મુંબઈ: થાણે અને નાશિક જિલ્લામાં આવેલા જળાશયોના કેચમેન્ટ એરિયામાં પડેલા ભારે વરસાદને પગલે મુંબઈને પાણી પુરવઠા કરનારા સાત તળાવોમાં આંશિક વધારો નોંધાયો છે. જળાશયોમાં સરેરાશ ૧.૭૨ મીટરનો વધારો એટલે કે બુધવારે સવારના પૂરા થયેલા ૨૪ કલાકમાં ૬,૨૦૫ મિલ્યન લિટર જેટલો વધારો નોંધાયો છે, જે હાલ ૧૦ ટકા પાણીકાપનો સામનો કરી રહેલા મુંબઈગરા માટે થોડી રાહત આપનારો છે.
બુધવારે સવારના સાતેય જળાશયોના પાણીમાં સ્ટોકમાં નજીવો વધારો નોંધાયો હતો, જે સમગ્ર પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે થયો હતો. સતત વરસાદને કારણે કૃત્રિમ પવઈ તળાવ વહેલી સવારે છલકાયું હતું. જોકે તેનું પાણી પીવા માટે નહીં પણ ઔદ્યોગિક વપરાશ માટે થાય છે. મુંબઈ પીવાલાયક પાણી પુરવઠો સાત મુખ્ય તળાવો તુલસી, તાનસા, વિહાર મોડક સાગર, ભાતસા, અપર વૈતરણા અને મિડલ વૈતરણામાંથી થાય છે.
આ તમામ જળાશયોમાં પહેલી ઓક્ટોબરે ૧૪.૪૭ લાખ મિલિયન લિટર પાણી હોય તો આખું વર્ષ મુંબઈગરા પાણીકાપથી મુક્ત રહી શકે છે. આ વર્ષે જોકે ચોમાસું લંબાઈ જતા વરસાદના અભાવને કારણે તળાવોનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી જતા પાલિકાનેે શહેરમાં ૧૦ ટકા પાણી કાપ લાગુ કરવાની ફરજ પડી હતી. એ સાથે સાથે કમર્શિયલ અને સ્પોર્ટસ કૉમ્પ્લેક્સમાં ૨૦ ટકા કામ મૂકવાની ફરજ પડી હતી.
મુંબઈમાં મોડે મોડે પણ ચોમાસાની એન્ટ્રી થઈ હતી પણ કેચમેન્ટ એરિયામાં નહીંવત વરસાદને પગલે જળાશયો સ્તર એકદમ નીચે આવી ગયા હતા. મંગળવાર સવાર સુધીમાં કુલ ક્ષમતાના ૬.૭૫ ટકા સુધી ઘટી ગયો હતો. જોકે મંગળવારથી સતત વરસી રહેલા વરસાદને પગલે બુધવારે સવાર સુધીમાં તેમાં નજીવો સુધારો થયો હતો, જે ૭.૧૮ ટકા અથવા ૧.૦૩ લાખ મિલ્યન લિટર હતો.
પાલિકાના ડેટા મુજબ મંગળવારે સવારે છ વાગ્યાથી બુધવારે સવારે છ વાગ્યા સુધી કેચમેન્ટ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો હતો, જેમાં તુલસી તળાવમાં ૨૦૦ મિલીમીટર, મોડક સાગરમાં ૧૯૩ મિ.મી., તાનસામાં ૧૮૦ મિ.મી., ભાતસામાં ૧૨૦ મિ.મી., વિહારમાં ૮૩ મિ.મી., મિડલ વૈતરણાાં ૫૯ મિ.મી. અને અપર વૈતરણામાં ૧૧ મિ.મી. જેટલો વરસાદ પડ્યો હતો.