Mon May 04 2026

Logo

મુંબઈ મેટ્રો લાઈન-છનું ૮૮ ટકાથી વધુ કામ પૂર્ણ

2026-05-03 22:41:54
Author: સપના દેસાઈ
Article Image

સ્પૅન બેસાડવાનું ત્રણ કલાકનું કામ માત્ર દોઢ કલાકમાં પાર પડ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મેટ્રો લાઈન-છમાં વધુ એક મહત્ત્વનો તબક્કો પાર કરવામાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની સફળતા મળી છે, જેમાં જોગેશ્ર્વરીમાં પશ્ર્ચિમ રેલવે માર્ગ પર બીજા સ્ટીસ કૉમ્પોઝિટ ગર્ડર સ્પૅન સફળતાપૂર્વક બેસાડવામાં આવ્યો છે.ટેક્નિકલી અત્યંત પડકારજનક ગણાતા આ કામની સાથે અત્યાર સુધી મેટ્રો લાઈન-છનું કુલ કામ ૮૮ ટકાથી વધુ પૂર્ણ થયું હોવાનું એમએમઆરડીએ જણાવ્યું હતું. નવા સ્પૅનની લંબાઈ ૩૧.૧૬ મીટરની હોઈ તેનું વજન ૯૦ મેટ્રિક ટન છે.

આ મહત્ત્વના કામમાં રેલવે સ્પૅનના કામ માટે પશ્ર્ચિમ રેલવે દ્વારા ૩ કલાક ૧૦ મિનિટનો ટ્રાફિક બ્લોક આપવામાં આવ્યો હતો પણ એમએમઆરડીએ આ કામ ફક્ત એક કલાક ૩૫ મિનિટમાં પૂરું કરીને ઉત્તમ કાર્યક્ષમતાનું ઉદાહરણ આપ્યું હતું.રેલવેના બ્લોક દરમ્યાન ઓવરહેડ ઈક્વિપમેન્ટ બંધ કરવું, વાયર નીચે લેવા, ક્રેનને ઊભી કરવી,  ભારે વજનના સ્પૅનના ઉપાડવા અને અચૂક રીતે તેને બેસાડવા, સ્ટ્રક્ટચરલ ફ્કિસિંગ અને રેલવે વ્યવસ્થા ફરી શરૂ કરવી જેવા અનેક ટેક્નિકલ કામનો સમાવેશ થાય છે. આ તમામ કામ અત્યંત મર્યાદિત સમયમાં અને અચૂક સમન્વય સાધીને પૂર્ણ કરવામાં આવ્યું હતું.


આ કામ માટે ૫૦૦ ટન અને ૬૦૦ ટન ક્ષમતાની હાઈડ્રોલિક ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને કારણે રેલવે લાઈન પર સ્પૅન અચૂક રીતે ઊભો કરવો શક્ય બન્યો હતો. આ સંપૂર્ણ પ્રક્રિયા માટે એમએમઆરડીએ, કૉન્ટ્રેક્ટર અને પશ્ર્ચિમ રેલવેને સમન્ય સાધ્યું હતું.રેલવે લાઈન પર સળંગ બે સ્ટીલ સ્પૅન સફળતાપૂર્વક ઊભા કર્યા બાદ મેટ્રો લાઈન-છના તમામ મહત્ત્વના એન્જિનિયરિંગ પડકારોમાંથી એક તબક્કો પૂર્ણ કરવામાં એમએમઆરડીએને સફળતા મળી છે.


આ રૂટ શરૂ થયા બાદ સ્વામી સમર્થ નગર (અંધેરી લોખંડવાલા)થી વિક્રોલી દરમ્યાન દોડનારી મેટ્રો લાઈન-છ મુંબઈના પૂર્વ-પશ્ર્ચિમ ઉપનગરને જોડશે. નાગરિકો માટે વધુ ઝડપી સાર્વજનિક વાહનવ્યહાર પર્યાય ઉપલબ્ધ થશે.