મુંબઈ: ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના કમિશનર તુકારામ મુંઢે દ્વારા શહેરભરના હોટલ અને રેસ્ટોરા સામે શરૂ કરાયેલી કડક કાર્યવાહીએ ખાણી-પીણીના વ્યવસાયમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. લાઇસન્સ સસ્પેન્ડ થતાં અનેક રેસ્ટોરન્ટ માલિકો હવે 15 દિવસમાં ખામીઓ દૂર કરીને અપીલ દાખલ કરવાની દોડમાં લાગ્યા છે. ઘણા સ્થળોએ રિનોવેશનનું કામ યુદ્ધના સ્તરે ચાલી રહ્યું છે, જ્યારે કેટલાક વ્યવસાયોએ કામદારોને તેમના ગામે પરત મોકલવા પડ્યા છે.
રાજ્યભરમાં અત્યાર સુધીમાં લાઇસન્સ ફરી બહાલ કરવા માટે લગભગ 82 અપીલો કરવામાં આવી છે, જેમાંથી લગભગ અડધી અપીલો એફડીએને માત્ર મુંબઈમાંથી મળી છે. એફડીએના સહાયક કમિશનર (ફૂડ) સંતોષ કાંબળેએ જણાવ્યું કે દસ્તાવેજો મળ્યા બાદ ટીમ સ્થળ પર ફરી તપાસ કરે છે. જો તમામ નિયમોનું પાલન થયું ન હોય તો બાકી રહેલી ખામીઓ દૂર કરવા માટે વધુ સમય આપવામાં આવે છે.
મરીન લાઇન્સનું પ્રખ્યાત પારસી ડેરી ફાર્મ ફૂગવાળી દીવાલો, કાચામાલનો અયોગ્ય સંગ્રહ અને જીવાતોની સમસ્યા જેવી ખામીઓ દૂર કર્યા બાદ ફરી શરૂ થયું છે. માહિમની બ્રિસ્ટલ બેકરીએ પણ ટાઇલ્સ બદલવા, પેસ્ટ કન્ટ્રોલ સહિતના સુધારાઓ કર્યા બાદ કામગીરી શરૂ કરી છે. બીજી તરફ ભીંડી બજારની શાલીમાર અને નૂર મોહમ્મદી જેવી જાણીતી રેસ્ટોરોમાં હજુ પણ વ્યાપક સુધારાકામ ચાલુ હોવાથી તે બંધ છે તેમ જ રુસ્તમ આઇસ્ક્રીમ પણ હાજી શરુ થયો નથી
રેસ્ટોરાં સંચાલકોનું કહેવું છે કે FDAની કાર્યવાહી યોગ્ય છે, પરંતુ પૂર્વ સૂચના આપવામાં આવી હોત તો વધુ સરળતાથી સુધારા કરી શકાતા. જોકે, કમિશનર તુકારામ મુંઢેએ સ્પષ્ટ કર્યું કે હોટેલ અને રેસ્ટોરા એસોસિયેશન સાથે અગાઉ બેઠક કરીને તમામ માર્ગદર્શિકા સમજાવવામાં આવી હતી અને 2011થી અમલમાં રહેલા ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન દરેક માટે ફરજિયાત છે.
તુકારામ મુંઢેએ FDAના કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ સમગ્ર મુંબઈમાં ખાદ્ય સુરક્ષાને લઈને અભિયાન વધુ આક્રમક બનાવ્યું છે. શહેરની જાણીતી હોટલો, બેકરી, મીઠાઈની દુકાનો અને રેસ્ટોરામાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગંદકી, જીવાતોનો ઉપદ્રવ, બિનસ્વચ્છ રસોડાં, સમયમર્યાદા પૂરી થયેલી ખાદ્ય સામગ્રી અને ફૂડ સેફ્ટીના નિયમોના ભંગ બદલ અનેક સંસ્થાઓના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. FDA સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે કે હવે કોઈ પણ પ્રતિષ્ઠિત બ્રાન્ડને નિયમોના ભંગ બદલ રાહત આપવામાં આવશે નહીં અને દરેકને સમાન ધોરણે કાયદાનું પાલન કરવું પડશે.
મુંઢેની ઝીરો ટોલરન્સ નીતિના કારણે હવે રેસ્ટોરાના સંચાલકોમાં પણ નિયમોનું પાલન કરવાની હોડ લાગી છે. અનેક સંચાલકોએ રસોડાંનું આધુનિકીકરણ, પેસ્ટ કન્ટ્રોલ, સ્વચ્છતા અને સ્ટાફને ફૂડ સેફ્ટીની તાલીમ આપવાનું શરૂ કર્યું છે.
શહેરના હોટેલ ઉદ્યોગમાં હવે સ્પષ્ટ સંદેશ પહોંચ્યો છે કે નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો કાર્યવાહી અનિવાર્ય છે, જેના કારણે મોટા ભાગના સંચાલકો FDAની આગામી તપાસ પહેલાં તમામ ખામીઓ દૂર કરવામાં વ્યસ્ત છે.
આ કડક અભિયાનનો સૌથી મોટો લાભ હવે સામાન્ય મુંબઈકરોને મળવાની આશા છે. લાંબા સમયથી ભેળસેળયુક્ત અથવા અસ્વચ્છ ખોરાક અંગે ઉઠતા પ્રશ્નો વચ્ચે FDAની સતત કાર્યવાહીથી ગ્રાહકોમાં વિશ્વાસ વધ્યો છે.
જો આ જ રીતે નિયમિત તપાસ અને કડક અમલ ચાલુ રહેશે તો મુંબઈગરાઓને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ભોજન મળી શકશે. જોકે રેસ્ટોરન્ટ સંચાલકોમાં કાર્યવાહીનો ભય સ્પષ્ટ જોવા મળી રહ્યો છે, ત્યારે ગ્રાહકો માટે આ કડક વલણ આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાની દૃષ્ટિએ સકારાત્મક પરિવર્તન માનવામાં આવી રહ્યું છે.