Fri Apr 17 2026

Logo

ટૂંકું ને ટચઃ વૃદ્ધ પુરુષોએ કર્યું મૌની સાથે અણછાજતું વર્તન

2026-04-10 11:36:00
Author: Manoj prakash
Article Image

 

મનોજ પ્રકાશ

ગયા અઠવાડિયે આપણે બોલિવૂડમાં અભિનેત્રીઓની થતી છેડતી વિશે વાત કરી હતી. સેલિબ્રિટીઝની સાથે સેલ્ફિ લેવા માટે લોકો પરેશાન કરી મુકે છે. એ જ વાતને આગળ વધારતા મૌની રોયે પણ હૈયાવરાળ ઠાલવી છે. 

ખાપ પંચાયતો માટે જાણીતા હરિયાણામાં, વૃદ્ધ પુરુષો દ્વારા મૌની રોય સાથે છેડતીનો કિસ્સો સોશ્યલ મીડિયા તેમજ સમાચાર ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બન્યો છે. મૌનીએ જણાવ્યું કે હરિયાણામાં એક કાર્યક્રમ દરમિયાન કેટલાક વૃદ્ધ પુરુષોએ તેની છેડતી કરી હતી. ‘મારા દાદાની ઉંમરના વડીલો સ્ટેજ પર આવ્યા, મારી સાથે ફોટા ખેંચ્યા અને મારી કમર પર હાથ મૂક્યો. મેં ના પાડી હોવા છતાં તેઓ અજાણ બનતા રહ્યા. સ્ટેજ પર જ મારા પ્રત્યે અશ્લિલ ટિપ્પણીઓ અને ઈશારા કરવાથી મને ખૂબ દુ:ખ થયું છે,’ તેણે કહ્યું. આ ઘટના બાદ મૌનીએ પોતે આઘાતમાં હોવાની વાત પણ કહી હતી. 

વિચારો કે આ કેટલી શરમજનક વાત છે કે ઘરે આવેલા મહેમાન સાથે ઘરમાં જ અશ્ર્લીલ હરકત થાય અને યજમાન તેનાથી અજાણ રહે? આવી સ્થિતિમાં બોલિવૂડની અકળામણ અને નારાજગી વ્યાજબી જ ગણાશે. મૌનીની જેમ મિમી ચક્રવર્તી પણ એક સ્ટેજ પ્રોગ્રામ દરમિયાન લોકોની છેડતીનો શિકાર બની છે. તે આ મામલાને પોલીસ સુધી પણ લઈ ગઈ છે.

અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે બોલિવૂડ પહેલેથી જ પોતાના પડકારોથી પરેશાન છે, ત્યારે આ છેડતી અને નેગેટિવ પીઆર તેને ક્યાં જઈને છોડશે? જોકે, આવું પહેલીવાર થઈ રહ્યું છે અથવા આ કોઈ નવી પદ્ધતિ છે તેમ કહેવું ખોટું ગણાશે. દાયકાઓથી આ પ્રકારની ફરિયાદો આવતી રહી છે, પરંતુ અચાનક ફરિયાદોનો ગ્રાફ વધવો એ ચિંતાનો વિષય છે. 

સમીક્ષકોનું કહેવું છે કે આનાથી નિપટવા માટે ઘણા ઉપાયો છે, પણ શું નેગેટિવ પીઆરનો સામનો નેગેટિવ પીઆર જ કરશે? જો જવાબ ‘હા’ હોય, તો પછી રૂપેરી પડદાની દુનિયામાં પારિવારિક ધોરણો કેવી રીતે જળવાઈ રહેશે? અને જો પુણેમાં ઈશા દેઓલની જેમ ફેનની હરકતનો જવાબ જોરદાર લાફો હોય, તો શું એવું નથી લાગતું કે આપણે મનોરંજનની દુનિયામાં પણ હિંસાને હિટ કરાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકીએ છીએ?

ફિલ્મમાં અભિનેત્રી છેડતી કરનારને તમાચો મારે તે પ્રેક્ષકોને મનોરંજક લાગી શકે છે, પરંતુ જો વાસ્તવિકતામાં આવું થવા લાગે, તો સામાન્ય જનજીવન અને ફેમ વર્લ્ડ વચ્ચે શું તફાવત રહી જશે?

જરૂરત રણજીતની જેમ કુખ્યાત વિલન બનવાની નથી. જરૂરત સોનમ કપૂરને ધનુષની જેમ બચાવનારા ફેન્સની છે અને જો આ બધું અટકવાને બદલે વધતું રહેશે, તો એ નક્કી છે કે સ્ટેજ પર્ફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર અભિનેત્રીની સાથે સહ-કલાકારો ઓછા અને બોડીગાર્ડ્સ વધુ જોવા મળશે. બાકી, નેગેટિવ પીઆર કંઈ પણ કરાવી શકે છે  છેડતી કરવાથી લઈને કમર પર ચીમટો ભરવા સુધી પણ.