સોશિયલ મીડિયા પરથી માહિતી મેળવી પોલીસ આરોપી સુધી પહોંચી: પોલીસ ખબરીની શંકા પરથી લોખંડના સળિયા અને પાઈપથી ફટકારી ટોળકીએ યુવાનના ભાઈ સહિત બે જણના હાથ-પગનાં હાડકાં પણ તોડ્યાં હતાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પોલીસનો ખબરી હોવાની શંકા પરથી ભંગારની દુકાનમાં બંધક બનાવી અમાનુષી હુમલો કરીને યુવાનની કરપીણ હત્યા કરવાના કેસમાં ફરાર આરોપી નવ વર્ષે ગોવામાં પકડાયો હતો. આરોપીએ તેના સાથીઓ સાથે લોખંડના સળિયા અને પાઈપ ફટકારી યુવાનના ભાઈ સહિત બે જણના હાથ-પગનાં હાડકાં પણ તોડી નાખ્યાં હતાં. સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મેળવી પોલીસ આરોપી સુધી પહોંચી હતી.
એમઆઈડીસી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મેહતાબ આલમ અઝિમતુલ્લા ખાન (46) તરીકે થઈ હતી. 2017માં બનેલા આ ગુનામાં પોલીસે અગાઉ છ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ વિરુદ્ધ દિંડોશી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરાઈ હતી. તે સમયે આરોપી મેહતાબ ખાન ફરાર થઈ ગયો હતો. પોલીસે શોધ ચલાવ્યા છતાં તે હાથ લાગ્યો નહોતો. આખરે પોલીસે તેને ફરાર જાહેર કર્યો હતો.
કહેવાય છે કે સાંતાક્રુઝમાં રહેતા વસીઉલ્લા મોહસીન શેખે (41) મેહતાબના સાથી સોહરાબ અંગેની માહિતી પોલીસને પૂરી પાડી હોવાની શંકા આરોપીઓને હતી. શંકાને પગલે આરોપીઓએ વસીઉલ્લાને તેના પરિચિત ચિન્કા નામના યુવાન પાસેથી ફોન કરાવ્યો હતો અને મળવાને બહાને અંધેરી પૂર્વમાં એમઆઈડીસી ખાતેના સુભાષનગરમાં બોલાવ્યો હતો.
વસીઉલ્લા તેના ભાઈ અબ્દુલ શેખ (35) અને સગા સમશુદ્દીન શેખ (32) સાથે ત્રીજી ફેબુ્રઆરી, 2017ની સવારે સુભાષનગર પહોંચ્યો ત્યારે તેમને વાતોમાં ફોસલાવી એક ભંગારની દુકાનમાં લઈ જવાયા હતા. દુકાનમાં બંધક બનાવી ત્રણેયને લોખંડના સળિયા અને પાઈપથી બેરહેમીથી ફટકારવામાં આવ્યા હતા. આ હુમલામાં વસીઉલ્લાનું મોત નીપજ્યું હતું, જ્યારે અબ્દુલ અને સમશુદ્દીનના હાથ-પગનાં હાડકાં તૂટી જતાં બન્ને ગંભીર રીતે ઘવાયા હતા. આ પ્રકરણે એમઆઈડીસી પોલીસે ગુનો નોંધ્યો હતો.
ગુનો નોંધાતાં જ સ્ક્રેપનું કામકાજ કરતો મેહતાબ ફરાર થઈ ગયો હતો અને છેલ્લાં નવ વર્ષથી અલગ અલગ રાજ્યોમાં રહેઠાણ બદલતો હતો. પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી મેહતાબના સંપર્કમાં રહેલા તેના મિત્રો અને સગાંની માહિતી મેળવી હતી. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ઈન્ડિયા માર્ટ પોલીસને મદદરૂપ થયા હોવાનું કહી શકાય, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
મિત્રો અને સગાંની પૂછપરછ પરથી પોલીસ ગોવા પહોંચી હતી. ગોવાના વાસ્કો ખાતે સ્ક્રેપ લેવા મેહતાબ આવવાનો હોવાની માહિતી પરથી લોકલ પોલીસની મદદથી એમઆઈડીસી પોલીસની ટીમે છટકું ગોઠવી તેને પકડી પાડ્યો હતો.