Tue Sep 15 2026

Logo

‘મોહમ્મદ યુનુસે મારી સામે કાવતરું ઘડ્યું હતું?’ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ લગાવ્યા ગંભીર આરોપ

Dhaka   2026-02-23 18:47:00
Author: Savan Zalariya
‘મોહમ્મદ યુનુસે મારી સામે કાવતરું ઘડ્યું હતું?’ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ લગાવ્યા ગંભીર આરોપ

ઢાકા: બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી(BNP)ના વિજય બાદ તારિક રહેમાને વડાપ્રધાન પદ સંભાળ્યું છે, તેમણે કાર્યભાર સંભાળ્યાના થોડા દિવસોમાં જ દેશના રાજકારણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને ભૂતપૂર્વ મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને  આરોપ લગાવ્યો કે યુનુસ તેમને પદ પરથી ગેરકાયદે રીતે દૂર કરવા માટે કાવતરું ઘડી રહ્યા હતાં. બાંગ્લાદેશના એક અખબાર સાથે એક ઈન્ટરવ્યું દરમિયાન શહાબુદ્દીને દાવો કર્યો કે યુનુસના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશને અસ્થિર કરવા અને દેશમાં બંધારણીય શૂન્યાવકાશ ઉભો કરવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ સામે કાવતરા!

મોહમ્મદ શહાબુદ્દીને કહ્યું, "છેલ્લા દોઢ વર્ષ દરમિયાન મારી સામે કાવતરાં ઘડવામાં આવ્યા હતાં, દેશની શાંતિ અને વ્યવસ્થાને કાયમી ધોરણે નષ્ટ કરવા અને દેશમાં બંધારણીય શૂન્યાવકાશ ઉભો કરવા પ્રયાસો કરવામાં આવ્યા હતાં." 

રાષ્ટ્રપતિને કેદ કરવામાં આવ્યા!

મોહમ્મદ શહાબુદ્દીને યુનુસ પર એવો પણ આરોપ લગાવ્યો કે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન યુનુસે તેમની સાથે બંધારણ મુજબ જરૂરી સંદેશાવ્યવહાર કર્યો ન હતો. યુનુસ તેમને વિદેશ મુલાકાતો વિશે કે દેશના મહત્વના મુદ્દાઓ વિશે કોઈ માહિતી આપતા ન હતાં. તાજેતરમાં બાંગ્લાદેશ અને યુએસ વચ્ચે થયેલા વેપાર કરાર વિશે પણ તેમને જાણ કરવામાં આવી ન હતી. 


શહાબુદ્દીને એવો પણ આરોપ લગાવ્યો કે છેલ્લા દોઢ વર્ષમાં તેમને તેમના નિવાસ સ્થાને કેદી બનાવીને રાખવામાં આવ્યા હતાં. યુનુસ વહીવટીતંત્રએ રાષ્ટ્રપતિનો કોસોવો અને કતારનો પ્રવાસ રોકવામાં આવ્યો હતો.