Mon Oct 05 2026

Logo

મુંબઈમાં માનવતાનું ઉદાહરણ: 33 વર્ષીય યુવકના અંગદાનથી 9 વર્ષના બાળક સહિત 4 જણને મળ્યું નવજીવન

2026-03-31 20:48:12
Author: Mumbai Samachar Team
મુંબઈમાં માનવતાનું ઉદાહરણ: 33 વર્ષીય યુવકના અંગદાનથી 9 વર્ષના બાળક સહિત 4 જણને મળ્યું નવજીવન

મુંબઈઃ મુંબઈમાં પહેલી વાર એવું બન્યું કે 33 વર્ષીય વ્યક્તિએ એક જ સમયે 9 વર્ષના બાળક સહિત ચાર લોકોના જીવ બચાવ્યા હતા. જ્યારે મૃત્યુ આંખ સામે હતું, ત્યારે અચાનક એક દેવદૂત આવ્યો અને એક ચમત્કાર થયો. એક વ્યક્તિએ 4 લોકોના જીવ બચાવ્યા. ખુશીની વાત એ હતી કે એક 9 વર્ષના બાળકને પણ નવજીવન મળ્યું.

થાણેનો એક પરિવાર કેઈએમ હોસ્પિટલમાં લીવરની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા 9 વર્ષના છોકરા માટે દેવદૂત બનીને આવ્યો. માર્ગ અકસ્માતમાં પોતાના 33 વર્ષના પુત્રને ગુમાવ્યા બાદ, તેના પરિવારે તેના અંગોનું દાન કરવાનો સાહસિક નિર્ણય લીધો. આ એક નિર્ણયથી માત્ર નાના બાળકને જ નહીં, પરંતુ અન્ય લોકોને પણ નવું જીવન મળ્યું છે.

થાણેની મહાવીર જૈન હોસ્પિટલમાં 28 માર્ચે અંગદાન કરવામાં આવ્યું હતું. લીવરનું વિભાજન શક્ય હતું. તેનો એક ભાગ કેઈએમ ખાતે 9 વર્ષના બાળકને  આપવામાં આવ્યો હતો, જ્યારે બીજો ભાગ નવી મુંબઈની એપોલો હોસ્પિટલના દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. કેઈએમનો દર્દી વિલ્સન ડિસીઝ નામની દુર્લભ બીમારીથી પીડાતો હતો, જેનો એકમાત્ર ઈલાજ લીવર ટ્રાન્સપ્લાન્ટ છે. સમગ્ર સારવાર નેશનલ રેર ડિસીઝ ફંડ માંથી મફતમાં કરવામાં આવી હતી.

મુંબઈ, થાણે અને નવી મુંબઈ ટ્રાફિક પોલીસે અંગોની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. મહાવીર જૈન હોસ્પિટલથી ચાર અલગ અલગ હોસ્પિટલો સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો.

સમગ્ર પ્રક્રિયા દરમિયાન 40 ડોકટરોની ટીમે દિવસ-રાત કામ કર્યું. મહાવીર જૈન ટ્રસ્ટના ચેરમેન અજય આશરે કહ્યું, "યુવકના મૃત્યુ પછી પરિવાર સાથે અંગદાન અંગે ચર્ચા કરવી મુશ્કેલ હતું, પરંતુ તેમણે બતાવેલી હિંમતને અમે સલામ કરીએ છીએ."

આ દાતાના હૃદય, ફેફસાં, કિડની અને સ્વાદુપિંડ જેવા અંગોનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ થયું છે, અને હાડકાં અને આંખોનું દાન ભવિષ્યમાં ઘણાના જીવનમાં અજવાળું લાવશે.