વડોદરાની ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી એકવાર વિવાદમાં આવી છે. આર્ટસ ફેકલ્ટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી અશ્લિલ હરકત અને કિસિંગ સીનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શૈક્ષણિક જગતમાં તેને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હાલમાં આર્ટસ ફેકલ્ટીમાં પરીક્ષાઓ ચાલી રહી છે, તેવામાં જ આ શરમજનક ઘટના સામે આવતાં યુનિવર્સિટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે અને વાયરલ વીડિયોમાં દેખાતા 31 નંબરના રૂમને તાળાં મારીને બંધ કરી દેવામાં આવ્યો છે.
બીજી તરફ આર્ટસ ફેકલ્ટીમાં આવતા-જતા તમામ વિદ્યાર્થીઓના આઈડી કાર્ડ (ID Card) નું સઘન વેરિફિકેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આઈકાર્ડ વગર કોઈ પણ વ્યક્તિને ફેકલ્ટી પરિસરમાં પ્રવેશવા દેવામાં નથી આવી રહ્યા.
વિદ્યાર્થીનીએ સોશિયલ મીડિયા પર માંગી માફી
વડોદરાની MSUના આર્ટ્સ ફેકલ્ટીના ક્લાસરૂમમાં જાહેરમાં કિસિંગ અને રોમાન્સ કરતો વીડિયો વાયરલ થયા બાદ હવે તેમાં સંડોવાયેલી વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર માફી માંગતો વીડિયો શેર કર્યો છે. બીજી તરફ આ મામલાની ગંભીરતાને જોતાં રચાયેલી તપાસ કમિટી સમક્ષ વિદ્યાર્થિની હાજર થઈ હતી અને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.
'આઈ એમ સોરી ફોર માય એક્શન્સ'
વીડિયો વાયરલ થયા બાદ ચારેબાજુથી ફિટકાર વરસતાં આખરે સંડોવાયેલા કપલ પૈકીની વિદ્યાર્થિની સામે આવી છે. તેણે સોશિયલ મીડિયા પર એક માફીનામાનો વીડિયો જાહેર કર્યો છે, જેમાં તે પોતાની હરકત બદલ દિલગીરી વ્યક્ત કરતાં 'આઈ એમ સોરી ફોર માય એક્શન્સ' કહેતી નજરે પડે છે. માફી માગતા આ વીડિયો બાદ પણ વિદ્યાર્થી સંગઠનો અને શિક્ષણવિદોમાં આ ઘટનાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે.
ખાલી ક્લાસરૂમમાં કિસ કરતા હોવાનો વીડિયો
વાયરલ થયેલા વીડિયોમાં એક ખાલી વર્ગખંડમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની એકબીજાને કિસ કરતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પાછળ બેઠેલી કોઈ વ્યક્તિએ છૂપી રીતે ઉતાર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતાં તે ઝડપથી વાયરલ થયો છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા અનેક સવાલો
હાલના કથિત વીડિયો બાદ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓની શિસ્ત, વર્ગખંડોના ઉપયોગ અને સોશિયલ મીડિયા પર આવા વીડિયો વાયરલ થવા અંગે સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થામાં આવી ઘટનાઓ સામે સંચાલન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તે મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે.
સમગ્ર મામલે ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીને શું કહ્યું?
ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન કલ્પના ગવલીએ સમગ્ર મામલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે વાયરલ વીડિયો અંગે કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. વીડિયો નવો છે કે જૂનો, તે અંગે પણ તપાસ કરાશે. સમગ્ર મામલાની તપાસ પૂર્ણ થયા બાદ હકીકતના આધારે સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.