(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘરેલું વિવાદમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ચાકુથી પોતાનું ગળું ચીરી આત્મહત્યા કરી હોવાની ઘટના આગ્રીપાડા વિસ્તારમાં બની હતી. પોલીસે આ પ્રકરણે મૃત પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આગ્રીપાડા પોલીસ સ્ટેશનની હદમાં કાલાપાની ચોકી નજીક શુક્રવારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. મૃતકોની ઓળખ મોહંમદ એહસાન શેખ (19) અને તેની પત્ની જન્નત એહસાન શેખ (19) તરીકે થઇ હતી. દંપતી મજૂરીકામ કરતું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વહેલી સવારે એહસાન અને તેની પત્ની વચ્ચે ઘરેલું બાબતોને લઇ ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતાં એહસાન રસોડામાં ગયો હતો અને ત્યાંથી ચાકુ લાવીને તેણે જન્નતનું ગળું ચીર્યું હતું અને બાદમાં એ જ ચાકુથી પોતાનું ગળું ચીરી નાખ્યું હતું. બંનેને તાત્કાલિક સારવાર માટે નાયર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં, જ્યાં ડોક્ટરોએ જન્નતને તપાસીને મૃત જાહેર કરી હતી. એહસાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
દરમિયાન બનાવની જાણ થયા બાદ આગ્રીપાડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ આદરી હતી. એહસાન અને જન્નતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા બાદ પોલીસે એહસાન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.