Wed Sep 16 2026

Logo

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર સતત બીજા દિવસે અકસ્માત: આઈઆઈટીના ત્રણ વિદ્યાર્થીનાં મોત

2026-03-19 19:39:00
Author: Yogesh C. Patel
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર સતત બીજા દિવસે અકસ્માત: આઈઆઈટીના ત્રણ વિદ્યાર્થીનાં મોત

ખંડાલામાં સૂર્યોદય નિહાળીને પાછા ફરનારા વિદ્યાર્થીઓની કાર ટ્રક સાથે ઘસાઈને ઊંધી વળી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર સતત બીજા દિવસે ગમખ્વાર અકસ્માત થયો હતો. ખંડાલામાં સૂર્યોદય નિહાળીને પાછા ફરી રહેલા આઈઆઈટી બૉમ્બેના ત્રણ વિદ્યાર્થીને કાળ ભરખી ગયો હતો. ઓવરટેકના પ્રયાસમાં ટ્રક સાથે ઘસાયા બાદ વિદ્યાર્થીઓની કાર ત્રણથી ચાર વાર પલટી ખાઈને ઊંધી વળી ગઈ હોવાનું પોલીસનું માનવું છે.

પનવેલ તાલુકા પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની ઓળખ નાશિકના ઓમકુમાર બોરસે (23), જયપુરના શ્રેયાંશ શર્મા (22) અને નાગપુરના લૉય (20) તરીકે થઈ હતી. 

પ્રાથમિક માહિતી અનુસાર ત્રણેય વિદ્યાર્થીએ તેમના મિત્રો સાથે પિકનિક પર ખંડાલા જવાનું નક્કી કર્યું હતું. ખાસ તો સૂર્યોદય નિહાળવાનો લહાવો લેવા વિદ્યાર્થીઓ ખંડાલા જવાના હતા.

નક્કી થયા મુજબ જીવ ગુમાવનારા ત્રણેય વિદ્યાર્થી એક કારમાં, જ્યારે મિત્રો બીજી કારમાં ખંડાલા જવા ગુરુવારની વહેલી સવારે પાંચ વાગ્યે નીકળ્યા હતા. ખંડાલાથી પાછા ફરતી વખતે 9.30 વાગ્યાની આસપાસ લોનાવલા નજીકની ભાટણ ટનલ પાસે કારને અકસ્માત નડ્યો હતો.

કાર પરના ઘસરકા જોતાં મિત્રોએ અનુમાન લગાવ્યું હતું કે ટ્રક જેવા ભારે વાહન સાથે ઘસાયા પછી કાર દૂર ફંગોળાઈને ઊંધી વળી ગઈ હશે. જોકે ઘટનાને કોઈએ નજરે જોઈ ન હોવાનું મિત્રોએ પોલીસને કહ્યું હતું.

પોલીસનું માનવું છે કે પુરપાટ દોડતી કાર ઓવરટેકના પ્રયાસમાં વાહન સાથે ઘસાઈ હશે, જેને પગલે ડ્રાઈવરે કાર પરનો નિયંત્રણ ગુમાવ્યો હશે. ત્રણથી ચાર વખત પલટી ખાઈને કાર ઊંધી વળી હોવાથી વિદ્યાર્થીઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. આ પ્રકરણે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે બુધવારે પણ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થયેલા અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં હતાં. પુણેથી મુંબઈ તરફ આવતું ટ્રેલર બેકાબૂ થઈ ગયું હતું. ચાર વાહનને ટ્રેલરે ટક્કર માર્યા પછી તેના પરનું ક્ધટેનર ઈન્નોવા કાર પર ઊંધું વળી ગયું હતું. ક્ધટેનરના વજનથી કાર દબાઈ ગઈ હતી અને તેની અંદર બેસેલા ત્રણેયનાં મૃત્યુ થયાં હતાં.