Tue Jul 28 2026

Logo

રાતોરાત ચર્ચામાં આવી મોડલ રિયા: પોલીસ વેન રોકતા 3 હજારથી ફોલોઅર્સ 2.5 લાખ પાર, પણ હવે થઈ મુશ્કેલી!

mumbai   2026-07-28 16:53:48
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: ગયા અઠવાડિયે મુંબઈમાં યોજાયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ વેનની સામે ઊભી રહીને રસ્તો રોકતી તસવીર વાયરલ થયા બાદ મોડલ રિયા યાદવે ઓનલાઈન હેરાનગતિ અને ટ્રોલિંગ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, પરંતુ હવે સોશિયલ મીડિયા પર તેની ફેન-ફોલોઈંગમાં ધરખમ વધારો થયો છે. 

27 વર્ષીય રિયા યાદવે શનિવારે સાયબર સેલમાં ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ સોમવારે એમઆયડીસી પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે હજુ સુધી આ મામલે એફઆયઆર નોંધી નથી અને આ પ્રકરણે પ્રાથમિક તપાસ હાથ ધરાઈ  છે.

શિવાજી પાર્ક ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રે હૂડી પહેરીને પોલીસ વેનની સામે મક્કમતાથી ઊભેલી રિયાનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો હતો. આ ફોટો વિદ્યાર્થી આંદોલનની સૌથી વધુ ચર્ચામાં આવેલા ફોટોમાંથી એક હતો. ફોટો વાયરલ થયા બાદ રિયાને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલિંગ, ગાળો, ઓનલાઈન હેરાનગતિ અને ‘સ્લટ-શેમિંગ’નો સામનો કરવો પડ્યો હોવાનો આરોપ તેણે કર્યો છે.

રિયાએ આ મુદ્દે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ઓનલાઈન ટ્રોલિંગની તેના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ છે. તેણે કહ્યું, “છેલ્લા ચાર દિવસથી હું સતત તણાવમાં છું. હું યોગ્ય રીતે ઊંઘી શકતી નથી અને સંપૂર્ણપણે થાકી ગઈ છું. સતત હેરાનગતિ, ધમકાવવું, ગાળો અને સ્લટ-શેમિંગનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે આ બધું ઓનલાઈન છે, પરંતુ આગળ જઈને આ મામલો વધુ ગંભીર બની શકે છે. હું નથી ઈચ્છતી કે તેની અસર મારા માતા-પિતા કે પરિવારજનો પર પડે.”

આ પ્રકરણે માહિતી આપતા એમઆયડીસી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “હાલમાં આ પ્રકરણે કોઈ એફઆયઆર નોંધવામાં આવી નથી. રિયાના નિવેદન અને પ્રાથમિક તપાસમાં સામે આવતી વિગતોના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.” 

રિયાએ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. હવે પોલીસની પ્રાથમિક તપાસ બાદ આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર લોકોની નજર છે.

રાતોરાત ફેમસ થઈ ગઈ રિયા આહિરે 
પોલીસની વેનને રોક્યા પહેલા રિયા આહિરેના સોશિયલ મીડિયા પર 3000 ફોલોઅર્સ હતા, પણ આ ફોટો વાયરલ થાય બાદ અનેક લોકોએ તેની હિંમતને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓનો સાથ આપવા બદલ તેણે ખૂબ પ્રસંશા પણ મળી હતી. અને તેના ફોલોઅર્સની સંખ્યા જોતજોતામાં અઢી લાખને પાર કરી ગઈ હતી.