6,400 રૂપિયામાં ડ્રગ્સની ચાર ટેબ્લેટ્સ વેચાઈ, પણ બાકીની ક્યાં ગઈ એનો જવાબ પોલીસ પાસે નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામના નેસ્કો સેન્ટરના હૉલમાં યોજાયેલા મ્યુઝિક કૉન્સર્ટમાં ડ્રગ્સની ટેબ્લેટ્સ લીધા પછી શરાબ પીવાને કારણે શહેરની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલના બે વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યાની ઘટનામાં પોલીસે વધુ એક શકમંદને તાબામાં લીધો હતો. પોલીસને શંકા છે કે આ જ વ્યક્તિએ વિદ્યાર્થીઓ સુધી ડ્રગ્સની ટેબ્લેટ્સ પહોંચાડી હતી. બીજી બાજુ 6,400 રૂપિયામાં માત્ર ચાર ટેબ્લેટ્સ વેચવામાં આવી હોવાનો દાવો એક વિદ્યાર્થીએ કર્યો હતો, પરંતુ બાકીની ટેબ્લેટ્સ ક્યાં ગઈ તેનો કોઈ જવાબ પોલીસ આપી શકી નહોતી.
કૉન્સર્ટમાં કથિત ડ્રગ્સના ઑવરડોઝને કારણે ત્રણ વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય લથડ્યું હતું, જેમાંથી સારવાર દરમિયાન એક વિદ્યાથી અને એક વિદ્યાર્થિનીએ જીવ ગુમાવ્યા હતા. એક વિદ્યાર્થિની દક્ષિણ મુંબની ખાનગી હૉસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટનામાં વનરાઈ પોલીસે ગુનો નોંધી આયોજકો અને કથિત ડ્રગ્સ સપ્લાય કરનારા કલ્યાણના બિલ્ડર સહિત છ જણની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં બે વિદ્યાર્થી રોનક ખંડેલવાલ અને પ્રતીક પાંડેનો પણ સમાવેશ થાય છે.
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં પોલીસે બુધવારે એક શકમંદને તાબામાં લીધો હતો. પોલીસ તપાસ અનુસાર ડિલિવરી ઍપ પરથી ડ્રગ્સની ટેબ્લેટ્સનો ઑર્ડર અપાયો હતો. કલ્યાણના આનંદ પટેલ દ્વારા સાત ટેબ્લેટ્સ પાંડેને મોકલવામાં આવી હતી. કહેવાય છે કે પાંડે સુધી ટેબ્લેટ્સ પહોંચાડનારા શખસને પોલીસે પૂછપરછ માટે તાબામાં લીધો હતો. આ ડ્રગ્સ સપ્લાયની ચેઈનમાં ભૂમિકા સ્પષ્ટ થશે તો એ શખસની ધરપકડ કરવામાં આવશે.
દરમિયાન આરોપીએ દાવો કર્યો હતો કે એક ટેબ્લેટ તેણે 1,600 રૂપિયામાં વેચી હતી. માત્ર ચાર ટેબ્લેટ્સ વિદ્યાર્થીઓને વેચવામાં આવી હતી. જોકે આરોપી પાસેની બાકીની ટેબ્લેટ્સ અંગે તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસનું કહેવું છે. કૉન્સર્ટમાં અન્ય કોઈએ ડ્રગ્સનું સેવન કર્યું હતું કે કેમ તે અંગે પોલીસ કોઈ સ્પષ્ટતા કરી શકી નહોતી.
પોલીસ તપાસમાં જણાયું હતું કે બિઝનેસ સ્કૂલનો વિદ્યાર્થી પ્રતીક પાંડે આનંદ પટેલના સંપર્કમાં હતો. તેણે અગાઉ પણ ડ્રગ્સ મગાવ્યું હતું કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.
દરમિયાન આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 12 જણનાં નિવેદન નોંધ્યાં હતાં. કૉન્સર્ટમાં એક જાણીતા સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સરની હાજરીની વાત સામે આવી રહી છે. પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.