Mon Jun 08 2026

Logo

કોઈ પણ સ્થળે નમાઝ પઢવી એ ધાર્મિક અધિકાર નથી: હાઈ કોર્ટ

2026-03-05 21:43:41
Author: Mumbai Samachar Team
Article Image

'સુરક્ષા'ના કારણોસર મુંબઈ એરપોર્ટ નજીક નમાઝ પઢવાની મનાઈ ફરમાવી

મુંબઈઃ રમઝાન દરમિયાન શહેરના એરપોર્ટ નજીક હાલમાં તોડી પાડવામાં આવેલા કામચલાઉ શેડના સ્થળે નમાઝ પઢવા માંગતા ટેક્સી અને ઓટો-રિક્ષા ચાલકોને કોઈ પણ રાહત આપવાનો ઇનકાર કરતા બોમ્બે હાઈ કોર્ટે આજે જણાવ્યું હતું કે સુરક્ષા ધર્મ કરતાં વધુ મહત્વની છે.

ન્યાયાધીશ બી પી કોલાબાવાલા અને ફિરદોશ પૂનીવાલાની બેન્ચે નોંધ્યું હતું કે રમઝાન ઇસ્લામમાં પવિત્ર મહિનો હોવા છતાં, તેના અનુયાયીઓ આ દરમિયાન કોઈપણ જગ્યાએ, ખાસ કરીને સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એરપોર્ટની નજીક નમાઝ (પ્રાર્થના) અદા કરવાનો ધાર્મિક અધિકાર હોવાનો દાવો કરી શકે નહીં.

કોર્ટ ટેક્સી-રિક્ષા ઓલા-ઉબેર મેન્સ યુનિયન દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકમાં એક કામચલાઉ શેડ, જ્યાં તેઓ પ્રાર્થના કરતા હતા, ગયા વર્ષે અધિકારીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. 

અરજીમાં માંગ કરવામાં આવી હતી કે તેમને તે જ જગ્યાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે અથવા તે જ વિસ્તારમાં બીજી જગ્યા ફાળવવામાં આવે જ્યાં તેઓ નમાઝ પઢી શકે.

ગયા અઠવાડિયે કોર્ટે પોલીસ અને એરપોર્ટ સત્તાવાળાઓને અરજદારોને બીજી કોઈ જગ્યા ફાળવી શકાય કે કેમ તે અંગે વિચારણા કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગુરુવારે, અધિકારીઓએ એક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભીડ, સુરક્ષા અને એરપોર્ટ વિકાસ યોજનાની મર્યાદાઓને કારણે અરજદારોને નમાઝ અદા કરવા માટે ફાળવવા માટે કોઈ યોગ્ય જગ્યા આ વિસ્તારમાં મળી નથી.

રિપોર્ટનો અભ્યાસ કર્યા પછી, કોર્ટે કહ્યું કે અરજદારોએ બીજી કોઈ જગ્યા શોધવી પડશે અને નોંધ્યું કે સ્થળથી 1 કિલોમીટરની અંદર એક મદરેસા (ઇસ્લામિક શાળા) છે જ્યાં તેઓ નમાઝ પઢી શકે છે. હાઇ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે સલામતીના મુદ્દાઓ સંકળાયેલા હોવાથી અરજદારો એરપોર્ટની નજીક પ્રાર્થના કરી શકે નહીં.
(પીટીઆઈ)