Wed Jun 10 2026

Logo

બિહાર-ઝારખંડમાંથી ધોનીએ ભર્યો સૌથી વધારે ઈન્કમટેક્સ, એક જ વર્ષમાં ટેક્સ પેટે કેટલા ચૂકવ્યા ?

2026-05-08 13:54:00
Author: Mayur Kumar Patel
Article Image

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન ધોની હાલ આઈપીએલમાં સીએસકે તરફથી રમવા મેદાનમાં ક્યારે ઉતરશે તેના કારણે ચર્ચામાં છે. આ સિવાય અન્ય એક કારણસર પણ તે સમાચારમાં છે. બિહાર-ઝારખંડમાંથી ધોનીએ સૌથી વધારે ઈન્કમટેક્સ ભર્યો છે. આ જાણકારી ઈન્કમટેક્સ વિભાગના આંકડા પરથી સામે આવી છે.

ધોનીએ એક જ વર્ષમાં ટેક્સ પેટે કેટલા ચૂકવ્યા

મળતી વિગત પ્રમાણે, ઈન્કમટેક્સ વિભાગે 2025-26 દરમિયાન બિહાર અને ઝારખંડમાંથી કુલ મળીને આશરે 20,000 કરોડ રૂપિયાનો ટેક્સ એકત્ર કર્યો છે. બંને રાજ્યોના મળીને વ્યક્તિગત કરદાતાઓમાં સૌથી વધારે ટેક્સ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ભર્યો છે. રિપોર્ટ પ્રમાણે, ધોનીએ ગત નાણાકીય વર્ષમાં 50 કરોડથી વધારેનો એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો છે.

ધોની ક્યાંથી કરે છે કમાણી

જોકે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સત્તાવાર રીતે આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ બિહાર-ઝારખંડના પ્રિન્સિપલ ચીફ કમિશ્નર ઓફ ઈન્કમટેક્સ ડૉ. ડી સુધાકર રાવે પુષ્ટિ કરી કે, વ્યક્તિગત કરાદાતામાં સૌથી વધારે ટેક્સ ભરવામાં ધોની બંને રાજ્યોમાં નંબર-1 છે. ધોનીની આ કમાણી તેના વિવિધ બિઝનેસ વેંચર્સ, જાહેરખબર અને આઈપીએલથી થતી કમાણીનો હિસ્સો છે. 

ઈન્કમટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન બંને રાજ્યમાંથી રેકોર્ડ ટેક્સ કલેકશન કર્યું છે. બિહાર અને ઝારખંડે મળીને આશરે 20,000 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો છે. કુલ ટેક્સ કલેકશનમાં ઝારખંડનો હિસ્સો 12,000 કરોડ રૂપિયા છે. કુલ ટેક્સનો આશરે 70 ટકા હિસ્સો ટીડીએસ દ્વારા આવ્યો છે.

વ્યક્તિગત ઉપરાંત સરકારી ક્ષેત્રની કંપનીઓએ પણ ટેક્સ કલેકશનમાં મોટું યોગદાન આપ્યું છે. સેંટ્રલ કોલફીલ્ડ્સ લિમિટેડ, ભારત કુકિંગ કોલ લિમિટેડ, સીએમપીડીઆઈ મોખરે રહી છે. ભારે વરસાદના કારણે ખનન ગતિવિધિને અસર થઈ હોવા છતાં કલેકશન સંતોષજનક રહ્યું છે. 

બિહાર અને ઝારખંડમાં કેટલા લોકો ભરે છે ઈન્કમટેક્સ

ડૉ. સુધાકર રાવે ચોંકાવનારી માહિતી આપતાં જણાવ્યું, બિહાર અને ઝારખંડમાં કુલ 5.5 કરોડ પેન કાર્ડ ધારકો છે પરંતુ તેમાંથી માત્ર 40 લાખ લોકો જ ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરે છે.  આઉટરીચ પ્રોગ્રામ દ્વારા કરદાતાની સંખ્યા વધારવાની કોશિશ કરશે.

આઈપીએલમાં ધોની એક પણ મેચ રમી શક્યો નથી

વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની આઈપીએલમાં અત્યાર સુધી એકપણ મેચ રમી શક્યો નથી. ટુર્નામેન્ટની શરૂઆતમાં જ સીએસકે એ જણાવ્યું  હતું કે ધોની બે સપ્તાહ માટે રમી નહીં શકે પરંતુ આઈપીએલના પાંચ સપ્તાહથી વધુ સમય થવા છતાં પણ મેદાનમાં ન ઉતરતાં તેના ભવિષ્યને લઈ અટકળો શરૂ થઈ ગઈ છે.

આઈપીએલમાં ધોનીનો કેવો છે દેખાવ

ધોની 2008થી આઈપીએલમાં રમે છે. તે અત્યાર સુધીમાં 278 આઈપીએલ મેચ રમ્યો છે. જેમાં 137.4ના સ્ટ્રાઈક રેટથી 5439 રન બનાવ્યા છે. તેણે 24 ફિફ્ટી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 84 રન નોટ આઉટ છે. આઈપીએલમાં તેણે 375 ચોગ્ગા અને  264 છગ્ગા ફટકાર્યા છે.