જૂહુમાં 45 લાખ રૂપિયા સ્વીકારનારી મહિલા પોલીસ જાળમાં સપડાઈ: દિલ્હીના એડ્વોકેટની પણ ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઍરપોર્ટ નજીકની ફાઈવ સ્ટાર હોટેલમાં દુષ્કર્મના આરોપસર ધરપકડ કરાયેલા આઈટી કંપનીના માલિક એવા અમદાવાદના ગુજરાતી બિઝનેસમૅનના કેસમાં આંચકાજનક વળાંક આવ્યો હતો. રૅપ કેસ પાછો ખેંચવા ફરિયાદી મહિલાએ ચાર કરોડ રૂપિયાની કથિત ખંડણી માગી હોવાના આક્ષેપ સાથે પોલીસની મદદ લેવાઈ હતી. જૂહુ વિસ્તારમાં 45 લાખ રૂપિયા સ્વીકારનારી મહિલા પોલીસ જાળમાં સપડાયા પછી દિલ્હીના એક એડ્વોકેટની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાતમાં રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતા હેત પટેલની ફરિયાદને આધારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ખંડણી વિરોધી શાખાએ શુક્રવારે કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસ બાદ આરોપી મહિલા નિવેદિતા શર્મા (31)ની ધરપકડ કરી હતી. નિવેદિતા સાથે જૂહુમાં હાજર નવી દિલ્હીના વકીલની પણ આ ગુનામાં કથિત સંડોવણી સામે આવી હતી. પરિણામે પોલીસે તેની પણ ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર દિલ્હીની બિઝનેસ ક્ધસલ્ટન્ટ હોવાનો દાવો કરનારી મહિલા ફરિયાદીના બનેવી એવા અમદાવાદના બિઝનેસમૅન નિલય પટેલથી પરિચિત હતી. બિઝનેસમૅનની આઈટી કંપની છે, જેની મુખ્ય ઑફિસ પુણેમાં આવેલી છે.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે બિઝનેસમૅન અને આરોપી મહિલા કામ નિમિત્તે અલગ અલગ શહેરમાં જતાં હોય છે. સારી ઓળખાણ હોવાથી બિઝનેસમૅને અગાઉ મહિલાને આર્થિક મદદ કરી હતી. મહિલાને પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઇચ્છા હોવાથી આ માટે તેણે બિઝનેસમૅન પાસેથી ચારથી પાંચ કરોડ રૂપિયાની માગણી કરી હતી.આ મુદ્દે બન્ને વચ્ચે રકઝક પણ થઈ હતી.
જુલાઈના છેલ્લા અઠવાડિયામાં મહિલાએ મુંબઈના ઍરપોર્ટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ઍરપોર્ટ નજીકની હોટેલમાં કામ નિમિત્તે મળ્યા પછી બિઝનેસમૅને કથિત કુકર્મ કર્યું હોવાનો આરોપ ફરિયાદમાં કરાયો હતો. આ પ્રકરણે પોલીસે બિઝનેસમૅનની ધરપકડ પણ કરી હતી.
મહિલાનું વર્તન શંકાસ્પદ અને ફરિયાદ ખોટી હોવાની શક્યતાને પગલે ફરિયાદીએ તેમના એક પરિચિતને આ અંગે સાચી માહિતી મેળવવા મહિલાનો સંપર્ક કરવા કહ્યું હતું. પરિચિતે મહિલાનો સંપર્ક સાધતાં શરૂઆતમાં તેણે ગોળ ગોળ વાતો કરી હતી. પછી કેસ પાછો ખેંચવાની તૈયારી દાખવી મહિલાએ ચાર કરોડ રૂપિયાની માગણી કરી હતી.
રૂપિયા ન મળે તો બિઝનેસમૅનને જેલમાં સડાવવાની અને જાનનું જોખમ હોવાની ગર્ભિત ધમકી પણ ઉચ્ચારી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
ફરિયાદ અનુસાર ચર્ચા પછી મહિલાએ બે કરોડ અને તેના સાથીઓએ વધુ 50 લાખ માગ્યા હતા. અઢી કરોડની ખંડણી સામે ટોકન તરીકે પાંચ લાખ રૂપિયા બીકેસીમાં એક શખસે સ્વીકાર્યા હતા. બાદમાં 45 લાખ રૂપિયા લઈને ફરિયાદીને જૂહુમાં એક હોટેલ નજીક બોલાવાયો હતો. મહિલાનાઇરાદા જાણી ગયેલા પરિચિતે બધી વાતચીત મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી અને પોલીસની મદદ માગી હતી.
કહેવાય છે કે પોલીસે છટકું ગોઠવી નાણાં સ્વીકાર્યા બાદ મહિલાને તાબામાં લીધી હતી. તેની પ્રાથમિક પૂછપરછ પછી નવી દિલ્હીમાં વકીલ હોવાનો દાવો કરતા યુવાનને પણ કસ્ટડીમાં લેવાયો હતો.