાનું એક અનોખું ઉદાહરણ બની ગઈ છે.