(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના કુર્લામાં બુધવારે મળસ્કે ભેખડ ધસી પડવાની દુર્ઘટનાનો મૃત્યુ આંક આઠ થઈ ગયો છે ત્યારે છેલ્લાં ૩૫ વર્ષમાં એટલે કે ૧૯૯૩થી ૨૦૨૬ સુધીના સમયગાળામાં મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં ભેખડ ધસી પડવાથી ૩૪૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. તો ૩૦૦થી વધુ લોકો જખમી થયા હોવાનું રાઈટ ટુ ઈર્ન્ફોમેશન ઍક્ટમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
મુંબઈમાં ફક્ત જોખમી અને જર્જરિત ઈમારતો અને ચાલીમાં જ લોકો રહે છે એવું નથી. મુંબઈના અનેક વિસ્તારોમાં આવેલા ડુંગરાળ વિસ્તારમાં ઊભી થઈ ગયેલી ઝૂંપડપટ્ટીમાં પણ હજારો લોકો જીવના જોખમે રહેતા આવ્યા છે. ખાસ કરીને ઘાટકોપર, કુર્લા, ભાંડુપ, વિક્રોલી સહિતના વિસ્તારમાં ડુંગરાળ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઝૂંપડપટ્ટીઓ આવેલી છે, જેમાં લોકો જીવના જોખમે રહેતા આવ્યા છે.
ચોમાસા પહેલાં મહાનગરપાલિકા, મ્હાડા, સ્લમ રિહેબિટેશન ઓથોરિટી જેવી જુદી જુદી સરકારી ઍજન્સીઓ દ્વારા મુંબઈની જોખમી ઈમારતો અને ડુંગરાળ વિસ્તારમાં આવેલાં ઘરોનું ઈન્સ્પેકશન કરે છે અને ઈન્સ્પેકશન દરમ્યાન જોખમી ઇમારતોની સાથે જ ડુંગરાળ વિસ્તારમાં ભેખડ ધસી પડવાની શકયતા હોય તેવા વિસ્તારમાં રહેવાસીઓને જગ્યા ખાલી કરીને સુરક્ષિત સ્થળે જવાની સૂચના આપવામાં આવે છે પણ તેનું પાલન નાગરિકો દ્વારા કરવામાં આવતું નથી અને ચોમાસામાં ભેખડ ધસી પડવાનું જોખમ કાયમ રહેતું હોય છે.
મુંબઈમાં ૩૬માંથી ૨૫ મતદાર સંઘમાં લગભગ ૨૫૭ ઠેકાણે ડુંગરાળ વિસ્તારમાં વસતીઓને જોખમી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, તેમાંથી ૨૨,૪૮૩ ઝૂંપડાઓમાંથી ૯,૬૫૭ ઝૂંપડાઓના રહેવાસીઓને અન્યત્ર સ્થળાંતર કરવાની ભલામણ મ્હાડાના મુંબઈ ઝૂંપડપટ્ટી સુધાર મંડળે રાજ્ય સરકારને કરી હતી. બાકીના ઝૂપડાંઓને સુરક્ષા માટે ટેકરીને સીમાને લાગીને સુરક્ષા ભીંત ઊભી કરવાની સૂચના કરવામાં આવી હતી. જોકે આ સૂચનાનો અમલ હજી કરવામાં આવ્યો નથી.
મુંબઈ ઝૂંપડપટ્ટી સુધાર મંડળે ૨૦૧૦ની સાલમાં કરેલા સર્વેક્ષણ અનુસાર તાત્કાલિક ઉપાયયોજના અમલમાં આવી હોત તો આવી અનેક દુર્ઘટના ટાળી શકાઈ હોત એવો દાવો ડુંગરાળ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીઓના રહેવાસીઓએ કર્યો છે. તત્કાલીન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે આ સંદર્ભમાં એક્શન પ્લાન તૈયાર કરવાનો આદેશ પણ આપ્યો હતો પણ તેને હજી સુધી અમલમાં મૂકવામાં આવ્યું નથી.
ઘાટકોપરમાં અત્યાર સુધી અનેક વખત ભેખડ ધસી પડવાની દુર્ઘટના બની છે, જેમાં ૧૨ જુલાઈ ૨૦૦૨ની સાલમાં મુશળધાર વરસાદને કારણે ડુંગરનો ભાગ તૂટીને ત્યાં રહેલી ઝૂંપડપટ્ટી પર પડયો હતો, જેમાં ૭૮ લોકોનાં મૃત્યુ તો સાત લોકો ગંભીર રીતે જખમી થયા હતા. મૃતકોમાં ૨૭ પુરુષ, ૧૫ મહિલા અને ૧૫ બાળકો હતાં. એ બાદ પાંચ જુલાઈ ૨૦૨૨માં પંચશીલ નગરમાં મુશળધાર વરસાદને કારણે ભેખડ ધસી પડવાથી એક ઘરને નુકસાન થયું હતું પણ કોઈ જીવહાનિ થઈ નહોતી. ૧૨ એપ્રિલ, ૨૦૨૪માં ઘાટકોપર (પશ્ર્ચિમ)માં હિમાલય સોસાયટીમાં વાલ્મીકનગર પરિસરમાં ભેખડ ધસી પડી હતી. તેથી પાલિકાએ ત્યાં રહેલા ૧૦થી ૧૨ ઝૂંપડાં તરત ખાલી કરાવતા મોટી દુર્ઘટના ટળી હતી.