Mon Oct 05 2026

Logo

વરલીમાં પ્રદર્શન દરમિયાન મહિલાનો આક્રોશ: ગિરીશ મહાજન અને મેયર રિતુ તાવડેની પ્રતિક્રિયા

2026-04-22 21:28:11
Author: Mumbai Samachar Team
વરલીમાં પ્રદર્શન દરમિયાન મહિલાનો આક્રોશ: ગિરીશ મહાજન અને મેયર રિતુ તાવડેની પ્રતિક્રિયા

મુંબઈ: વરલીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ગુસ્સે ભરાયેલી એક મહિલા સીધા વિરોધીઓ પર ધસી ગઈ હોવાની તાજેતરની બનેલી ઘટના સંદર્ભે રાજ્યના પ્રધાન ગિરીશ મહાજન અને મુંબઈના મેયર રીતુ તાવડેએ આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. 'ટ્રાફિક જામથી બહેન પરેશાન હતાં, પરંતુ અમે સંયમ જાળવી રાખ્યો' એમ ગિરીશ મહાજને જણાવ્યું હતું.

મોરચાને કારણે વરલીમાં ભારે ટ્રાફિક જામ થયો હતો. આ સમયે એક મહિલા કારમાંથી બહાર નીકળી અને વિરોધીઓ સાથે જીભાજોડીમાં ઉતરી પડી હતી. આ ઘટના વિશે ગિરીશ મહાજને જણાવ્યું હતું કે 'મોરચાને કારણે રસ્તો બ્લોક થઈ ગયો હોવાથી સંબંધિત મહિલા ખૂબ જ નારાજ હતી. તેનો ગુસ્સો બેકાબૂ હતો. તેમણે જે ભાષામાં વાત કરી એ હું તમને કહી શકતો નથી. 

તેણે ગુસ્સામાં પોલીસ સાથે દલીલ પણ કરી અને તેમના પર પાણીની બોટલ પણ ફેંકી. જોકે, અમે પરિસ્થિતિની ગંભીરતા સમજી શાંત વલણ અપનાવ્યું. આવી ઘટનાઓ મોરચા વખતે બનતી હોય છે, પરંતુ હવેથી અમે ચોક્કસ સાવચેત રહીશું.'

મુંબઈનાં મેયર રિતુ તાવડેએ જણાવ્યું હતું કે 'ગઈકાલનો મોરચો સંપૂર્ણપણે આયોજિત હતી અને તેના માટે યોગ્ય પરવાનગી લેવામાં આવી હતી. છતાં, મેં વ્યક્તિગત રીતે એક બહેનને તે ટ્રાફિક જામથી અસુવિધા થતી જોઈ છે.  જો કોઈને અસુવિધા થઈ હોય તો હું  મુંબઈના મેયર તરીકે તેમની દિલથી માફી માંગુ છું.'